SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 12 અભૂતપૂર્વ મગધના ઇતિહાસમાં આજનો પ્રસંગ સુવર્ણાક્ષરે લખાતો હતો. રાજગૃહીના મહામહિમાવન્તા રાજાઓના ગજરાજો જે પૃથ્વી પરથી પસાર થતા, એ પૃથ્વીની રજને પણ અસ્પૃશ્ય, મેત અને ચાંડાલ લોકોનાં પગલાં અને પડછાયાથી પણ દૂર રાખવાની ઉત્કટ સાવધાની આજ સુધી સેવવામાં આવી હતી; એને બદલે આજે ખુદ મગધરાજ મેતોના વાસમાં જઈ રહ્યા હતા. અને મગધરાજ જ્યાં જાય ત્યાં એમની પાછળ કોણ ન જાય ? અને મગધરાજ જેઓના ઘેર પગલાં પાડે એને ત્યાં શી શી ઋષિસમૃદ્ધિ ન પ્રગટે ? મેતોના આનંદની અવિધ આવી ગઈ હતી. એમનાં નાનાં ઘર અને નાનાં મન વિશાળ રૂપ ધરી રહ્યાં હતાં. મગધનો નાથ જેઓને આંગણે આવે એને હીન, દીન ને અસ્પૃશ્ય કોણ કહે ? જનમ જનમની હીનતા આજ ધોવાઈ રહી હતી. આમ્રવૃક્ષોની મંજરીઓથી એમણે કૂબાનાં આંગણાં શણગાર્યાં હતાં ને ગંગાની કંદરાઓની માખણ જેવી માટી લાવી રસ્તાઓ ભર્યા હતા. પ્રાતઃકાલથી કોઈ નવરું જ નહોતું પડ્યું. ખરી ધમાલ તો વિરૂપાને ત્યાં હતી. ધનદત્ત શેઠનાં અનેક દાસદાસીઓ માયાવી ભૂતની શક્તિથી કામ કરી રહ્યાં હતાં. નવનવા સ્થંભો, અવનવાં વિરામસ્થાનો, રાજમાર્ગને સાંકળતો નવીન વિશાળ માર્ગ : અને વચ્ચે વચ્ચે સુંદર જળના ફુવારાઓ યોજ્યા હતા. શેઠ-શેઠાણીએ માર્ગમાં પગલે પગલે મોતી વેરી મગધેશ્વરનું સ્વાગત કરવાનો નિર્ણય કર્યો હતો. ગરીબ બિચારી વિરૂપા શું નિર્ણય કરે ? એ તો ઘેલી બની ગઈ હતી. વાજિંત્રોના નાદ ત્યાં નહોતા, પણ માનવીઓના કંઠમાંથી નીકળી રહેલો જયજયકાર વાતાવરણને મિષ્ટ બનાવી રહ્યો હતો. અનેક દુઃખદ બનાવો પર આજનો પ્રસંગ સુખદ વાયુલહરીઓ વહાવી રહ્યો હતો. રાજગૃહીની લૂંટ, મેતાર્યમાતંગ વગેરેની ભયજનક ઘાયલ સ્થિતિ અને રાજા ચેટક સાથેના યુદ્ધમાં મરાયેલા અનેક નગર યોદ્ધાઓ : આટઆટલા ગમગીન બનાવો પર પણ ઉલ્લાસની છાયા પાથરી દેવાનું વ્યક્તિત્વ મગધનો નાથ ને મગધના મહાઅમાત્ય ધરાવતા હતા. મહાન લગતા મગધની મહત્તા સામાન્ય રીતે શોધી ન જડતી, શોધનાર ઘણીવાર નિરાશ થતો, પણ આવા કટોકટીના પ્રસંગે એ વણશોધી ઝળકી ઊઠતી. મગધરાજ મેતોના વાસ આગળ ઊભા કરેલા સ્વાગત દ્વાર પાસે આવીને અશ્વથી નીચે ઊતરી ગયા. મહાઅમાત્ય અને બીજાઓએ પણ તેમનું અનુકરણ કર્યું. પ્રજા અનિમેષ નયને પ્રતાપી એવા મહારાજ મગધેશ્વરના ઊપડતા ચરણોને જોઈ રહી. તેઓને લાગી આવ્યું કે આ પ્રતાપી રાજાની ચરણરજની સેવા પાસે જીવન અને મૃત્યુ શી વિસાતમાં છે ? હજાર હજાર જીવન ને હજાર હજાર મૃત્યુ એના પર કુરબાન કરવાં ઘર્ટ ! ધનદત્ત શેઠ હાથ જોડીને સર્વથી આગળ સ્વાગત માટે ઊભા હતા. પાછળ બીજા નગરશ્રેષ્ઠીઓ હતા. શેઠાણી, વિરૂપા ને બીજી ૨મણીઓ એક બાજુ મસ્તક નમાવીને ખડી હતી. મગધરાજ અને મહાઅમાત્યે નગરજનોનાં પ્રણામ શર સામે હાથ જોડ્યા, અને મેતાર્ય તથા માતંગના કુશળ પૂછવા અંદર ચાલ્યા. મેતાર્ય પણ શુદ્ધિમાં હતો. માતંગને હજી મૂર્છા વળી નહોતી. “કુમાર, કુશળ છે ને ? મગધની કીર્તિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર તમારા જેવા કુમારો માટે હું ખરેખર મગરૂર છું." મેતાર્થે જવાબમાં સૂતાં સૂતાં હાથ જોડ્યા. વયમાં નાના છતાં ગુણમાં સમાન પોતાના મિત્રની આ દશા જોઈ મહાઅમાત્યે ઘા પર વીંટાળેલા પાટા જોતાં જોતાં કહ્યું : “મહાઅમાત્યના કાચા કારભાર પર લોકો હસે છે. મેતાર્ય, મારી લાજ તે રાખી.” “મગધની કીર્તિ ને મહાઅમાત્ય ક્યાં જુદાં છે ? મેં મારી ફરજ બજાવી.' “હવે મહાઅમાત્યે એની ફરજ બજાવવી રહે છે !” મગધરાજે પોતાની ઇચ્છાને વચ્ચે રજૂ કરી. “અવશ્ય, પ્રજાની સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે થોડાએક દિવસમાં એ મદોન્મત્ત લૂંટારા રોહિણેયને ન્યાયના સિંહાસન સમક્ષ રજૂ કરીશ. મગધની કીર્તિ સામે બાથ ભીડનારો પાતાળમાં હશે તો ત્યાંથી શોધી લાવીશ ને આકાશમાં હશે તો ત્યાંથી ઉપાડી લાવીશ.” “ધનદત્ત શ્રેષ્ઠી ! તમારા પુત્રને બચાવનાર વિરૂપા ક્યાં છે ?” અભૂતપૂર્વ I 91
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy