SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ, એની પીઠ પર જ શરસંધાન કરી, નિર્ણીત કરેલ વૃક્ષ પરના ફળને છેદવાનું હતું. આમ અનેકવિધ રમતો રમાઈ, ને પૂરી થઈ. આખો જનસમુદાય એ જોવામાં મગ્ન હતો. આ રસમગ્નતામાં બિચારી વિરૂપાને કોણ યાદ કરે ? કેવળ માતંગ એની સેવામાં હાજર હતો. થોડીવારે ભીડમાંથી છૂટવા માટે નાના કોમળ ફૂલને કોઈ ઊંચકી લે, એમ વિરૂપાને ઉપાડી માતંગ એક ઘટાદાર વૃક્ષ નીચે આવ્યો. વિરૂપા હજી બેભાન જ હતી. “બૈરીની જાત ખરી ને ! એમાં વળી અવળચંડી ! જરૂર કોઈની નજર લાગી. હું એને કહેતો જ હતો કે તું બહાર નીકળ ત્યારે અંબોડામાં જબાકુસુણનું ફૂલ નાખીશ મા ! એક તો નાગની ફેણ જેવો અંબોડો ને એમાં લાલઘૂમ ફૂલ. કોકની ભારે નજ૨ લાગી. પણ ફિકર નહિ !' માતંગ મનમાં બબડવો ને એણે પોતાના મંત્રો યાદ કરવા માંડ્યા. નાગ, ભૂત, યક્ષ, ઇંદ્ર, રુદ્ર, શૈવ ને વૈશ્રમણને તેણે મંત્ર દ્વારા આવાહન કર્યું. અનેક શક્તિમાતાઓને સ્મરી. ઠંડું પાણી લાવી મંત્રીને એ મંત્રજળ એના મુખ પર છાંટવા માંડ્યું. છતાંય વિરૂપા બેશુદ્ધ હતી, પણ હવે એના ઘૂમતા ડોળા શાન્ત પડ્યા હતા. એનું ધમણની જેમ ઊછળતું વક્ષસ્થળ ધીમું પડ્યું હતું. “ભારે જબરી નજર...” માતંગ બબડ્યો અને તેણે આ નજ૨ની અધિષ્ઠાત્રીને કાઢવા કમર કસી હોય તેમ પોતાના મસ્તકની શિખા છોડી. પોતાના હાથમાં રહેલી તામ્રમુદ્રિકા કાઢી વિરૂપાની એક લટ સાથે બાંધી, અને ફરી વેગથી મંત્રોચ્ચાર શરૂ કર્યો. પૃથ્વી, આકાશ ને પાતાળ, દિશા ને વિદિશા, વન, વ્રજ, વનખંડ ને વોદ્યાનના દેવતાઓનું એણે આવાહન કર્યું. પણ દેવદતાઓ આજે નક્કી કોઈ બીજા ભક્તની ભીડ ભાંગવા ગયા હશે, નહિ તો આટલો વિલંબ કેમ ? શરતોની પૂર્ણાહુતિ થઈ હતી. મહામંત્રી, શ્રેષ્ઠીકુમાર મેતાર્ય અને બીજા વિજેતાઓની પ્રશંસા કરતી જનમેદની વીખરાવા લાગી હતી. વિરૂપાની કોઈને પડી નહોતી. રસ્તે જતા કોઈની નજર પડતી તો તે તરત ટીકા કરતું : “જોઈને પેલી છેલછબીલી થઈને ફરનાર મેતરાણી વિરૂપા, ધણીને વશ કરવા વળી કંઈ ચેનચાળા આદર્યા હશે. વાઘ જેવા માતંગને બકરી જેવો બનાવી મૂક્યો છે. ગામમાં એના જેવો બીજો જવાંમર્દ નથી, ને બિચારો બૈરી પાસે બસ, બકરી બેં..." ટીકા કરનારે મોંથી ઉચ્ચાર કર્યો ને સાંભળનારા હસી પડ્યા. થોડે દૂર મોટો રાજમાર્ગ હતો. અનેક શિબિકાઓ ત્યાં થઈને પસાર થઈ રહી હતી. અચાનક એક મૃદુ અવાજ આવ્યો : 60 D સંસારસેતુ “માતંગ ! શું છે !” માતંગે પાછળ જોયું તો ધનદત્ત શેઠનાં પત્ની ઊભાં હતાં. એણે ઝડપથી ઊભા થતાં કહ્યું : “બા, વિરૂપાને કંઈ થઈ ગયું છે !” “વિરૂપાને?” “હા, શેઠાણીબા ! આ તરફ કુમાર મેતાર્ય અશ્વ પરથી લથડ્યા ને આ તરફ એ ‘હાય હાય’ કરતી જમીન પર પછડાઈ પડી ને બેભાન થઈ ગઈ. કોઈ મેલા દેવની નજર લાગી દેખાય છે. પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. હમણાં આરામ આવી જશે.” “અરે, પણ એને આમ ધૂળ પર કેમ સુવાડી છે ? માતંગા લે તો ! આ પાથરણું બિછાવ !" ધનદત્ત શેઠનાં પત્ની શિબિકામાંથી એકદમ નીચે ઊતરી ગયાં, અને એમાં બિછાવેલ કીમતી પાથરણું લઈ માતંગને આપ્યું. “બા, તમે શા માટે શ્રમ લો છો ? આપ પધારો ! કોઈની નજર લાગી છે. એ તો હમણાં સારી થઈ જશે !” “ના, ના, માતંગરાજ ! એમ ચાલ્યા ન જવાય ! એ તો મારી પ્રિય સખી છે.” “નગરલોક નિરર્થક નિંદા કરશે.” “ભલે કરે, અમે બે તો એ નિંદાથી પર થઈ ગયાં છીએ. લોકો કહીને શું કહેશે ? અમે બે સખીઓ છીએ એ જ ને ! આભડછેટ નથી જાળવતાં એ જ ને ?” એમ કહેતાં કહેતાં શેઠાણી છેક વિરૂપાની નજીક પહોંચ્યાં. પાછળ અશ્વનો હણહણાટ સંભળાયો. જોયું તો શ્વેતમયૂર પર બેસીને કુમાર મેતાર્ય ચાલ્યો આવતો હતો. માતાને ટોળાની અંદર જોતાં એ ત્યાં આવ્યો, તેજમૂર્તિ મેતાર્યને જોતાં જ ટોળાએ જગા કરી આપી. પાછળ મહાઅમાત્ય અભય પણ આવતા હતા. સત્તાની મૂર્તિ સમા કુમાર અભયને આવતા જોઈ ટોળું વીખરાવા લાગ્યું. “વિરૂપા, વિરૂપા ! ઓ ઘેલી ! જો તો ખરી, આંખો તો ઉઘાડ ! તને જોવા તારો વહાલો ખેતાર્ય પણ આવ્યો છે !” આ શબ્દોએ વિરૂપાના કાનને કંઈક ચમકાવ્યા. બધાંને લાગ્યું કે માતંગના મંત્રોચ્ચાર કરતાં આ શબ્દોએ વધુ અસર કરી. “મેતાર્ય, મારો લાલ !” વિરૂપા હોઠ ફફડાવતી તૂટક તૂટક સ્વરે બોલવા લાગી. થોડી વારે તો એ બેઠી થઈ. જરા ભાનમાં આવતાં જ એણે પ્રશ્ન કર્યો : “મેતાર્ય હેમખેમ છે ને ? અશ્વનો ખેલંદો આબાદ છે ને ? ઘણું જીવે મારો હજારમાં એક D 61
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy