SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચાડ્યા હતા; અને પોતે છતે સંતાને નિઃસંતાન બનીને સંયમી તપસ્વી જેવું જીવન જીવી રહ્યા હતા. સંસારનું ભલું થતું હોય તો પોતાની લાગણીઓનાં પૂરને અંતરમાં જ સમાવી દેવું એ વિશ્વ કલ્યાણનો પહેલો ધર્મ એમણે અદા કર્યો હતો. હજી પિતા તો દિલ કઠોર કરી શકે, પણ માતાનાં દિલ તો નદી કાંઠાના વીરડા જેવાં છે : લાગે સૂકાખંખ પણ જરાક ખર્યું કે ખળખળ કરતી જળસરવાણી વહી નીકળી સમજો ! માતા દેવકી વિશે એવું જ બન્યું હતું. એમણે સાત સાત જણ્યાંને જન્મતાંની સાથે ઝૂટવાઈ જતાં જોયાં હતાં. એમાં છનો પત્તો નહોતો. સાતમા જણ્યાને બચાવવાનો આખરી નિર્ધાર કરેલો પણ એ નિરધાર જ ભારે પડ્યો ! આંખ સામે પોતાના આત્માનો અંશ રમતો હોય અને પોતાનાથી એને પોતાનો ન કહી શકાય. જીવનની કરુણતા આનાથી તે વિશેષ કઈ હોય અને આનાથી તે વિશેષ કઈ હોઈ શકે ? કંસવિજય વખતે મથુરાના દરબારમાં નંદરાણી યશોદા શ્રીકૃષ્ણની માતા તરીકે પોતાની જાતને સંગર્વ રજૂ કરે; અને જેની એ સંપત્તિ એ પોતે ભિખારણની જેમ ચૂપ ખડી રહે ! પણ ત્યાગની હવા એવી છે કે સહુનાં દિલમાં આપોઆપ સન્માન પેદા કરે છે. વસુદેવ અને દેવકી ગૃહસ્થ હતાં, તોય સાધુ જેટલાં સન્માન પામતાં. આજે ભગવાન નેમનાથ તેમના દ્વાર પર આવવાના હતા અને તેથી તેઓ પૂરાં આનંદમાં હતાં. રોજ સાદું જમનારાએ આજે કેસરિયા મોદક બનાવ્યા હતા. ભગવાન નેમનાથ પધાર્યા છે, તો સાધુ કે ગૃહસ્થ કોઈ ને કોઈ દર્શનાર્થી અતિથિ જરૂર આવી પહોંચવાના. એ કાળે માણસને આવા પ્રસંગો પુત્રવિવાહ જેવા રૂડા લાગતા અને એવે વખતે તેઓ પોતાની સંપત્તિ ને શક્તિને લેશ પણ છુપાવતા નહિ. માતા દેવકીએ આંગણાને રૂડું શણગાર્યું હતું, ને ઘરને ફૂલહારથી સુશોભિત કર્યું હતું. શ્રીકૃષ્ણ પછી પોતાને થયેલ આઠમા ગજસુકુમાર નામના પુત્રને સાધુઓને ઘર તરફ લઈ આવવા એમણે માર્ગ પર મોકલ્યો પણ હતો. કુમાર ગજ ભગવાન નેમનાથના સ્વાગતે નીકળ્યો હતો. એમની સાથે કેટલુંક સાધુવંદ હતું. એ વૃંદને આહાર નિમિત્તે બોલાવવાનું હતું. માતા દેવકી આંગણામાં ઊભાં ઊભાં ભૂતકાળના વિશાળ પટને અને એ પટ પર ઘેરાયેલા ચિત્રવિચિત્ર રંગોને યાદ કરતાં હતાં, ત્યાં સરખેસરખા બે સાધુઓ ભિક્ષા માટે આવી પહોંચ્યા. ઊગતા બાલચંદ્ર જેવી બંનેની જુવાની હતી. ખીલતા કેસૂડા જેવો બંનેનો વર્ણ હતો. કાંતિ તો દેવતાઈ હતી. માતા દેવકી આ બે અનગારોને નીરખી પુત્રવાત્સલ્ય અનુભવી રહ્યાં. પણ મુનિને માન ઘટે, એમના માટે માયા ન શોભે, એમ સમજી એમણે એ તરફ વારંવાર દોડી જતા મનને વારી લીધું. ઘરમાં જઈ કેસરિયા લાડુનો થાળ લઈ આવ્યાં. એક એક સાધુને બેબે એમ ચાર લાડવા આપ્યા. સાધુઓ આશીર્વાદ આપી પાછા ફરી ગયા. માતા દેવકી પુત્ર ગજસુકુમારની રાહ જોઈ રહ્યાં હતાં. એટલામાં હજી ભિક્ષા લઈ ગયેલા એ જ બે સાધુ ભિક્ષા માટે ફરી પાછા આવ્યા ! માતા દેવકીએ મનમાં વિચાર્યું કે મુનિ તો જંગલવાસી જીવ ! એમને આવા મોદક ક્યાંથી મળે ? આજ પેટ ભરીને જમતા હશે. ભલે લઈ જતા. અહીં લાડવાનો ક્યાં તોટો છે? માતા દેવકીએ બીજા ચાર લાડુ સાધુને આપ્યા. સાધુ લાડુ લઈને પાછા ફર્યા. માતા દેવકી હવે કુમાર ગજની રાહ જોઈ રહ્યાં. એ આવે તો જમી લેવાય; વિલંબ થતો હતો. ત્યાં પેલા બે વાર આવેલા બેય સાધુ ફરી આવતા દેખાયા. માતા દેવકી જરાક આશ્ચર્ય અનુભવી રહ્યાં, પણ એમણે પ્રથમ જેટલો જ હર્ષોલ્લાસથી ચાર મોદક વહોરાવ્યા. બંને સાધુઓએ આશીર્વાદ આપ્યા. આ વખતે માતા દેવકીએ વિનયથી ને પ્રેમથી કહ્યું, ‘હે સાધુઓ ! કૃષ્ણ વાસુદેવ જેવા પ્રતાપી રાજનેતાની નવી યોજન પહોળી ને બાર યોજન લાંબી, સ્વર્ગલોકના બીજા નમૂના જેવી આ દ્વારકા નગરી છે. એક જ કુળમાંથી પૂરી ભિક્ષા લેવી, એને સાધુ-મુનિઓ માટે દોષ લેખ્યો છે. શું તમને દ્વારકા નગરીના ઉચ્ચ, નીચ ને મધ્યમ કુળોમાં સમુદાયિક ભિક્ષા માટે ફરતાં ભિક્ષા નથી મળતી, તે એક કુળમાં વારંવાર આવવું પડે છે ?' અન્ય કોઈ હોત તો ગમે તેમ જવાબ આપત, પણ શીળી ચંદ્રિકા જેવાં દેવકી માને ઊંચા અવાજે જવાબ પણ કેમ અપાય ? બંને મુનિઓએ નમ્રતાથી કહ્યું, ‘દેવકીમાતા ! અમે છ મુનિઓ છીએ. અમે ભગવાન નેમનાથના શિષ્યો છીએ. સંસારી અવસ્થામાં નાગ ગાથાપતિની પત્ની 404 પ્રેમાવતાર પ્રેમની અજબ સૃષ્ટિ 05
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy