SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ “હા બેટા !” વિરૂપા અચાનક જવાબ આપી બેઠી. બીજી ક્ષણે એ સાવધ બની ગઈ. ઊઠીને એના ઓશીકા પાસે આવી. ફરીથી મેતાર્યે વેદનામાં કહ્યું : “મા !” “હા, મેતાર્ય ! હું વિરૂપા !” “નહીં, મા !” લવારો કરતો હોય તેમ મેતાર્ય બબડ્યો, અને એણે મસ્તક પર ફરતા વિરૂપાના હાથને પકડી લીધો. વિરૂપાના હૃદયમાં અજબ મનોમંથન જાગ્યું. મેતાર્યે પકડેલા હાથમાંથી જાણે કોઈ અકળ મનોવ્યથા ઉત્પન્ન થઈ આખા દેહને ઘેરો લઈ રહી હતી. અચાનક ઊભી થયેલી મન-આંધીમાં એ અટવાઈ ગઈ હતી. એના મનમાં અનેક તરંગો સાગરનાં ક્ષણજીવી મોજાંની જેમ જાગી જાગીને વાસ્તવિકતાની દીવાલો સાથે અફળાવા લાગ્યા. શા માટે મેતાર્ય મારો પુત્ર છે, એમ હવે છુપાવવું ? કયા કારણે ધગધગતા આ હૃદયને એના હૃદયથી ચાંપીને શાન્ત ન કરવું ? કઈ બીકે એના અર્ધવિકસિત કમલપુષ્પ સમા આ ઓષ્ઠને ચૂમી ન લેવા ? કઈ હીનતાની દહેશતથી મારે નગ૨માં જાહેર ન કરવું કે પરમ પરાક્રમી મેતાર્ય મારું સંતાન છે, વિરૂપા એની માતા છે, માતંગ એનો પિતા છે ! “મા ! જીવનદાત્રી !” મેતાર્યે હાથને વધુ ને વધુ દાબતાં કહ્યું. વિરૂપા વધુ ધીરજ ન ધરી શકી. એ એકદમ ભાવાવેશમાં આવી પાગલ બની બેઠી. એ બોલી : “હા બેટા, હું તારી મા !” અને એણે મેતાર્યના ઓષ્ઠ પર ચુંબન ભરી લીધું. “તું જ મારી મા !” મેતાર્ય ધીરેથી બોલ્યો. એના શબ્દોમાં માણસ ધી૨જ ખોઈ નાખે તેવી મમતાનો રણકાર હતો. “હા, બેટા, હું જ તારી સાચી મા !' “સાચી મા એટલે શું ?” મેતાર્ય કાંઈક ભાનમાં આવ્યો હતો. એ વિરૂપાની છૂટી પડેલ લટ લઈ આંખ ઉપર રમાડી રહ્યો હતો. “સાચી માનો અર્થ ન સમજ્યો બેટા ?” વિરૂપા મેતાર્યના સ્પર્શથી વિહ્વળ બની રહી હતી. જુવાન જુવતીનાં સ્પર્શાકર્ષણ અનેરાં હોય છે, પણ એમાં ઊંડી ઊંડી દેહવાસના ગુંજતી હોય છે, જ્યારે માતા અને પુત્રનાં સ્પર્શકર્ષણ તો અગમ્ય હોય છે. એમાં વાસનાના સ્થાને ત્યાગ ગુંજતો હોય છે – આત્મસ્નેહની અપૂર્વ સુવાસ મઘમઘતી હોય છે. જુવાનજુવતીનાં સ્પર્શાકર્ષણ દેહને વિકસાવે છે, મા-પુત્રનાં આત્માને ! 78 7 સંસારસેતુ અને એવા આત્માના નાદ પાસે માનવી કોણ બિચારું ? વિરૂપા આજુબાજુ ઊંઘતાં દાસદાસીઓનો ખ્યાલ વીસરી ગઈ. પાસે સૂતેલા માતંગને પણ ભૂલી ગઈ. ભર્યાભાદર્યો મેતવાસ અને ઘરમાં થતી વાતચીત ઘરની ભીંતે ઊભેલો સાંભળી શકે એવી કાચી વાંસ-માટીની દીવાલોનો ખ્યાલ જ એના મનમાંથી છૂટી ગયો. એના સ્મરણપટમાં પોતે ને મેતાર્ય બેની જ હસ્તી રહી. ન “સાચી માનો અર્થ ન સમજ્યો ?” વિરૂપાએ શબ્દોને ફરીથી જાણે ચાવ્યા : “સાચી મા એટલે અભયકુમારને જેમ સુનંદા, મેઘકુમારને જેમ ધારિણી, એમ હું..” અને વિરૂપા એટલા શબ્દો પણ પૂરા ન કરી શકી. એણે મેતાર્યને છાતીસરસો ચાંપી દીધો. એના ઓષ્ઠ પર પુનઃ પુનઃ ચુંબન કર્યાં. એના મોટા વાળમાં હાથનાં આંગળાં ભેરવી ઘસવા લાગી. “માતા, કંઈ ન સમજાયું ! તું શું કહે છે ?” “કંઈ ન સમજાયું ?” વિરૂપાએ પ્રશ્ન કર્યો : “અબઘડી સમજાવું છું મારા લાલ !" “કોને સમજાવે છે ? વિરૂપા, કેમ ભૂલી ગઈ કે ? દરદીની સાથે વાતચીત કરવાની વૈદ્યરાજે બંધી કરી છે ?” વિરૂપા આ અવાજ સાંભળી ચમકી ઊઠી. પાછળ જોયું તો ધનદત્ત શેઠની દાસી નંદા ઊભી હતી. “કોનું નખ્ખોદ વાળવા ઊભી થઈ છે, વિરૂપા ? આખરે હલકી જાત એટલે હલકું મન ?” હલકું મન ! માતા પુત્રને પ્યાર કરે એનું નામ હલકું મન ? પણ ના, ના ! નંદા સાચું કહેતી હતી. બગડેલી બાજી સુધારવી જ ઘટે ! વિરૂપાએ જરા વેગથી કહ્યું. “નંદા, જન્મ આપનાર સ્ત્રી કરતાં જન્મ આપીને જિવાડનાર, ઉચ્ચપદે સ્થાપનાર સ્ત્રી સાચી માતા, ખરું કે નહિ ?" “અવશ્ય ! મેતાર્યની તું સાચી માતા ! વિરૂપા, હવે જરા નિદ્રા લે. આખી રાત જાગી છે. છેલ્લો પ્રહર ચાલે છે. હમણાં શેઠાણીબા પણ આવશે.” વિરૂપા છોભીલી પડી ગઈ હતી. એણે કંઈ જવાબ ન આપ્યો. એ એક ખૂણામાં સોડિયું વાળીને આરામ લેવા પડી. એટલામાં શેઠાણી આવી પહોંચ્યાં. મેતાર્ય થોડી થોડી વારે અશક્તિની મૂર્છામાં પડી જતો હતો. એની સમજવાની શક્તિ અત્યારે બહેર મારી ગઈ હતી. થોડી વારે ફરીથી એણે પડખું ફેરવ્યું, અને ધીમા સિસકારા સાથે કહ્યું : “મા ક્યાં છે ?” જગતનું ઘેલું પ્રાણી – 79
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy