SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ન માનતો; હું તો તારા દુશ્મનનો પાકો મિત્ર છું. એને મારે રાજ ગાદી પર બેસાડવો છે ને મારે પોતાને ધર્મની ગાદી હાંસલ કરવી છે.' ફટકાબાજ બોલ્યો ને તરત એને ભાન થયું કે પોતે ઉપરાઉપરી ગુનો કરી રહ્યો છે, ને પહેલા ફટકાબાજની જેમ પોતે પણ સજાને પાત્ર ઠરે છે ! કેદી તો એટલી ને એવી જ સ્વસ્થતાથી બોલ્યો, ‘તું અને ધર્મ ? રાત અને વળી સૂરજ ? અશક્ય, પણ હું તને ભ્રમમાં રાખવા નથી માગતો; તારો ભ્રમ ભાંગવા માગું છું. ભ્રમ જ આ સંસારમાં ઝઘડાનું મૂળ છે. મારા આનંદનું મૂળ તને બતાવું. મને યાદ આવે છે, ચેલા રાણીના અપહરણના એ દિવસો. સુંદરીઓને ગમે ત્યાંથી હરી લાવવી એ ક્ષત્રિયોનો ધર્મ. એ વખતે મેં ભૂલ કરી. મારે એની મોટી બહેનને લઈ આવવાની હતી. મોટી બહેન મોડી પડી ને એની નાની બહેન ચેલા હાથ આવી ગઈ. ચેલા ભગિની-પ્રેમથી એની બહેન સાથે આવવા નીકળી હતી. સ્ત્રીની સમાધાન વૃત્તિ અજબ છે. એક વાર ન ગમતું સ્વીકારી લે, પછી એને ગમતું કરવામાં જિંદગી ખર્ચી નાખે. ચેલાએ કર્મની અકલ ગતિને માન આપી એને પતિ તરીકે સ્વીકાર્યો, મારે તો રૂપનો ખપ હતો. મને રૂપ મળ્યું એટલે હું તૃપ્ત થઈ ગયો. પણ સદા અતૃપ્ત રહેતી રૂપતૃષ્ણા શંકિત રહ્યા કરે છે. મેં રાણી ચેલા પર અવિશ્વાસ કર્યો. સામાન્ય શંકામાં મેં એને એકદંડિયા મહેલમાં કેદ કરી. એનો પુત્ર આ અશોકચંદ્ર! મારા જ ગુણ-દુર્ગુણનો એ અંશ ! એટલે ભાઈ દેવદત્ત ! આ દેહને રૂપ જોઈતું હતું. એ દેહ મારા આત્માનો દુશ્મન બન્યો. એટલે દેહ મારો દુશ્મન. એ દુશ્મનનો દુમને તું. એટલે પછી મારો મિત્ર ખરો ને ?' કેદીએ પોતાની લાંબી વાત પૂરી કરી. ‘હું દેવદત્ત ! તમે કેમ કરી જાણ્યું ?” ફટકાબાજ પોતાનું નામ રાજા પાસેથી સાંભળીને ચકિત થઈ ગયો. અરે, કેટકેટલો વેશપલટો કર્યો હતો, છતાં આ રાજા પોતાને ઓળખી ગયો ! એમ કેવી રીતે બન્યું ? ‘હા, તું જ મહાભિમ્મુ દેવદત્ત ! ભાઈ, વાંદરો ઘરડો થાય તોપણ ઠેક ન ચૂકે. મેંય રાજ કારણના રંગો પેટ ભરીને જાણ્યા છે ને માણ્યા છે. પણ આજ તું મારા દુશ્મનનો દુશ્મન છે, માટે મારો મિત્ર છે. અને બને તો અશોકચંદ્રને કહેજે , રાજા તારા પર નારાજ નથી. પુત્રથી પિતા કદી નારાજ થાય ખરો ? વૃક્ષ પોતાનાં કડવાંમીઠાં ફળથી નાખુશ રહે ખરું ? પોતાના સત્ત્વનો જ આ બધો પરિપાક છે ને ?” રાજા ધીરે ધીરે જાણે અંતરમાં ઊતરી ગયો. દેવદત્ત થોડી વાર ઝાંખો પડ્યો. પોતાનું પોત પ્રગટ થઈ ગયું એનો એને ભારે આંચકો લાગ્યો. પણ થોડી વારમાં સ્વસ્થ થઈને એ બોલ્યો, ‘રાજન્ ! દરિયાના પાણી ઘણાં વહી ગયાં છે. આખું રાજ તમારા પુત્રની આધીનતામાં છે. તમે મારી પ્રશંસા કરીને કશું હાંસલ કરવા માગતા હો તો એ અશક્ય છે. રાજકારણી પુરુષો પરિસ્થિતિ પ્રમાણે ફરે છે. એ કદી શુગાલ બની નિર્દોષનો પાઠ ભજવે છે, તો કદી સિંહ બની શત્રુઓનો શિકાર ખેલે છે. આજ તમે શિયાળના પાઠમાં છો !” ‘દેવદત્ત ! તને લાગે છે, એમ મને નથી લાગતું. જ્યારે મને હું સિંહ જેવો લાગતો ત્યારે ખરેખર શિયાળ હતો. આજે તમને શિયાળ જેવો લાગતો હોઈશ, પણ ખરેખર, હું સિંહ છું. સિંહ એકલો હોય છે. એનું પરિભ્રમણ એકાકી હોય છે. એ કદી નમતો નથી. એ કદી કોઈથી ડરતો નથી અને કોઈને ડરાવતો નથી. હું પહેલાં ખોટો હતો, આજ સાચો છું. સાચો સિંહ છું !' કેદીએ કહ્યું. ‘હા, હા,” દેવદત્તે ખડખડાટ હાસ્ય કર્યું, અને બોલ્યો, ‘તેં મને ઓળખી લીધો, તો હવે વધુ ઓળખી લે. હું તારી અને બુદ્ધ-મહાવીરની અહિંસાની જગતમાં ચીંથરાં જેવી હાલત કરવા માગું છું. અહિંસા અને પ્રેમની પોપટિયા વાણીએ લોકોને નબળા કરી નાખ્યા. આજ તમારી નબળાઈ ખુલ્લી પાડવા અમે મેદાને પડ્યા છીએ.” | ‘સારુ ભાઈ ! સોનું અગ્નિપરીક્ષા વગર કે કસોટીએ ચડ્યા વગર પોતાનો કસ કેમ બતાવી શકે ? તમે તો અહિંસા પ્રેમની કસોટીના પથ્થર, એટલે મારે મન વધુ મિત્ર સમાન !' કેદીએ કહ્યું. અને તમે સોનું, એમ કે ?’ ગુસ્સે થતો હોય તેમ દેવદત્ત બોલ્યો, “હજી જૂની મગરૂરી જતી નથી. કાં મહારાજ ? ધોળે દિવસે આભના તારા ભાળ્યા તોય અભિમાન જતું નથી ? સીંદરી બળી છતાં વળ છોડતી નથી ?” ‘આ અભિમાન નથી, ભાઈ દેવદત્ત ! હું જાણું છું કે તું, મારો પુત્ર અશોકચંદ્ર, મહામંત્રી વર્ધકાર, રાણી પદ્મા બધાં મારા અત્મકુંદન માટે કસોટીના પથ્થર બન્યાં છો. હું તમને હલકા ચીતરતો નથી. સોનું અને પથ્થર બંને મારે મન સમાન છે. આ તો તને સમજાવવા માટે ઉપમા આપી બાકી તારા જીવને ભૂંડું લગાડવાની કોઈ ઇચ્છા નથી.' ‘આ કંઈ ભૂંડું લગાડવાની નહિ પણ ભૂંડું કરવાની વાત છે. તમે આખા મગધનું ભૂંડું કરવા ઊભા થયા હતા. તમને બુદ્ધ અને મહાવીર પર પ્યાર હતો, એટલે તમને એમની ભૂમિ વૈશાલી પર પ્યાર હતો, અને તેથી વૈશાલીના ગણતંત્ર પર પ્યાર હતો; એટલે તો રાજતંત્રના આગેવાન રાજવી હોવા છતાં તમે અંદરથી ગણતંત્રને વખાણતા હતા, એની સાથે સંબંધ રાખતા હતા. એના કાયદા-કાનૂનો અહીં દાખલ કરવા માગતા હતા. લોકાપવાદ છે કે તમે મગધને પણ એવું તંત્ર બક્ષવા ચાહતા હતા.” દેવદત્ત થોડીવાર થોભ્ય. 18 | શત્રુ કે અજાતશત્રુ સાધુ રાજ કારણમાં રાજી છે 19
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy