SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયારીઓ કરવા માંડી. ધીરે ધીરે બધા દ્વારકા તરફ પ્રયાણ કરવા લાગ્યા. છપ્પન કોટી યાદવોના નેતા શ્રીકૃષ્ણ; જરાસંધ અને શિશુપાળ જેવા આ યુગના રાવણોના સંહારનાર શ્રીકૃષ્ણ; રસિયાઓને પોતાની મધુર બંસીથી કામણ કરનાર શ્રીકૃષ્ણ. એ શ્રીકૃષ્ણના સદાના સુખદુઃખના સાથી રાજા સમુદ્રવિજય અને સતીઓની હારમાં શોભે એવાં એમનાં રાણી શિવાદેવી; એ સતિયાં નરનારીનું સંતાન નેમકુમાર ! જનમથી જ એક અજબ નેહભર્યો જુવાનિયો ! એને જોઈએ અને મનડું મોહી જાય, એની સાથે વાત કરીએ ને ચિત્ત ચોરાઈ જાય; જેવો પ્રેમી એવો જ પરાક્રમી ! સામે વીજળીની તેજરેખા સમાં સત્યારાણી ! હજાર હજાર નારીઓના સમૂહમાં નોખા તરી આવે એવાં તેજસ્વી નારી ! અને બહેન રાજ્યશ્રી તો ચિત્તા અને સાવજ થી રમનાર અને રેવતાચળના ચઢાણને હસતાં રમતાં ચઢી જનારી! જુવાનિયાઓની જુવાની જાણે એની આગળ પાણી પાણી થઈ જાય ! યૌવનના તેજ અંબાર સમી રાજ્યશ્રી શણગાર સજે એટલે તો પછી કહેવાનું શું બાકી રહે ? અને પેલા ભોળા ભદ્રિક બિચારા બલરામ તો આ લગ્નની વાત આગળ લડાઈની વાત જ ભુલી ગયા, ને તીર્થયાત્રાની વાતને પણ સંભારતા નથી ! લગ્નોત્સવમાં આવનાર રાજઅતિથિઓ માટે નગરના પાદરમાં પાર વિનાના તંબુઓ ખડા થઈ ગયા. ગૃહ અને હવેલીઓના દ્વારે દ્વારે સુવર્ણના સ્તંભ પર ઇંદ્રનીલમણિનાં તોરણો લટકી રહ્યાં. સ્વચ્છ આંગણામાં મોતીના ચોક પુરાઈ ગયા. રાજમાર્ગ અને વીથિકાઓમાં સુગંધી જળના છંટકાવ થઈ રહ્યા. આ હર્ષોલ્લાસના પ્રસંગને પોતાની કંઠમાધુરીમાં મઢી લઈને મહાલયના ગવાક્ષ પર બેઠેલો મોરલો નેકીદારની જેમ મોટેથી ટહુકી ઊઠતો. મોરના આ ટહુકાર નવેલીઓનાં ચિત્તમાં આછાઘેરા ભણકાર પેદા કરતા. પૃથ્વી, પાણી, પવન અને પ્રકાશ વેરતા આકાશને એકરસ કરતા કેવા મીઠા એ સ્વર ! વચમાં મૃદંગ, પખવાજ , ભેરી, તુર, શરણાઈના નાદ એકબીજામાં ભળીને વાતાવરણને વધુ મુખરિત બનાવતા હતા. એટલામાં ઝાઝેરી જાન જોડીને આવતો યાદવસંઘ નજરે પડયો. સહુ સહુના રથ જુદા હતા, સહુ સહુના અશ્વ જુદા હતા, અને પતાકાઓ પણ જુદી હતી. પ્રજાજનો તાકી તાકીને રથને જોતા હતા અને પતાકાઓ કે બીજાં એંધાણ ઉપરથી એને પારખી લેતા હતા. આ શ્રીકૃષ્ણનો રથ, આ બલભદ્રનો રથ, આ રાજા સમુદ્રવિજયનો રથ અને આ વરલાડા નેમકુમારનો રથ ! | 324 | પ્રેમાવતાર રથની પાછળ હાથી હતા. પ્રખ્યાત યદુવંશી યોદ્ધાઓ ને વૃદ્ધો એના પર બિરાજ્યા હતા. હાથીની પાછળ અબલખીઆ અશ્વો હતા. કોઈ નટવો નાચે, એમ એ અશ્વો ચાલતાં ચાલતાં નાચી રહ્યા હતા. આ અશ્વો પર યદુવંશના પ્રખ્યાત નેતાઓ, નિયામકો ને સંઘરાજ્યના જુવાન સ્તંભો બિરાજેલા હતા. રથ, ઘોડા ને હાથીની પછી પાલખીઓ આવતી હતી. એક એક પાલખીમાં એક એક પદ્મિની સ્ત્રી બેઠી હતી. સૌંદર્યનો આ સાથે જોઈ માણસ સ્વર્ગની લાલસા છોડી દે એવું હતું ! આ નારીઓએ કામદેવના બાગ સમા પોતાના દેહનાં લતા, ફળ, ફૂલસમાં અંગોમાં અદ્ભુત શણગાર કર્યો હતો. યદુવંશી સુંદરીઓ માટે કહેવાતું કે એ જેવી સુરત-સિંગારમાં કુશળ હતી એવી જ યુદ્ધ-વ્યાપારમાં નિપુણ હતી. યદુવંશીની આ જાન ધીરે ધીરે આગળ વધતી હતી. સામે પક્ષે આ લાખેણી જાનનું સામૈયું કરવા સત્યાદેવીએ ભારે તૈયારીઓ કરી રાખી હતી. એમને આ જાનનું સામૈયું એવું અદ્ભુત કરવું હતું કે કદી કોઈએ જોયું કે માણ્યું ન હોય. જાનની મહેમાનગતિની તૈયારીઓ પણ એવી કરી હતી કે જાનૈયા એને જિંદગી સુધી, વીતેલી જુવાનીને વૃદ્ધો સંભાર્યા કરે એમ, યાદ કર્યા કરે ! એક પક્ષે આગેવાન શ્રીકૃષ્ણ હતા; બીજે પક્ષે આગેવાન હતાં સત્યારાણી! સહુનું ઝાઝેરું સન્માન કરવાનું હતું, સહુને યોગ્ય ઉતારા દેવાના હતા. દરેક નૃપતિને સુવર્ણ દંડથી શોભતા મોતીના ઉલેચવાળા મંડપ ઉતારા માટે દેવાના હતા. દંતધાવન (દાતણ) માટે લીલા જેઠીમધનાં દાતણ મંગાવ્યાં હતાં, સ્નાન પહેલાં અત્યંગ-માલિશ માટે દૂરદૂરથી મોંઘા મૂલનાં શતપાક ને સહસંપાક તેલ મંગાવી રાખ્યાં હતાં. સ્નાન માટે આઠ આઠ ઔષ્ટ્રિક (ઊંટ પર લાવેલું) ઘડાતું ક્ષીરમલક જળ તૈયાર રાખવામાં આવ્યું હતું. તિલક માટે ઊંચા પ્રકારનાં કુમકુમ ને કેસર ચંદનનાં કચોળાં રાખ્યાં હતાં. મુખવાસ માટે મઘમઘતાં પંચસુગંધી તાંબૂલ તૈયાર હતાં. શ્રીકૃષ્ણ ધેનુવત્સલ હતા. યાદવોને ગાયનાં ઘી, દૂધ ને માખણ વધુ પસંદ હતાં. સત્યારાણીએ આ માટે ગાયોનું શરદ ઋતુમાં તૈયાર થયેલું ઘી એકત્ર કર્યું હતું. અને એમાંથી બત્રીસ શાક અને છત્રીસ મીઠાઈઓ તૈયાર કરાવી હતી. લગ્નદરવાજે ભારે ભીડ હતી. ત્યાં ચોઘડિયાં અને શરણાઈઓ મીઠા સરોદો છેડી રહ્યાં હતાં. બહારની સ્થિતિ આ હતી, તો અંતઃપુરની પરિસ્થિતિ ઓર વિચિત્ર હતી ! જાન આવી, જાન આવી D 325
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy