SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મની ગત ગ્રીષ્મ ઋતુની એક સાંજ પડતી હતી. આખા દિવસનો ઊનો વાયુ અત્યારે કંઈક ઠંડો પડ્યો હતો. દિવસભર તપેલાં પુષ્પો હવે ધીરે ધીરે સુગંધ પ્રસારવા માંડ્યાં હતાં. શેકી નાખે એવા તાપથી બચવા માળામાં લપાઈ ગયેલાં પંખીઓ સંધ્યાગાન ગાતાં આકાશમાં આમતેમ ઊડી રહ્યાં હતાં. અંતઃપુરના ઊંડા આવાસોમાં આખો મધ્યાહ્ન પુરાઈ રહેલી રાજ રમણીઓ આસાયેશ લેવા રાજપ્રાસાદોના ઝરૂખામાં આવી હતી, ને પાળેલાં પંખી પણ આંગણામાં લટાર મારી રહ્યાં હતાં. રાજરમણીઓ નાહવા ને જલક્રીડા કરવા રાજ ઉધાનના હોજમાં ઊતરી પડી હતી. નિર્ભય એકાન્ત, ઠંડું હિમ જેવું પાણી ને સંધ્યાનો મનોરમ સમય ! રમણીર્વાદ લાજ-શરમ છોડીને જળક્રીડા કરવા લાગ્યું. સ્ફટિકશા જળમાં છબછબિયાં કરતાં એમના રૂપભર્યા અંગપ્રત્યંગ, વારે વારે રણઝણાટ મચાવતાં હાથનાં કંકણો અને પાણીના પટ પર બિછાઈ ગયેલા એમના લાંબા કેશકલાપ, અદ્ભુત ચિતારાની કલ્પનાને પણ નિસ્તેજ બનાવી નાખે તેવું રમણીય દશ્ય ખડું કરતાં હતાં. રાજભોજન માટે ફળફૂલ વીણવા આવેલો માતંગ આજે અહીં કેદી બન્યો હતો : આ રાજરમણીઓ સ્નાન કરી પાછી ન ફરે ત્યાં સુધી રાજ ઉધાનના મુખ્ય દ્વાર પર એને ચોકી કરવાની હતી. ગ્રીષ્મની સંધ્યા ખીલી ને કરમાઈ, રાજગૃહીનાં દેવમંદિરોમાં આરતી ઉતારવાની તૈયારીઓ થઈ; તોય રમણીઓની જલક્રીડાનો અંત ન આવ્યો, એ તો હજીય એમાં જ મશગૂલ હતી. આખરે રાજમહેલની નોબતો ગગડી. નગારે ઘાવ પડ્યો ને રાજરમણી-ઓને ભાન આવ્યું કે અરે, રાજાજીને પધારવાનો વખત થયો. વેળા વીતી ગઈ. ઉતાવળે ઉતાવળે જેમ આવ્યાં તેમ પટકુળ વીંટીને તે વિદાય થઈ. દેવોને પણ એક નજર નાખી લેવા દિલ થાય એવા ઊછળતા યૌવનના આ રૂપરાશિને જતો નિહાળવા દરવાજે ચોકી પર ઊભેલો માતંગ જરાય ન લોભાયો. એ કોઈ જોગીજતિની બેપરવાઈથી જ ત્યાં ખડો હતો. - રમણીવૃંદ અદૃશ્ય થયું કે માતંગ ઘરભણી વળી નીકળ્યો. આજ રાતે એને, અગત્યના કામે, ગંગાને પેલે પાર, રોહિણીઓના દાદાને મળવા જવાનું નિમંત્રણ હતું. ભલા, એ ગામ-દાદાના નિમંત્રણને કોણ ઠેલી શકે ? તેમાંય જ્યારે શૂદ્રકુળોની ભિન્ન ભિન્ન નાતોના આગેવાનોને તેડ્યા હોય, ત્યારે તો ગયા વગર ચાલે જ કેમ ? વિરૂપાએ ભોજન તૈયાર રાખ્યું હતું, પણ આજ માતંગને એ કલા જમવા બેસવાનું હતું. એક તો ગ્રીમનો દિવસ અને એમાં એ ગર્ભવતી; એટલે આજ હંમેશ કરતાં એ વિશેષ બેચેન હતી; છતાં બેચેની બતાવી માતંગને જતો રોકવાની તેની ઇચ્છા નહોતી. મીઠી મશ્કરી કરતાં કરતાં માતંગે જમી લીધું, અને ઝટ લાઠી ખભે મૂકી : વીરુ, કદાચ રાત્રે આવું પણ ખરો, અને ન પણ આવું, પંચના આગેવાનો મળવાના છે, એટલે રાત નીકળી પણ જાય.' સારું, વહેલા આવજો !” માતંગ લોઢાની ઢાળ જડેલા મોટા જોડા પહેરી બહાર નીકળ્યો. થોડે દૂર પહોંચ્યો નહિ હોય, ને વિરૂપાએ ધીમી બૂમ પાડી એને બોલાવ્યો. માતંગ પાછો ફર્યો. વિરૂપાએ શિખામણ આપતાં કહ્યું : “રોહિણીઓના દાદા સાથે કંઈ ચડભડ કરીશ મા ! એ ભલે ગમે તે કહે, આપણને રુચે તો માનવું, નહિ તો ચૂપચાપ બેસી રહેવું. એવા સાથે બાકરી બાંધવી સારી નહિ, મને તો લાગે છે કે, એ એમ કહેવાનો હશે કે આ શ્રમણોનો ઉપદેશ કોઈએ સાંભળવો નહિ. એ હમણાં શ્રાવસ્તી અને એ ત૨ફ જઈ આવ્યો છે, ને તારણહાર પ્રભુ જ્ઞાતપુત્રનાં દર્શન કરી આવ્યો છે. એ કહે છે કે, જ્ઞાતપુત્ર મોટા જાદુગર છે : પાસે જતાંની સાથે મોરલીની સામે સર્પ ડોલે તેવી સ્થિતિ થઈ જાય છે.” એમની અમી વરસાવતી આંખો સાથે આંખ મિલાવી, એમનાં દર્શન કર્યા અને બે વેણ કાને પડ્યા પછી મનમાં ન રહે અભિમાન કે ન રહે કોઈ જાતની બળતરા ! એ તો બિચારો એમને જોઈ છક્ક થઈ ગયો છે. એટલે એ કહે છે કે જો આપણે એ જાદુગરનું કહ્યું સાંભળીએ તો પછી આવાં કર્મ કરવાં ગમે જ નહિ ! અને વળી એ ત્યાંના કેટલાક પંડિતોને પણ મળ્યો. એ બધાએ એને સમજાવ્યું છે કે જો મહાવીર મોટો પતિતોદ્ધારક હોય તો એના પોતાના જ પંથમાંથી છૂટાં પડેલાં પોતાનાં દીકરી-જમાઈને સમજાવે. પોતાના પ્રથમ શિષ્ય ગોશાળાને સમજાવે !” હવે બસ, લાંબી વાત ટૂંકી કર ને ! એમાં જ્ઞાતપુત્ર શું કરે ? સૂરજ ઊગે ને ચામાચીડિયાં ફફડાટ કરે તેમાં સૂરજનો શો દોષ ? એવી વાતો હવે નહિ ચાલે. હવે કર્મની ગત 1 15
SR No.034419
Book TitleSansar Setu
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy