SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 5 આર્યો અને નાગ યમુનાનો કાંઠો છે. કાલિંદીનો ધરો છે. કદંબની ઘટા છે. ઘટામાં વાનરો સંતાકૂકડી રમે છે. હરિયાળી ભૂમિ પર થોડાંએક નર-નારી હરે-ફરે છે. થોડાએક દિવસથી અહીં વસ્તી થઈ છે. ગાયો અહીં મીઠી મધ જેવી દુર્વા ચરે છે. હરણાં મનભર છલાંગો ભરે છે. વૃક્ષોની ઘટામાંથી વેણુના નાદ વહ્યા આવે છે. ગોકુળ-વૃંદાવનનાં વ્રજોમાં એક વેણુનો વગાડનારો છે. એ વેણુ સાંભળીને ગાયો દૂધ આપે છે ને ગોવાલણો નૃત્ય કરે છે ! કાલિંદીનો ધરો આજે સ્વતંત્ર છે. ગઈ કાલ સુધી એ એક મહાપ્રતાપી નાગના કબજામાં હતો. એ નાગનું નામ કાલીય. કાલીય પોતે અનાર્ય હતો અને આર્યોનો વેરી હતો. કંઈ કારણ વગર આર્ય અને અનાર્ય વચ્ચે જન્મજાત વેર ચાલતું હતું ! એકબીજાને જોવામાત્રથી ઝેર વરસતાં હતાં, ચાર આંખ એકઠી થઈ શકતી ન હતી. એમાંય નાગકુલ અને ગોપકુલ વચ્ચે ભારે વૈમનસ્ય જાગ્યું હતું. કાલીય નાગ આ ધરામાં આવીને વસ્યો ત્યારથી ગોપલોકોનાં દુઃખનો પાર રહ્યો નહોતો! ફાડી ખાનારાં જાનવર કરતાં કરડી ખાનારાં ભયંકર હતાં. એ ઘરખૂણે દરમાં ભરાઈ રહેતાં. કેડાની નીચે છુપાઈ રહેતાં, ને લાગ મળે ફટકાવતાં. એ ઝેર તો એનાં એવાં કાતિલ હતાં કે ડંખ લાગેલ જીવ પાણીનો પ્યાલો પણ માગવા ન રોકાતો. કાલીય નાગ જાદુમંતરવાળો માણસ હતો. એ અનેક પ્રકારની કરામતો જાણતો અને મહાવૈજ્ઞાનિક અને ચતુર રાસાયણિક હતો. એ ધારે ત્યારે કાલિંદીનાં પાણી વિષમય કરી મૂકો. એ ધારે તો ગામડાં ઉજ્જડ કરી શકતો. એના ઇષ્ટદેવ નાગ હતા. અને એ માટે એ અનેક નાગ પોતાની પાસે રાખતો. જે ગામને ઉજ્જડ કરવાં હોય ત્યાં એ નાગોના સમૂહને છૂટો મૂકી દેતો. અને આખા ગામમાં કાળો બોકાસો બોલી જતો. મરેલી ગાયો ને મરેલાં નરનારથી ગામ ગંધાઈ ઊઠતાં. મહામહેનતે બચેલાં માણસો ઊભી પૂંછડીએ ભાગી છૂટતાં ! પછી વિષ પાયેલાં શસ્ત્રો સાથે નાગનાં ટોળાં ગામ પર હલ્લો લાવતાં; ઘરવખરી, ખાવા-પીવાનું તથા બીજું જે મળતું તે લૂંટી જતાં; ગાયોને અને પશુઓને ઝબ્બે કરી ખાઈ જતાં. છેવટે ગામ અગ્નિદેવને હવાલે કરવામાં આવતું. નાગલોકોના એ ત્રાસમાંથી છૂટવા ગોપલોકો એમનો પ્રસાદ યાચતાં, એમની કૃપા માગતાં અને દૂધ, દહીં ને માખણ પહોંચાડી જતાં. દીવાલ ઉપર ઇષ્ટદેવ નાગનાં ચિતરામણ કરીને એમને પૂજતા. છતાં બળવાનની કૃપા અમુક સમય પૂરતી જ હોય છે. જરાક વાંકું પડતું અને પાછો વિનાશ વરસી જતો ! શ્રીકૃષ્ણ એક દહાડો આ બધાને કહ્યું, ‘નિર્બળની પૂજા પણ નકામી. સબળની ઉપાસના જ સાચી !' પણ નાનાશા કુમારની આવી વાતો કોણ હૈયે ધરે ? નાગલોકોનો કડપ એવો હતો કે નામ લેતાંય ડર લાગે. ક્યારેક તો એનું નામ લીધું કે ઉપરથી એ પડ્યો જ છે ! એટલે શ્રીકૃષ્ણે ગોપલોકોની આગેવાની લીધી. કાલિંદીના ઘાટ પર કાલીય નાગ સાથે કૃષ્ણે કુસ્તીના દાવ ખેલ્યા ! ચાર કક્કા મળ્યા ઃ કાલિન્દી, કૃષ્ણ, કાલીય, કુસ્તી. કુસ્તી તે કેવી ? જોઈને ભલભલાનાં હાંજાં ગગડી જાય ! વાહ રે, વજહૃદયી ને વજ્રદેહી વ્રજબાળ કૃષ્ણ ! દહીં-દૂધ ચોરીને ખાધાં તે પ્રમાણ કર્યાં ! મોટા વખંભર કાલીય નાગને ચાર ખાના ચિત્ત પછાડ્યો. ભલભલા મૂછાળા મર્દો જે ન કરી શક્યા તે આ નાનકડા છોકરે કરી બતાવ્યું ! અદ્ભુત ! નક્કી કોઈ અવતારી જીવ, નહિ તો આવું અશક્ય કામ શક્ય ન થાય. ચારે તરફથી નાગલોકો દોડી આવ્યા, ‘ખમૈયા કરો'ના નાદ ગજવવા લાગ્યા! શ્રીકૃષ્ણે ઝેરની દાઢ કાઢીને એને સદા સેવક થઈને રહેવાનું વચન લઈને કાલીય નાગને જીવતો છોડ્યો ! કુસ્તીના આવા દાવ તો હજી કોઈએ જાણ્યા જ નહોતા. નાના એવા કૃષ્ણ પાસે મોટા મોટા મહારથીઓ દાવ ભણવા બેઠા ! ગુરુ નાના ને ચેલા મોટા ! અને આ પછી તો બળૂકા શ્રીકૃષ્ણે ગોપર્સના ખડી કરી. ભલાભોળા ગોપોએ તો ચક્રવર્તીના સૈન્યની અદા દેખાડી. આખા મથુરામાં ચકલુંય પાંખ ફફડાવી ન આર્યો અને નાગ D 35
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy