SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પરભૃતિકા. કેટલાક દિવસો પછીની એક સવાર ઊઘડતી હતી. કામદેવનો મિત્ર વૃક્ષ વૃક્ષે નવપલ્લવતા આપી ક્યારનો વિદાય થયો હતો. ગ્રીષ્મ ઋતુ પૂર્ણ તાપ સાથે આગળ વધતી હતી. વસંતની વાડીએ વાડીએ ગાનારી પરભૂતિકાઓએ (કોયલોને) ઓધનના મહિનાઓ પૂરા થતા હતા. નર અને માદાએ નવા સંસારની રાહમાં ડાળીએ ડાળીએ બેસી કૂંજવા માંડ્યું હતું.. કેટકેટલી પરભૂતિકાઓએ સંતાનને જન્મ આપ્યો હતો. પણ નગરી પરભૂતિકાઓ ગાવા ને નાચવામાંથી નવરી પડે તો સંતાનને ઉછેરે ને ! એ તો જઈને પારકી માતાઓના માળામાં એનાં સંતાન ભેગાં પોતાનાં સંતાન મૂકી આવી હતી, અને એ રીતે તરત નિવૃત્ત થઈ રંગીલી રસીલી પરભૂતિકા પાછી નર સાથે ગાવા લાગી ગઈ હતી. પણ એ નિષ્ફર પરભૂતિકાઓને ધીરે ધીરે એક વાતની પીડા જાગતી જતી હતી. પારકી માતાના માળામાં પોતાના સંતાનને તો મૂકી આવી, પણ નારીના દિલમાં વસતિ માતૃત્વની વહાલસોયી લાગણી થોડી મૂકતી આવી હતી ! એ લાગણી હવે એને ખૂબ પજવવા લાગી હતી. આમઘટાઓ અને દ્રાક્ષના લતામંડપોમાં આખો દિવસ ટહુકાર કરતી આ નારીને હવે પારકી માતાના પેલા માળાથી દૂર જવું નહોતું ગમતું. બહારથી એ ડોળઘાલુ કહેતી કે મારે સંતાન જ ક્યાં છે ! કેવી ફક્કડ છું ! અને એ રીતે દેશદેશના પરભૂતોને પોતાના રૂપથી જતી, છતાં અંદર વસેલું મન ઘણીવાર બંડ કરતું, એના કાળજાને ચૂંથતું, જાણે કહેતું : ઓ નિષ્ફર માતા ! તારા સંતાનના દેહ પર એક વાર પાંખો પસારીને ઘડીભર એને ભેટી લેવાનું ય દિલ નથી થતું ?'' માતા બધુંય સમજતી, પણ શું કરે ? એ નિરુપાય હતી. એને સમાજ વચ્ચે જીવવું હતું. અને એ માટે એને એ જ બનાવટી ડોળથી સુમધુર ગીત ગાવાં પડતાં; છતાંય કેટલીક અનુભવી પરભૂતિકાઓ જરૂર કહી દેતી : અલી તારું ગાન કેટલું મીઠું, કેટલું લાગણીભીનું બન્યું છે ! નક્કી કોઈ અંતરની માયાની મીઠી વેદના તારા સ્વરને તપાવી રહી છે, ઝણઝણાવી રહી છે; એ વિના આટલી મીઠાશ ન સંભવે !” બિચારી પરભૂતિકા શું કહે ? અને એવી જ કરુણસ્થિતિ ભોગવી રહેલી રાજ ગૃહીનાં હીણા કુળોની શ્રેષ્ઠ પરભૂતિકા વિરૂપા પણ કોને શું કહે ? લમીનો જન્મ થયો સાંભળી માતંગે તો મોટો નિસાસો નાંખેલો. દીકરી એ બાપના બાકી રહેલા મનોરથ કેવી રીતે પૂરે ? ઘા સામે ઘા એ કાંઈ ઝીલી શકે ? ગમે તેમ તોય એ પારકા ઘરનું ધન. મોટી કરીને છેવટે એને પારકાને જ સોંપી દેવી પડે ! એનાથી વંશનો વેલો આગળ ન વધે, માતંગને તો રોહિણેયના જેવો ભડું દીકરો જોઈતો હતો. ભોળા દિલના માતંગે સુવાવડી વિરૂપાને પોતાના મનની આ વાત કરી, ત્યારે વિરૂપાએ પથારીમાં પડ્યા પડ્યા કહ્યું : “તને ભલે દીકરી ન ગમે. બાકી મારાં સુંડલો ને સાવરણી તો દીકરી જ મુકાવશે.” પણ માતંગના આ કૂડા વેણથી જાણે લક્ષ્મીજી રિસાઈ ગયાં હોય તેમ, દીકરી છ-એક દિવસે પરલોકગમન કરી ગઈ. દશેક દિવસે વિરૂપા ખાટલેથી ઊઠી ઘરમાં કામકાજ કરવા લાગી. માતંગ થોડા દિવસ ઉદાસ રહ્યો, પણ વિરૂપાની મોહજાળમાં ધીરે ધીરે બધું ભૂલી ગયો. પણ વિરૂપાની સ્થિતિ તો અરણ્યની વાટમાં ભૂલા પડેલાં પ્રવાસી જેવી હતી. હસવું કે ૨ડવું, આનંદ કરવો કે અશ્રુ સારવાં, શું કરવું એની એને સમજણ જ નહોતી પડતી. એનું વક્ષસ્થળ પુષ્ટ બન્યું હતું, એનો કંચુકીબંધ ફાટફાટ થતો હતો, અને અંદરથી જાણે કોઈ ધોધ બહાર ધસી આવવા ઘુઘવાટા કરી રહ્યો હતો. અંગપ્રત્યંગ વધુ ને વધુ પુષ્ટ બનતાં ચાલ્યાં હતાં. એના કદલીદળ જેવા હસ્ત વધુ સ્નિગ્ધ બન્યા હતા. એના કામદેવની કામઠી સરખા લાલ હોઠ વધુ ૨ક્ત બન્યા હતા. પણ શા કામના ! મનની પરવશતામાં એ હાથ ઘણી વાર કંઈક ગ્રહણ કરવા લાંબા થતા; એના હોઠ કોઈની પ્રતીક્ષામાં વારેવારે નિષ્ફળ રીતે ઊઘડી જતા; વાતવાતમાં વક્ષસ્થળ ઊછળવા લાગતું. એ બધું જોઈ પેલો ભલી-ભોળો માતંગ વિરૂપાને જોઈ કહેતો : કેવી પાકી ગલ જેવી થઈ છે !' અને બીજા બધાનો પણ એવો મત હતો. છતાં વિરૂપાને એનો કશો આનંદ પરભૂતિકા n 23
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy