SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 20 ઉત્તર અને પશ્ચિમ સાગરનાં મોજાં ધીરે ધીરે લહેરાતાં હતાં. ભરતીનાં પાણી પાછાં ફરી ગયાં હતાં, ને ઓટનાં જળ દૂર દૂર રહીને ગાજતાં હતાં. સૂર્યનારાયણ ગગનપંથે આગળ વધતા હતાં, અને રેવતાચલનાં ગિરિશિખરો પાછળથી ઠંડો-મીઠો પવન વહ્યો આવતો હતો. ઓતરાદા દેશનાં નર-નારીને આ ભૂમિ ખૂબ ભાવી ગઈ. આતિથ્ય તો અજબ ભાવ્યું. પળ બે પળમાં આનર્તવાસીઓ જાણે જુગ જુગ જૂનાં સંબંધીઓ હોય એમ ભાસવા માંડ્યું. આ ઓતરાદા દેશના લોકો લોહીનો આખો દરિયો ઓળંગીને આવ્યા હતા; દગો, કપટ, પયંત્રમાં જીવીને આવ્યા હતા. ત્યાં ઝેરભરી પૂતના રાણાસીઓ વસતી હતી. એ ઠેર ઠેર ફરતી ને બાળકને સ્તનપાન અને યુવાનોને વિષયપાન માટે લોભાવીને એમને નામશેષ કરી નાખતી હતી. ત્યાંનાં જળમાંય ભરોસો રહ્યો નહોતો; જરાસંધના સેવકો એમાંય ઝેર ભેળવી જતા ! અતિ નમ્રતા અવિશ્વાસને જન્માવે છે, ચોર, ચિત્તો અને તીર કમાન જેમ વધુ ઝૂકે એમ સંહારની ગતિ બેવડી કરે છે ! કેટલાક લોકોનાં મન હજી પણ શંકિત હતાં. તેઓએ આ આથમણા દેશના લોકોએ આણેલાં અન્ન પહેલાં કૂતરાને ખવરાવ્યાં. આથમણા દેશના લોકોને આ વાત ન રુચી. પોતે આટલો નેહ બતાવે અને સામેથી અતિથિઓ આટલો અવિશ્વાસ ધરાવે ! ‘કૂતરાને ખવરાવવામાં શો વાંધો છે ?' મહેમાનોએ કહ્યું. ‘કૂતરાના રોટલા અમારે ત્યાં જુદા થાય છે.” ‘રોજ એના માટે ઘડતા હશો, કાં ?' ઓતરાદા દેશના લોકોને વાત ખોટી લાગી. તેઓએ ઉપહાસના ભાવથી કહ્યું. ‘અહીં જીવમાત્ર આજીવિકાનો અધિકારી લેખાય છે. અહીં રોજ પંખીને દાણા, નાનાં ઘેટાં પાડરાંને દૂધ, કૂતરાને રોટલા અને માછલાંને લોટ આપવામાં આવે છે. માંદાં પશુઓ માટે અમે વૈઘો રાખીએ છીએ. તેઓ પશુઓની માણસની જેમ સારવાર કરે છે !' આથમણા દેશના લોકોએ પોતાની સંસ્કૃતિ સંક્ષેપમાં કહી. ઓહ, સુંદર છે આ તમારો દેશ ! આ ભૂમિના ભાવ મને બહુ ગમે છે.’ નાનો નેમ આ વાત સાંભળી રાજી રાજી થઈ ગયો. નેમકુમાર ! આ તો બધી મિથ્યાભિમાનની વાતો છે. શું ઘરની રાણીઓ માણસ માટે જ મહામહેનતે રોટી પકાવતી હોય, પછી એ કંઈ કૂતરા માટે રોટલા ઘડતી હશે ખરી ?” બીજા લોકો આ વાત મશ્કરીમાં ઉડાડવા લાગ્યા; એમને એમાં હજી શ્રદ્ધા નહોતી બેસતી. ‘અહીંની હરએક ગૃહિણી પહેલો રોટલો કૂતરા માટે ઘડે છે, એનું નામ ચાનકી કહેવાય છે. એ રોટી માણસથી ન ખવાય.’ આથમણા દેશના લોકોએ કહ્યું. પણ ઓતરાદા દેશના લોકોને હજી પણ આ વાત માનવામાં ન આવી. તેઓએ મશ્કરીઓ શરૂ કરી. મશ્કરીમાંથી વાત મમત પર ચઢી ગઈ. આથમણા દેશના લોકો ગરમ થઈ ગયા. તેઓ બોલ્યા, ‘તમે અમારા અતિથિ છો, દેવ છો, મારે વિશેષ કંઈ કહેતા નથી. નહિ તો ખબર પાડી દેત.’ જાઓ, જાઓ, ડરપોકો ! દેવના પૂજારીઓ ! તમારાથી શું થવાનું છે ?” ઓતરાદા દેશના કેટલાક લોકો બોલ્યા, ‘ડરપોક કોણ ? તમે કે અમે ? વતન છોડીને ભાગી આવનારા ડરપોક કે અમે ?’ આથમણા દેશના લોકોથી રહેવાયું નહિ, વાત લાંબી થઈ ગઈ. બંને તરફથી તલવારો ખેંચાઈ ગઈ; છમકલું થઈ ગયું. પણ ઓતરાદા દેશના લોકો આથમણા દેશના લોકો કરતાં વધુ ઝનૂની નીકળ્યા. એમણે આથમણા દેશના લોકોને ભગાડ્યા; એમના અન્નનાં પાત્ર એમના માથામાં માય; એમનાં ફળ-ફળાદિ એમના વાંસામાં માર્યા; અને અધૂરામાં પૂરું તેઓમાંના કેટલાક ભાગતા લોકોની પાછળ પડ્યા. વાત વધી જાય તેમ હતી, ત્યાં દૂરથી એક રથ દોડતો આવ્યો. એમાંથી બે જુવાનો ઊતર્યા : એક વીરતાનો અવતાર હતો. ખભે લોખંડનું હળ હતું, એનું ફણું લોહીવાળું હતું. બીજો કામદેવના અવતાર જેવો હતો. એના હાથમાં દૂર દૂર ફેંકી શકાય અને પાછું પાસે આણી શકાય તેવું ચક્ર હતું ! ઉત્તર અને પશ્ચિમ 155
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy