SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 46 રથમુશલ યંત્ર તૂટેલા, ખોપરી ફૂટેલા બહાદુર લડવૈયાઓએ એ યંત્રનું મોં જોર કરીને શત્રુસૈન્યની દિશામાં ફેરવી નાખ્યું ! વાહ, રંગ રાખ્યો, વૈશાલીના પ્રજાજનોએ ! મગધની સેના, જે કૂચની રાહમાં સજજ પડી હતી, તેના પર અચાનક મોતનો મારો શરૂ થયો : પોતાનું યંત્ર ને પોતાનું જ મોત ! જોતજોતામાં મગધના કેટલાય સૈનિકો ભૂમિશરણ થઈ ગયા. ‘સમરવીરો ! આગળ ધસી જાઓ ને યંત્રને થોભાવો !' મહારાજ અજાતશત્રુએ ગર્જના કરી. એ ગર્જનાના જવાબમાં એક મહાયોદ્ધો લેશ પણ ખચકાયા વગર ભૂમિસરસો સૂઈ ગયો. અને સૂતો સૂતો મગરની જેમ પેટવડિયાં ચાલવા લાગ્યો ! યંત્રનું મોં ફરી જતાં વૈશાલીની પાછળ રહેલી સેના વેગ પર આવી હતી, ને ભારે ધસારો કરી રહી હતી. - પેલો મગધનો જોદ્ધો ભૂમિસરસો લપાતોચંપાતો યંત્ર નજીક પહોંચી ગયો. એ સિંહપાદ સૈનિક હતો. કર્તવ્યને મોતથી પણ બજાવવાનો એનો ધર્મ હતો. એ ધર્મ બજાવવા એ ઊછળીને યંત્રમાં જઈ પડ્યો, યંત્રની કળ એના હાથમાં આવી ગઈ. એણે એ દાબી દીધી તો ખરી પણ જોરથી ફરતાં ચક્કરો વચ્ચે એનો દેહ છુંદાઈ ગયો. થોડી વારે યંત્રમાંથી એનો છૂટો પડેલો એક હાથ મહામંત્રીના પગ પાસે આવીને પડ્યો; એક પગ મહારાજ અજાતશત્રુની સમક્ષ જઈ પડ્યો ! પણ ચાલતું યંત્ર શાંત થઈ ગયું ! મગધની સેનાનું મોત થંભી ગયું ! અને યંત્ર શાંત થતાં મહામંત્રીએ શંખ ફૂંકીને આખા સૈન્યને પંખીયૂહ રચવાનો આદેશ આપી દીધો. - પંખીની બે પાંખો પહોળી થઈ જાય તેમ આખું સૈન્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. પંખીની ચાંચની જગ્યાએ મહામંત્રી પોતે ગોઠવાઈ ગયા અને સૈન્યને દોરીને ચાલ્યા. સાઠ-પાંસઠ વર્ષના મહામંત્રી અત્યારે યુદ્ધદેવ જેવા શોભી રહ્યા. | ‘મગધવીરો ! વૈશાલીના સાચા નિષ્ઠાવાન સૈનિકો સાથે આજે મૂઠભેદ થવાની છે. આજ વિજય પ્રાપ્ત કરશો, તો આખરી વિજય તમારો છે. આગે બઢો !” અને મગધના ચુનંદા વીરો ભારે ઝનૂન સાથે રણમાં ઝૂકી પડ્યા. ભયંકર ઘમસાણ મચ્યું. રાત્રિ અને દિવસ, જીવન અને મોત એક થઈ ગયાં. વૈશાલી અને મગધ વચ્ચેનું એ ઘમસાણ યુદ્ધ જોવા ખુદ દેવો અને દેવોના રાજા ઇંદ્ર આવ્યા હતા, એમ કોઈ કહે તો ના ન કહી શકાય. એ ભૂમિ પર કર્તવ્ય બજાવતાં પ્રાણ અર્પણ કરનાર વીરોને વરવા દેવાંગનાઓ ફૂલહાર લઈને આવી હતી, એમ કોઈ કહે તો એની પણ ના કહેવાય તેમ નહોતું ! આ વીરોએ એજબ સમર -વીરતા દાખવીને ખરેખર, દેવોના દેવતને ઝાંખું પાડ્યું હતું. રણસ્થલી આખી રણહાકથી ગાજી રહી હતી, ઝઝૂમતા વીરાની ગર્જનાઓ, પડતા અશ્વોના ચિત્કારો ને મરતા માણસોના પોકારોથી આખું આકાશ થરથર કંપી રહ્યું હતું. અને આખી પૃથ્વી રક્ત રંગે રંગાઈ ગઈ હતી. - નાળિયેરીના વનમાં ભયંકર ઝંઝાવાતથી ઠેરઠેર પડેલાં નાળિયેરનાં કાચલ જેવાં માનવમસ્તકો જ્યાં ત્યાં પગમાં આડાં આવતાં હતાં. થોરિયાનાં વન કપાઈને આડાંઅવળાં પડ્યાં હોય તેમ હાથ-પગ જ્યાં ત્યાં રખડતા-રઝળતા પડ્યા હતા. ઘણા બધા કુંભારો ભેગા મળીને પૃથ્વીનો ગારો કરીને ખૂંદતા હોય એમ જમીન રક્તની ધારાથી ને સૈનિકોના સંચાલનથી ગુંદાઈ રહી હતી. માણસની સાદી નજરે દેવો તો નીરખી ન શકાય, પણ દેવનાં વાહન જેવાં ગીધ-સમડાં આકાશમાં ચક્કર લગાવતાં હતાં, અને હાથ મળે તો હાથ, પગ મળે તો પગ અને માથું મળે તો માથું લઈને આકાશમાં ચાલ્યાં જતાં હતાં, અને એ રીતે મરનારાઓને સદેહે સ્વર્ગ મળ્યાનું કહેવાતું હતું. મહાશિલાકંટક યંત્ર નિષ્ફળ નીવડ્યું હતું, અને તેથી વૈશાલીના વીરોનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. તેઓએ જબરજસ્ત મારો ચલાવ્યો હતો અને મગધની સેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. 342 D શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy