SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તમારી કડક ભાષા જ એ કહી આપે છે.' ‘અમે મથુરાના છીએ.’ ‘જમના નદીના કાંઠાના ને ? યમરાજાની બહેન જમનાને ?' આનર્તવાસીઓએ પૂછ્યું. ‘હા. એ મથુરાના અમે યાદવો છીએ. અમે અંધક અને વૃષ્ણિ કુળના છીએ. મથુરામાં રાજા કંસ રાજ કરતો હતો. એ ગાય, બ્રાહ્મણ અને સ્ત્રીને બહુ રંજાડતો; પોતાને કોઈ પદભ્રષ્ટ ન કરે, માટે પોતાની બહેનનાં બાળકોને સંહારતો.’ ‘મહાપાપી રાજા કહેવાય.' આનર્તવાસી બોલ્યા. “એ રાજાને અમારામાંના એક કિશોરે સંહાર્યો.’ ‘વાહ કિશોર, વાહ ! અમે એના પર વારી જઈએ છીએ.' આનર્તવાસીઓ બોલ્યા, ‘અમને એનાં દર્શન કરાવો.’ ‘થોડી વારમાં એ આવી પહોંચશે. રાજા કંસને હણીને એણે પ્રજાને સુખી કરી, પણ બીજા બધા રાજાઓ આથી ચિડાયા. તે બધાએ એકસંપ કર્યો ને અમારા ઉપર સત્તર વાર ચડી આવ્યા, પણ યાદવોએ મચક ન આપી. પણ ભૂંડા લોકો પોતાની ભૂંડાઈમાં પાછા પડતા નથી. તેઓએ આસામના કાલયવનને પોતાની મદદમાં બોલાવ્યો.' ‘જેમણે આટલા રાજાને હરાવ્યા, એમની આગળ એકલા કાલયવનનું શું ગજુ ?' સરળ સ્વભાવના આનર્તવાસીઓ બોલ્યા. “એમ નથી, જે યાદવોના ગુરુ છે, એ કાલયવનના પણ ગુરુ છે. એમનું નામ ગર્ગાચાર્ય છે. યાદવોથી નારાજ થઈને એ દક્ષિણમાં ચાલ્યા ગયા, અને ત્યાંના રાજાની સ્ત્રીમાં એમણે એક ભયંકર ઝનૂની પુત્રને ઉત્પન્ન કર્યો. એ જ આ કાલયવન! ગર્ગાચાર્યે યાદવોની સર્વ શસ્ત્રવિદ્યા ને અસ્ત્રવિદ્યા એને શીખવી છે. એની પાસે મંત્રશક્તિ પણ છે. યાદવો એની સામે લડીને દીવા ઉપર પતંગની જેમ મરી ફીટવા તૈયાર હતા. પણ...' રાજા સમુદ્રવિજય અટક્યા. આ રીતે મરી ફીટવાનો કંઈ અર્થ નથી. માનવજીવન તો બહુ કીમતી છે, ને માણસ જ કંઈ કરી શકે તેમ છે.’ આનર્તવાસીઓએ કહ્યું. ‘એટલા માટે અમે ત્યાંથી હિજરત કરી ફળફૂલથી ભરેલી વતનની લીલી વાડીઓને વેરાન બનાવી અમે પ્રવાસ ખેડતાં ખેડતાં અહીં તમારી ભૂમિમાં આવી પહોંચ્યા.' ‘આવ્યા તો ભલે આવ્યા. આ ભૂમિને તમારી જ જાણજો. એક તરફ સાગર 152 ] પ્રેમાવતાર એની ચોકી કરે છે, બીજી તરફ અમારો રેવતાચલ પહેરેગીર જેવો ખડો છે. અને કોટકિલ્લા જેવા અમારા સેનાનાયકો છે. સુખે વસો ને વસાવો આ ભૂમિને ! આ તમારો નાનો ફિલસૂફ નેમ પણ અહીં જ રહેશે ને ?’ ‘હા. એને તો લડવાનો ખૂબ કંટાળો છે. એકાંતમાં બેસવું, ભૂખ્યા રહેવું, કંઈક અજબ અજબ વાતો વિચારવી, એવું એવું એને બહુ ગમે છે.' રાજા સમુદ્રવિજય કહ્યું. ‘હા.હા. આ સાગર મારો બંધુ થશે. આ પર્વત મારો મિત્ર થશે. આ વન મારી વેણુ થશે. શ્રીકૃષ્ણે ગોકુલ-વૃંદાવનમાં ઢોર ચાર્યાં, હું અહીં ઢોર ચારીશ.' ‘રાજકુમાર થઈને ઢોર ચારશો ?' ‘શા માટે નહિ ? દરેક માનવના હૃદયમાં દ્વેષ, વેર, લોભ, મોહરૂપી ઢોર તોફાન કરતાં જ હોય છે. એને હું ચારીશ.' નેમે જવાબ આપ્યો. બધા લોકો એ જવાબ સાંભળી રાજી રાજી થઈ ગયા. નાટકનો બીજો અંક D 153
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy