SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કે મગધ દેશમાં બીજો પહેરનાર મળવો મુશ્કેલ છે. એના મોં પરનું તેજ અને શ્રીમંત શ્રેષ્ઠી કરતાં કોઈ રાજવંશી ઠરાવે એવું છે. કેદીએ પોતાનાં રૂપેરી જુલફાં ઊંચાં કરતાં ચારે તરફ જોયું. સંધ્યાના રંગો ચારે તરફ પથરાતા હતાં. સંધ્યા ! જીવનસંધ્યા ! કેદી અધ્યાત્મમાં ઊતરી ગયો. એ ફિલસૂફ લાગ્યો. એ બબડ્યો, ‘દરેક સંધ્યાને સવાર છે. દરેક સવારને મધ્યાહ્ન છે. દરેક મધ્યાહ્નને વળી સંધ્યા છે. પછી સંધ્યાથી કે સવારથી ડરવું શા માટે ?” ‘સંધ્યાનું પણ સ્નેહથી સ્વાગત કરવું. સવારને પણ એ જ ભાવથી સત્કારવી.' અને આવા વિચારોમાં મહાલતું કેદીનું મન આનંદમાં આવી ગયું. એણે મોંએથી એક શ્લોકપક્તિ લલકારી : ‘પ્રિયે ! તારાં નયન ! ‘મૃત્યુ ! તારાં ચરણ ! ‘બંને લાલ છે, બંને કસુંબલ છે. કસુંબલ રંગને વધાવું છું. દરેક સંધ્યાને પ્રભાત છે, એમ દરેક મૃત્યુને જીવન છે. હર્ષને શોક છે-શોકને હર્ષ છે તેમ !' ને કૈદી ઊભો થઈને ખંડમાં આંટા મારવા લાગ્યો. થોડી વારે એ ખડખડાટ હસ્યો. ખંડની છત ગુંજી રહી. બહાર પહેરો ભરતા સૈનિકોએ માન્યું કે કેદીનું ચિત્ત ડામાડોળ થઈ રહ્યું છે. એક સૈનિકે બીજા સાથીદારને જાણ કરી. સાથી સૈનિક બોલ્યો, ‘ડામાડોળ કેમ ન થાય ? હજી ગઈ કાલે તો એ આખા મગધ રાજ્યનો સ્વામી હતો, ધણીરણી હતો. એના પ્રેમ-શૃંગાર ને વીર-ધર્મ ચારે તરફ વખણાતાં. એની હાક પાસે ભલભલા રાજાઓ ધ્રૂજતા, આવો ભલો રાજા બીજો જોયો નથી, હોં !' ‘ભલાઈ-બલાઈની વાતો ન કરતો, મારા ભાઈ ! કોઈ સાંભળી જશે તો તલવારને ઘાટ ઉતારશે. સહૃદયતા એ સૈનિક માટે દોષ છે. હૃદય મૂકીને ઉપરીના ઈશારા પર નાચવું એનું નામ નોકરી.' બીજા સાથીદારે કહ્યું. ‘આપણો કોઈ અવાજ નહિ ? ‘ના, રાજતંત્રમાં બિલકુલ નહિ. અલબત્ત, ગણતંત્રમાં, કહે છે કે, દરેક માણસને પોતાનો મત હોય છે.” બીજા સાથીદારે કહ્યું. 12 D શત્રુ કે અજાતશત્રુ ‘ભલા મામસ ! ગણતંત્રનાં વખાણની તો આ મોંકાણ છે. મગધરાજ બિંબિસાર આત્માની મહત્તામાં માનતા, વાણીના સ્વાતંત્ર્યમાં માનતા, વર્તનની સ્વતંત્રતામાં માનતા. સમદૃષ્ટિ જીવને સર્વ સમાન એમ ગણી અહીંના રાજતંત્રમાં ગણતંત્રના સારા અંશ ભેળવવા માગતા હતા. પણ એના દીકરા અશોકચંદ્રને લાગ્યું કે બાપ જો ગણતંત્ર સ્થાપશે તો મારું યુવરાજપદ નષ્ટ થશે. હું દેશનો સ્વામી મટી રસ્તાનો ભિખારી થઈ જઈશ. એણે બાપને કેદ કર્યો. કાળની ગતિ તો જુઓ ! ગઈકાલનો મહાન રાજવી આજ કેદી બન્યો છે !' ‘કેદી પણ કેવો મહાન ! કર્મની ગતિ ગહન છે. અજબ ફિલસૂફ લાગે છે!' બીજા સાથીદારે કહ્યું. નહિ તો રોવા ટાણે કોઈ હસે ખરો ? પણ ઓહ ! પેલું કોણ ચાલ્યું આવે છે ?! બંને પહેરેગીરો સામેથી આવતી એક આકૃતિ સામે જોઈ રહ્યા. અંધારપછેડો ઓઢીને કોઈ ઊંચી પડછંદ આકૃતિ ચાલી આવતી હતી. એની કમર પર મોટું પાણ હતું. હાથમાં લાંબો મગરના ચામડામાંથી બનાવેલો ચાબુક હતો. નરકભૂમિ ચીરીને આવતો કોઈ પાતાળનિવાસી દૈત્ય હોય એવો એ લાગ્યો. એ દરવાજા નજીક આવી ગયો. એણે રાજમુદ્રિકા સૈનિકો સામે ધરી. બંને સૈનિકો રાજમુદ્રિકા જોઈને અદબથી બાજુમાં ખસી ગયા. કારાગારનાં લોહદ્વાર પાસે જવાની અનુમતિ આપવી એટલી જ આ સૈનિકોની કામગીરી હતી. લોહદ્વારની ચાવીઓ તો વળી બીજે રહેતી; બેવડે દોરે કામ લેવાયું હતું. આગંતુક વ્યક્તિએ પોતાના અંચળામાં હાથ નાખ્યો. એણે ચાવી જેવું કંઈક કાઢવું. દ્વારના એક છિદ્રમાં એ નાખીને દબાવ્યું. ઘંટડીનો આછો રણકાર ચારે તરફ વ્યાપી રહ્યો. એ રણકારનો જાણે જવાબ ન હોય તેમ, પળવારમાં ચાર સૈનિકો જમણી બાજુથી ને ચાર સૈનિકો ડાબી બાજુથી આવીને દ્વારની બંને બાજુ ઊભા રહી ગયા. દ્વાર ઉપરના ગવાક્ષમાંથી આકાશમાંથી ઊતરતી હોય એવી એક વ્યક્તિ ઊતરી આવી. એણે ધીરેથી દ્વારના તોતિંગ દરવાજાને બીજી કળ લાગુ કરીને ખોલી નાખ્યો. સહુએ પ્રવેશ કર્યો. અંદરથી હાસ્યના રણકાર આવ્યા. ‘રે હજીય ખુમારી નથી ઊતરી ? હવે તો ફક્ત બે પળની વાર છે.’ આટલું બોલી પેલો ચાબુકવાળો માણસ અંદર ગયો ત્યારે દ્વાર આપોઆપ બંધ થઈ ગયું. અંદરથી ફરી વાર હાસ્ય સંભળાયું. કારાગારમાં રાજા દુઃખી નથી ! E 13
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy