SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પાસેથી ફરી ગોશાલક પાસે સરતી હતી. ગોશાલકના સ્વરોને ઝીલતી ભક્તમંડળીએ ગુરુવચનનો પુનરુચ્ચાર કર્યો : “મહાવીર છ માસનો મહેમાન ! અરિહંતના અપમાનનું ફળ !” મહાવીરની ભક્તમંડળીમાં આ શબ્દોએ ફરી નિરાશાનો સંચાર કર્યો. એ વખતે શાંત આકાશમાં મેઘગર્જનાના સ્વરો પડઘા પાડી રહે એમ મહાવીરના શબ્દો સંભળાયો : ‘રે ગોશાલક ! કોઈનાં જીવિત-મૃત્યુ ભાખવાં વૃથા છે. એમાં કોઈનો ર્યો ઘડી પળનો પણ વિલંબ થતો નથી. પણ તું ચેતી જા માટે કહું છું. કે એ તેજવાલાઓ તારા શરીરમાં સમાઈ ગઈ છે, ફક્ત સાત રાત્રિ-દિન તારા હાથમાં છે. સોનાની જાળ હવે પાણીમાં ન નાખી દે. હજીયે તારું કાર્ય સાધી લે. સાધકને કશું ય અશક્ય નથી !' થોડી વાર એ સ્વર થોભ્યો. લોકોની નજર ગોશાલક પર ઠરી, અને તેઓએ જોયું કે એનો વર્ણ ધીરે ધીરે કોલસાની કાન્તિ ધારણ કરતો જતો હતો. ફરી મહાવીરનો સ્વર ગુંજ્યો : ‘અને સહુ શ્રોતાજનો ચિંતામાં ન રહે તે માટે કહું છું કે મારે આ દેહનો ભાર હજી સોળ વર્ષ વેઠવાનો છે. જીવિત-મૃત્યુ વિના કારણ ભાખવાં, એ મુનિનો ધર્મ નથી. આ દેહ તો માત્ર સાધન છે. ભવસાગર તરવાની નૌકા છે. સાગરપાર કરવા માટે એ અત્યંત જરૂરી છે. પણ સાગરપાર કર્યા પછી એ તદ્દન બિનજરૂરી છે. માટે આત્માને ઉપયોગમાં આવે ત્યાં સુધી દેહ કામનો. આ માટે કહું છું કે, અસારને સાર ન સમજો ! સોળ વર્ષ ટકે કે સાત દિવસ રહે, એમાં મુનિ હર્ષ-શોક ન માને.” વાતાવરણ ઘનઘોર હતું. સંતપ્ત થયેલા વાતાવરણને સ્વાભાવિક મનોવૃત્તિમાં લાવવા ભગવાન મહાવીરે ફરી કહ્યું : “મારા બે સુકુમાર શિષ્યોનાં શબ અહીં પડ્યો છે. એને માટે હું ગોશાલકને હત્યારો કહી શકું, પણ જેમ મારા બે મરનાર શિષ્યોના કલ્યાણની વાંછના મારા શ્વાસોશ્વાસમાં છે, એમ આર્ય ગોશાલક પ્રત્યે પણ મારી કલ્યાણ-ભાવના છે. પારકાનો દ્વેષ કરનારો આખરે પોતાનો દ્વેષ કરે છે ને પારકાને પ્રેમ કરનારો આખરે પોતાને પ્રેમ કરે છે. શ્રોતાજનો ! આર્ય ગોશાલક એક દહાડો મારો અંધભક્ત હતો. મારા માટે કોઈ ઘસાતાં બે વેણ કહે તો એનો કળીએ કળીએ જીવ કપાત. અતિરાગ એ અતિદ્વેષની બીજી બાજુ છે. શાંત થાઓ. સ્વસ્થ ચિત્ત બનો, અને સહુ સહુના ઘેર જાઓ !' મહાવીરની વાણીએ પ્રજાજનો પર ખૂબ અસર કરી, ઘડી પહેલાં જેઓ ગોશાલકની જય બોલાવતા હતા અને હમણાં જ એની મજાક ઉડાવતા, એ હવે શાન્ત થઈને સ્વગૃહ તરફ વળ્યા. અને શિકારીને જોઈ સસલું ભાગે એમ, લોકોની સામે જોતો, લોકોની મશ્કરી સહન કરતો ગોશાલક ભાગ્યે જતો હતો ! બબે મુનિના હત્યારા પર સામાન્ય રીતે કોઈને સહાનુભૂતિ ઊપજે તેમ નહોતી, છતાંય કેટલાક અંધભક્તો હજી ગોશાલકની ગુણગરિમાની ગાથા ગાતા પાછળ પાછળ જતા હતા ને બોલતા હતા, ‘અરે ! મહામુનિઓના ચરિત્રને સમજનારા આપણે કોણ ? એ જેમ કહે તેમ કરવું, એ કરે તેમ ન કરવું, એમાં જ સામાન્ય જનસમાજનું કલ્યાણ છે. આર્ય ગોશાલક તો મહાસિદ્ધિ છે. સિદ્ધોની કરામતને તમે શું સમજો ? મહાવીર મેલી વિદ્યાના જાણકાર છે. એણે મોકલેલી કૃત્યાને મહાગુરુએ બહાર જ થંભાવી દીધી છે. ત્યા ચૌદ રાજલોકને ખળભળાવે તેવી હતી. અમે થોડી અસર કરી છે, પણ મહાગુરુ એક રાતમાં કાયાકલ્પ કરી પ્રભાતકાળે પ્રવચન આપશે.” સંસારમાં બધા માણસો સારાસાર સમજનાર હોતા નથી. ગોશાલકના ભક્તોની આ વાણીથી વળી કેટલાક નિંદા કરનારા પ્રશંસા કરી રહ્યા. ફરી ગોશાલકના ભક્તોની વાણી ગાજી : ‘આર્ય ગોશાલકે તો ધર્મયુદ્ધમાં બે સાધુને પાડી પોતાની મહત્તા સિદ્ધ કરી; પણ મહાવીરથી અમારા પક્ષમાંના કોઈની આંગળી પણ વાંકી થઈ શકી નથી.' લોકોએ વિચાર્યું તો તેઓને લાગ્યું કે વાત સાવ સાચી ! જો ગોશાલકે બે ઢીમ ઢાળ્યાં તો મહાવીરે ચાર ઢોળવાં જોઈતાં હતાં; અને ચાર નહિ તો બે તો ઓછામાં ઓછાં ઢાળવાં હતાં! નક્કી, આર્ય ગોશાલકે મહાસાધક! મહાસિદ્ધ !' સામાન્ય લોકોના મનનો પ્રવાહ પાણીના પ્રવાહ જેવો છે, જ્યાં જરાક નીચાણ જોયું કે વહી જવાનો ! | આર્ય ગોશાલક માંડમાંડ હાલાહલા કુંભારણના દ્વાર પર પહોંચ્યા, પણ ઉંબર ઓળંગતાં દ્વારમાં જ પડી ગયા ! ‘અરે, આર્ય ગુરુ સમાધિમાં આવી ગયા છે.” ને ભક્તજનો તેમને ઉપાડી અંદર લઈ ગયા. પાણી ! પાણી !' પોકાર આવ્યો. વૈદો, આરોગ્યશાસ્ત્રીઓ, અનુભવીઓ કંઈ કંઈ ઔષધો લઈને આવ્યા, પણ ગોશાલકે એ બધી ઔષધિઓ ફેંકી દીધી ને ફરી પોકાર કર્યો, ‘પાણી ! પાણી !' પાણીના ઘડા આવ્યા. ઘડો મોંએ માંડ્યો પણ પાણી ગરમ લાગ્યું. તૃષા શાંત ન થઈ. તેજોવેશ્યા 1 199 198 શત્રુ કે અજાતશત્રુ
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy