SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ‘રાજ ! પૃથ્વી પર પાપની ગંદકી વધી ગઈ છે. યુદ્ધની આગ વિના એને કોઈ સાફ કરી શકશે નહિ. પિતા ધૃતરાષ્ટ્ર અંધ છે, અને પુત્રપ્રેમ પાસે વિશેષ અંધ બન્યા છે ! દ્રોણ જેવા ગુરુઓ રાજ્યને નિયમનમાં રાખનાર રહ્યા નથી. એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો છે, ને એ રાજ્યાશ્રિત બની ગયા છે. પૃથ્વીને સત્યનો સંદેશ આપી શકે એવા ભીષ્મ જેવા પુરુષો પૈસાના દાસ બન્યા છે ! શું આવી સડેલી ધરતીને તું સાચવી રાખવા માગે છે ?' શ્રીકૃષ્ણે કહ્યું. ‘પણ સ્ત્રીઓએ તમારું શું બગાડ્યું છે ? બાળકોએ તમારો કયો ગુનો કર્યો છે ? આમાં ખરી ખોટ તો સ્ત્રી-બાળકોને જવાની છે. નિરાશ્રિત સ્ત્રીઓને ન જાણે કોણ ખેંચી જશે ? નિરાધાર બાળકોનું ભાવિ ન જાણે કેવું અંધારિયું થશે?' રાજ દિલના જોશથી બોલતી હતી. ‘રાજ ! દીકરી ! પાપડી ભેગી ઇયળ બફાય. એ જગજૂનો વ્યવહાર છે. સૂકા ભેગું લીલું સદાય બળતું આવ્યું છે !' ‘આપ છેવટે એટલી પ્રતિજ્ઞા કરો કે કોઈ અવસ્થામાં પણ શસ્ત્ર નહીં ગ્રહણ કરો, નહીં તો તમારી શસ્ત્રવિદ્યા પૃથ્વીને રોળી નાખશે.' રાજે યાચનાના સૂરમાં કહ્યું. રાજ ! તારા અંતરની ભાવના અને પૃથ્વીના જીવો પરની તારી પ્રીતિ હું સમજું છું. પણ એટલું યાદ રાખજે કે હું તો વાઢકાપ કરનારો વૈદ છું. પૃથ્વીને હવે વધારે રોગી થવા દેવી, મને અનુચિત લાગે છે.' ‘એમ છતાં પણ ગમે તેમ કરીને મને વચન આપો કે હું શત્રુ ગ્રહણ નહિ કરું.' ‘જા, મારું તને વચન છે, રાજ !તારા હૈયાને પીડિત થતું હું જોઈ શકતો નથી. મેં સારથિનું કામ લીધું છે. સારથિ શસ્ત્ર ન લે, સારથિ અવધ્ય રહે.’ ‘છતાંય યુદ્ધ ટળે તો ટાળજો.' ‘રાજ ! એ મારાથી નહિ બની શકે. સંસાર પર આતતાયીઓનો કબજો થયો છે. પૃથ્વીનો વધેલો ભાર ઉતારવાનું કામ મેં માથે લીધું છે. હવે તો ભાર ઉતાર્યે જ છૂટકો છે.' શ્રીકૃષ્ણે કહ્યું. એટલામાં સત્યારાણી રથ હાંકીને દ્વાર પર આવીને ઊભાં. રાજ નાની હતી, સત્યારાણી મોટાં હતાં. પણ આજ યુદ્ધપ્રયાણ વખતે એ રાજથી પણ નાનાં લાગતાં હતાં. એમનો ઊંચો ગૂંથેલો કેશપાશ એમની પ્રતિભામાં વધારો કરતો હતો. ‘મોટી બહેન ! સુખે સિધાવ ! સંગ્રામમાં તું તારા સ્વામીનાથની સોડ બનજે. જગતે યુદ્ધનો સ્વાંગ સજ્યો છે. એ સ્વાંગ ઉતરાવવા માટે તું પ્રકાશ જેવી છે. હું હવા જેવી છું. હું મારું કામ શાંતિથી સાધીશ.' રાજ બોલી. 358 – પ્રેમાવતાર ‘રાજ !’ સત્યારાણીએ કહ્યું, ‘એમ પર્વતની ગુફામાં એકાંતે બેસી ગયે જગતની ગંદકી ઓછી ન થાય.' ‘બહેન ! તું તનની ગંદકીની વાત કરે છે. મને મનની ગંદકી પીડે છે. યુદ્ધ પહેલાં મનમાં જન્મે છે, તન તો તે પછી લડે છે. મનશુદ્ધિ માટે મારી અને મારા નેમની લડાઈ છે. ઓહ ! પશુઓનો પોકાર કેવો જોરજોરથી સંભળાઈ રહ્યો છે.’ ‘સારું ! સારું ! જા, તું પણ રૈવતગિરિ પર જઈને તપ કર. તપથી દુનિયા વિશુદ્ધ થશે, અને વિગ્રહ જરૂર અટકશે.' સત્યારાણીએ કહ્યું. એમાં થોડો વ્યંગ્ય પણ હતો. ‘હું તો એમ માનું જ છું, બહેન ! હું જરૂર તપ તપીશ. સૂર્ય કંઈ આપણી નજીક નથી. છતાં એ કેટલે દર પોતાનાં અજવાળાં પહોંચાડે છે ને અંધકારનો નાશ કરે છે ! એમ રૈવતગિરિના પહાડ પરથી અમારાં તપસ્તેજનાં કિરણો સમસ્ત પૃથ્વી પર પ્રસરશે ને સંસારની સંશુદ્ધિ કરશે.' રાજ વિશ્વાસ અને ગૌરવપૂર્વક બોલી રહી હતી. આવી રીતે ગૌરવથી બોલતી નાની બહેન તરફ સત્યારાણીને ખૂબ પ્રીતિ ઊપજી. એણે આગળ વધીને રાજને બાથમાં જકડી લીધી; એ એના ઉપર વહાલપ વરસાવી રહી. શ્રીકૃષ્ણ આ દશ્ય જોઈ રહ્યા હતા. એ બોલ્યા, ‘ઓહ ! તમ બે બહેનોમાં જેટલું વહાલ છે, એટલું અમ પુરુષોમાં હોત તો ? રાજ ! પાંડવ ને કૌરવ એક જ મગની બે ફાડ છે. છતાં આજે કેવાં હાડમાંસના વૈરી બની બેઠા છે !' ‘બહેન ! હું રજા લઈશ. પૂજ્ય બલભદ્રજી પાસે મારે પહોંચવું છે.’ રાજે કહ્યું, એને યુદ્ધની વધુ વાતો ગમતી નહોતી. ‘ત્યાં કંઈ પ્રચારકાર્ય કરવું છે કે પછી બલરામજીને કંઈક ધર્મોપદેશ આપવો છે !' શ્રીકૃષ્ણે મશ્કરીમાં કહ્યું. ‘મારે એ જોવું છે કે યુદ્ધનો વિરોધ કરવા જેટલું હૃદયબળ બલરામજીમાં હજી પણ સલામત રહ્યું છે કે નહીં !' ‘સલામત છે, રાજ ! પૂરેપૂરું સલામત છે. હું તો તીર્થયાત્રાએ પરવરું છું. આ યુદ્ધ સામે મારો વિરોધ છે. આ યુદ્ધમાં શ્રીકૃષ્ણ ભાગ લે એ સામે પણ મારો વિરોધ છે.' બલરામજી અંદર પ્રવેશતાં બોલ્યા. બલરામજી પ્રવાસને યોગ્ય સામગ્રી સાથે આવ્યા હતા. તેઓએ નખથી શિખ સુધી સફેદ વસ્ત્રો સજ્યાં હતાં. સફેદ અશ્વ લીધો હતો. ને શસ્ત્રાસ્ત્ર તમામ તજી દીધાં હતાં. બલરામ સત્યારાણી સામે જોઈને બોલ્યા, ‘તમે શસ્ત્ર સજ્યાં! અમે શસ્ત્ર તજ્યાં! તમે યુદ્ધદીક્ષા સ્વીકારી, મેં શસ્ત્રસંન્યાસ સ્વીકાર્યો !' કુરુક્ષેત્ર ભણી – 359
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy