SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરર ! એક ભિખ્ખુ આટલો અધમ થઈ શકે !' ‘મહત્તાની આકાંક્ષા ભારે ભૂંડી હોય છે. એ ભલભલા યોગીને પણ દમે છે.’ અંતેવાસીએ કહ્યું. ‘વારુ, પછી શું થયું ?' ‘મારાઓ હણવા તો ગયા, પણ નજરેનજર મળતાં એ બધા ભગવાન બુદ્ધના ઉપાસક બની ગયા. ને કામ પૂરું કર્યા વગર પાછા ફર્યા. થોડે દહાડે એ સાધુ બની ગયા. જીતની બાજી હારમાં પલટાઈ ગઈ.' ‘ભગવાન મહાવીર માટે તો એવી કંઈ યોજના કરી નથી ને ?' મુનિજીએ વાર્તાનો તંતુ ઝડપી લીધો. ‘કેમ, તમને ભગવાન મહાવીરમાં એવો શો રસ છે ?’ ફાલ્ગુનીએ પ્રશ્ન કર્યો. ‘રે દેવી ! એ તો મારા ઇષ્ટદેવ છે !' ‘તમારા ઇષ્ટદેવ અને તે પણ ભગવાન મહાવીર ? અંધારી રાત અને પૂનમનો ચંદ્ર એનો નાથ, એવી આ વાત છે. દુનિયા પણ શું અજબ છે ! હા..હો...હો...હો.. !' ફાલ્ગુની ખુબ જોરથી હસી રહી. મુનિજી પલભર છોભીલા પડી ગયા. એમને આ ન ગમ્યું. ‘ફાલ્ગુની ! આ તે કેવું વિચિત્ર હાસ્ય ! શું એક પતિત માણસ પવિત્ર માણસનો ઉપાસક ન હોઈ શકે * ‘તમે જાણો છો કે આ ગોશાલક, જે એમની સામે અર્હત બનીને આવ્યો છે, એ એક દહાડો એમનો અનન્ય શિષ્ય હતો.’ અંતેવાસી વચ્ચે વાત કરી રહ્યો. ‘પછી કાઢી કાં મૂક્યો ?' ‘અને ગુરુથી સવાયા થવાનું મન થયું. એને કીર્તિનો લોભ લાગ્યો. કાંચન અને કામિની કરતાંય કીર્તિ ભયંકર વસ્તુ છે. પહેલાં બેથી બચનારો પણ ક્યારેક કીર્તિમાં સપડાઈ જાય છે !' પૂનમે વાત ઉપાડી લીધી. અરે, મારા મનથી એ મારા ઇષ્ટદેવ છે. મને તો એ જાણતા પણ નથી. પણ તેમનાથી અજાણ્યું શું હશે ? ફાલ્ગુની ! મારે શ્રાવસ્તી જવું પડશે. રખેને, આ શ્રમણàષી દેવદત્ત કંઈ હાનિ કરી બેસે. ગોશાલકને હું જાણું છું. એ તપસ્વી છે, પણ ક્રોધમાં આગને પણ ઠંડી કહેવરાવે તેવો છે.' મુનિજીના ચહેરા પર ભક્તિ ઝળકી રહી. ફાલ્ગુની મુનિના ચહેરાનો ફેરફાર કળી ગઈ. જે ઇષ્ટદેવ માટે એ ખૂબ માન ધરાવતા હતા, એ ઇષ્ટદેવ પર અત્યારે આફતનાં વાદળ ઘેરાતાં હતાં. એ વખતે 180 ] શત્રુ કે અજાતશત્રુ પોતે ઘેર કેમ બેસી રહી શકે ? કે અન્યત્ર ભટકી પણ કેમ શકે ? ‘તમારા ઇષ્ટદેવમાં પોતાનું રક્ષણ કરવાની તાકાત હશે કે નહિ ?' ફાલ્ગુનીએ સહજ રીતે પ્રશ્ન કર્યો. ‘હે પ્રિય સખી ! શું કહું તને. એ મારા પ્રેમાવતાર દેવની વાત ! એનું પ્રશમરસ રેલાવતું સૌંદર્ય તું નિહાળ, તો તારું આ કામરસ પ્રસારતું સૌંદર્ય તને કાગડા-કૂતરાને નાખવાનું મન થાય.’ મુનિજીએ કહ્યું. ‘તો દેવ આટલા ઊંચા ને પૂજારી કેમ આટલો....’ ફાલ્ગુનીએ ટકોર કરતાં વાક્ય અડધું રાખ્યું, છતાં કહેવા જોગ બધું કહેવાઈ ગયું હતું. ‘ફાલ્ગુની ! તું કાં ભૂલી ? સૂરજ ગમે તેવો પવિત્ર હોય, એની પૂજા કરનારો એટલો પવિત્ર હોય પણ ખરો, ન પણ હોય. અને પવિત્ર પવિત્રને શું કામ ભજે ? પાપી જ પવિત્રને ભજું - પવિત્ર થવા. ફાલ્ગુની ! એ મારા ઇષ્ટદેવને એક વાર તો નિરખ. એના અંતરમાં સળગતો પ્રેમાગ્નિ ગમે તેવાને પવિત્ર થવા પ્રેરે છે. એની અજબ ધ્યાનશક્તિ પાસે ભૂખ-તરસ, ટાઢ-તડકો, શોક-હર્ષ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. સંસારમાં એને કોઈ શત્રુ નથી, એને કોઈ દ્વેષી નથી. એને કોઈ જીવ તરફ વેર કે પક્ષપાત નથી. એના અંતરાત્માની ઝળહળતી જ્યોતના દર્શનમાં જ આપણાં તન, મન અને વાણી તમામ લીન થઈ જાય છે. એ પ્રેમસાગરને એક વાર તો નયને નિહાળ, રે સખી !' ઘડી પહેલાં ફાલ્ગુનીના રૂપાળા દેહ પર લળી લળીને ઠરતો મુનિનો આત્મા અત્યારે ગગનના ઉચ્ચ અંતરાલે વિહાર કરી રહ્યો-વિષય-કષાયના કીચમાં જાણે એ કદી ગયો જ નથી. ફાલ્ગુનીએ જોયું કે ઇષ્ટદેવના નામનું બહુ જોશ એના કાર્યને હાનિ પહોંચાડે તેમ છે. એ તરત સાવધાન બની ગઈ. એણે વાત બીજે વાળવા ઘણો પ્રયત્ન કર્યો, મુનિજીનું મન અત્યારે અવશ લાગ્યું. મુનિ બોલ્યા, ‘દેવી ! મારા ઇષ્ટદેવની સાધનાથી ભલભલાનાં કલ્યાણ થઈ ગયાં છે. તેં રોહિણેય ચોરનું નામ તો સાંભળ્યું છે ને ?” અરે હા ! વૈભારગિરિનો વાસી ને ?' પૂનમે કહ્યું. ‘તમે એને ઓળખો છો ?' “મુનિજી ! મગધપ્રિયાની સૌંદર્યપરબનાં પાણી કોણ નથી પી ગયું ?' પૂનમે વાતના વેગમાં કહ્યું. ‘મગધપ્રિયા કોણ ?' યોગીનો યોગ C 181
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy