SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કાગસભ્યોને કહ્યું કે, ‘આપણે હવે આ સ્થાનનો ત્યાગ કરીને ચાલી નીકળવું જોઈએ. ભલે આ લોહીનીંગળતો બદમાશ સ્થિરજીવી અહીં કમોતે મૃત્યુ પામે !' | મેઘવર્ણ સાથે બધા કાગડાઓ ચાલી નીકળ્યા. આ ખબર ઘુવડના રાજા અરિમર્દનને મળતાં એ સાંજ થવાની રાહ જોવા લાગ્યો. ભાગતા શત્રુઓનો નાશ સહેલાઈથી થાય છે. સૂરજ દેવ મેર બેઠા કે અરિમર્દન પોતાની ઘૂડસેના સાથે વડલાને ઘેરી વળ્યો. પણ એક કાગડો તો શું, કાગનું ઈંડું પણ ત્યાં નહોતું. સરસ ! વૂડસેના ડાળે બેસી સંગીત કરવા લાગી. એ વખતે એકાએક રુદનનો અવાજ આવ્યો. સાંભળ્યું તો કાગનું રુદન ! બધા એ દિશામાં ધસી ગયા : અરે ! શત્રુનો શેષ હજી યે અહીં રહી ગયો લાગે છે. ત્યાં તો ઘાયલ પડેલો વૃદ્ધ કાગડો, જેની પાંખો પણ અડધી કપાઈ ગઈ હતી, તે બોલ્યો, “અરે ! હું તમારે આશ્રયે આવ્યો છું. મારી ઓળખાણ તમને આપું. હું કાગરાજ મેઘવર્ણનો મહામંત્રી સ્થિરજીવી છું. મને તમારા રાજા અરિમર્દન સાથે મુલાકાત કરાવી આપ. પછી હું બધી વાતો કહીશ. એ પછી મારું જે કરવું હોય તે કરવા તમે કુલમુખત્યાર છો.' ઘુડસેના પાછી હઠી ને રાજા અરિમર્દનને એણે બધી વાત નિવેદિત કરી. અરિમર્દન તરત એ ઘાયલ કાનમંત્રી પાસે ગયો ને બોલ્યો : “અરે કાગ ! મને કહે કે તારી આ દુર્દશા કઈ રીતે થઈ ?” “શું કહું મારી કથની, રાજ ! મારા હાથે મેં કરી, એમ મારે કહેવું જોઈએ. ગઈ કાલે કાગસેનાનો મોટો વિનાશ સાંભળી કાગરાજ એકદમ આપની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રણભેરીઓથી દિશાઓ ગુંજી રહી. આ વખતે મેં કહ્યું, ‘રે કાગરાજ ! રાજા અરિમર્દન સાથે યુદ્ધ એ તમારા ગજા બહારની વાત છે. એની સાથે સંધિ કરો. રાજા ઉદાર છે. એ તમને હોંશે હોંશે દિવસની સુબાગીરી સોંપશે. બળવાન શત્રુ સાથે મિત્રતા કરવી એ બુદ્ધિમત્તાનું લક્ષણ છે.” મારાં આ વચનો સાંભળી રાજા અને તેના તમામ નવા મંત્રીઓએ કહ્યું કે ‘સ્થિરજીવી રાજદ્રોહી છે, શત્રુ સાથે ભળેલો છે.' ને પછી તે બધાએ ભેગા મળીને મારી આ વિપરીત દશા કરી. હવે આપના ચરણનું શરણ એ જ મારી છેલ્લી ઇચ્છા છે. જ્યારે હું સ્વસ્થ થઈશ, ત્યારે તમને કાગમંડળમાં દોરી જ ઈશ; અને એ દુષ્ટોનો સમૂલ ઉચ્છેદ કરાવીશ, ત્યારે જ મને જંપ વળશે.’ રાજા અરિમર્દન ઘાયલ કાનમંત્રીના શબ્દો સાંભળી દયાવાન બની ગયો ને બોલ્યો : ‘જે શરણાગતને પાળે છે એ અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે. તમને મારું શરણ છે. નિરાંતે અમારા દુર્ગમાં વસો.’ બીજા એક મંત્રીએ રાજાના વચનને ટેકો આપતાં કહ્યું, ‘રાવણના વિનાશ માટે રામે વિભીષણનો સત્કાર કર્યો જ હતો ને ! ઘુડરાજનું પગલું શાસ્ત્રસંમત છે.” ત્રીજા મંત્રીએ કહ્યું, આપણા કારણે એ કાગ અપમાન પામ્યો, માટે આપણે એને શરણ આપવું જોઈએ. માણસ માટે મોટામાં મોટું પાપ કૃતજ્ઞતા છે, અને મોટામાં મોટી કીર્તિ કૃતજ્ઞતા છે. કર્યાની કદર તો થવી જ જોઈએ.' આ વખતે વક્રનાસ નામના મંત્રીએ કહ્યું, “બધી વાત સાચી, પણ શત્રુને દુર્ગમાં પ્રવેશ ન આપવો. જે રાજાના દુર્ગમાં અજાણ્યા માણસો પ્રવેશ કરે છે, એ રાજા જલદી શત્રુથી વિનાશ પામે છે. રાજનીતિમાં તો વિશ્વાસનો પણ અતિ વિશ્વાસ ને કરવો એમ કહ્યું છે, તો અવિશ્વાસ અને અરિપક્ષનો ભરોસો તો કેવી રીતે થાય ? હું આ વાતનો વિરોધ કરું છું.' આ સાંભળી રાજા નારાજ થયો ને બોલ્યો : ‘બહાદુરોના દુર્ગ પાષાણની દીવાલોમાં નથી હોતા પણ એની ભુજાઓમાં હોય છે. બાકી જેનું દૈવ રૂક્યું એને દુર્ગ હોવા છતાં કોણ રક્ષી શક્યું છે ? કીર્તિ જ એક અવિચળ છે. અરે, નામ તેનો નાશ છે. કેવો મોટો રાવણ રાજા ! ત્રિકુટાચલમાં જેનું સ્થાન, સાગર આખો જેના નગરની આજુબાજુ ખાઈ બનેલો, રાક્ષસ જેવા જેના યોદ્ધાઓ, કુબેર જેવો જેનો ભંડારી અને જેનું નીતિશાસ્ત્ર શુક્રાચાર્ય જેવાએ રચ્યું, એ રાજા કાળને વશ થઈ નાશ પામ્યો, તો આપણે કોણ ? યાદ રાખો કે કાળને પણ કીર્તિ જીતે છે. માટે કીર્તિની રક્ષા કરો !” પછી રાજાએ સ્થિરજીવી મંત્રીને કહ્યું, ‘મારા પરિજનો અસંમત હોવા છતાં હું તારો સ્વીકાર કરું છું. મારા દુર્ગમાં આવે અને યથેચ્છ રહે.’ સ્થિરજીવીએ કહ્યું : “ગમે તેવો તોય હું શત્રુગણનો સદસ્ય છું. મારાથી દુર્ગમાં ન રહેવાય; દુર્ગના દ્વાર પાસે રહીશ.’ સ્થિરજીવી દુર્ગના દ્વાર પર રહ્યો, અને પોતાના ઘરમાં બહારથી કાષ્ઠના કકડા લાવીને ભેગા કરવા લાગ્યો. આ વખતે મહારાજનીતિજ્ઞ વક્રનાએ પોતાના સાથીઓને કહ્યું: ‘જ્યારે કોઈ રાજ્યનું અનિષ્ટ થવાનું હોય છે, ત્યારે એના આગેવાનોની બુદ્ધિમાં ભ્રમ ને ભ્રષ્ટતા પેદા થાય છે. દેવતાઓ ગોવાળિયાની જેમ લાકડી લઈને રક્ષણ કરતા નથી; જેને વૃદ્ધિ પમાડવા છે તેને તેઓ બુદ્ધિસંપન્ન કરે છે. દેવો શસ્ત્ર લઈને ક્રોધ કરીને કોઈને હણતા નથી, જેને હણવા ઇચ્છે છે તેની બુદ્ધિમાં ભ્રમ ઊભો કરે છે. આપણા રાજાની બુદ્ધિમાં ભ્રમ થયો છે, માટે જો આપણે ઉગાર ચાહતા હોઈએ તો અહીંથી જલદી ચાલી નીકળો.” 266 | શત્રુ કે અજાતશત્રુ રાજનીતિના પ્રકારો 1 267
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy