SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 29 વેણુ અને શંખ સત્યાના લગ્ન પછીની એક વહેલી સવારે જાણે ભૂકંપના આંચકા લાગ્યા. ગજશાળામાં બાંધેલા હાથીઓ સાંકળો તોડવા મથામણ કરી રહ્યા. તેમની નાની આંખોમાં છલોછલ ભય ભર્યો હતો. સો સો કેસરીસિંહ જાણે એમની સામે આવીને ત્રાડતા ઊભા હતા. ચક્રવર્તીની પાયગામાં શોભે એવા પરાક્રમી અશ્વોએ ડામણ તોડવા માંડ્યાં હતા. એમણે ચાબુકનો આસ્વાદ કદી લીધો નહોતો. આજે એ સ્વાદ લેવા છતાં આપસ્વભાવમાં એ આવી શક્યા નહિ ! ધેનુઓ તો શેહ ખાઈને ખીલા પર જ ડોકાં નાખીને પડી રહી હતી. વનમાં એક નહિ અનેક કેસરીઓ એકસાથે જાણે ત્રાડતા હોય એવો ભય સર્વત્ર વ્યાપી ગયો હતો. એમનાં વાછરડાંઓએ હજી સુધી ભય જાણ્યો નહોતો, પણ આજે તો એ પણ માનાં આંચળ મોંમાંથી મૂકીને કોડા જેવી આંખો ચારે તરફ ફેરવતાં ઊભાં હતાં. રે ! આ તે ભૂકંપના કોઈ સ્વરો હતા કે ઓતારદા આભની કોઈ વાદળી વિનાશ લઈને વરસવા આવતી હતી ? સ્વરો જરૂર ભયપ્રેરક હતા, પણ ભૂકંપના નહોતા; કારણ કે ભૂકંપના આંચકા હોત તો દ્વારકાના કોટકાંગરા એવા ને એવા રહ્યા ન હોત; આ વિશાળ રસ્તાઓમાં ફાટ પડી ગઈ હોત; અને આ ગગનચુંબી મહાલયોમાંથી કેટલાંક ધરાશાયી થયાં હોત કે કેટલાંક ડોલી ઊઠ્યાં હોત. આ સ્વરો તો સાગરની ભરતીનાં મોજાં જેવા હતા, રૈ, નક્કી સાગર આજ દ્વારકાને ગળી જવા પોતાની સેના લઈને ચઢી આવ્યો હશે ! યાદવોને પરદેશી જાણી એ ડરાવવા માગતો હશે ! લોકો સાગર તરફ દોડ્યા; એમના અંતરમાં સાગરની બીક હતી, પણ સાગરને તીરે પહોંચતાં એમને ઊલટું એવું લાગ્યું કે સાગર પોતે ડરી રહ્યો છે! એની ભરતીની તરંગાવલિઓ સ્વરના પ્રતાપે ઓટમાં પુનરાવર્તન પામી રહી છે, પછી આગળ વધવાની તો વાત જ ક્યાંથી સંભવે ? સાગરના પટ પર તરતી મોટી મોટી માછલીઓ ડોકાં બહાર કાઢી કાઢીને અંદર અદશ્ય થઈ જતી હતી, અને મોટા મગરમચ્છો ડાચાં ફાડીને નિર્જીવ જેવા સપાટી પર તરતા હતા. એ હોશમાં હતા કે બેહોશ એ કંઈ સમજાતું નહોતું. પ્રભાતના પહોરે જાગેલા વૈતાલિકોએ હજી ગળામાંથી દેવગાન છેડ્યાં નહોતાં; અને એકદમ આ હૈયાવલોવણ સ્વર લહરી આવી. વૈતાલિકોના સ્વરો એમના ગળામાં જ વૈખરી બની ભરાઈ રહ્યા. વહેલી પ્રભાતે જાગીને પ્રભાતકાર્ય કરતી દ્વારકાની સ્ત્રીઓ એ સ્વર સાંભળીને અવાક થઈ ગઈ. વલોણાનાં નેતરાં એમ ને એમ એમના હાથમાં રહી ગયાં; અને એ ચિત્રની જેમ ખડી થઈ ગઈ. ઘંટીએ બેઠેલી સ્ત્રી પણ હાથમાં ખિલડો ઝાલીને શાના આ સ્વરો આવ્યા, એના વિચારમાં ઊંડી ઊતરી ગઈ ! પણ આથીય વધુ વિમાસણભરી સ્થિતિ તો દ્વારકાની વીર સેનાની થઈ ગઈ. યોદ્ધાઓ બેઠા હતા, ત્યાંથી ગોઠણભેર થઈ ગયા, અને કૂદકો મારીને ખડા થઈ ગયા! શું આપણે ગફલતમાં રહ્યા, અને શત્રુ આવીને ખડકીએ ખડો થઈ ગયો ? કોઈએ ઉતાવળમાં તલવારના બદલે મ્યાન લઈ લીધું; તો કોઈએ ખેસ માથે બાંધ્યો ને પાઘડી કમર પર લપેટી ! હોંકારા-પડકારા કરતા બધા બહાર નીકળી પડ્યા ! તે દિવસે દ્વારકાનાં ઘરોમાં કોઈ ન રહ્યું ! બજારો ને ચોક છલકાઈ ગયાં. અને સ્વરો તો હજી પણ એ જ આક્રમક રીતે વહ્યા આવતા હતા, અને એનો વેગ ક્રમે ક્રમે વધતો જતો થતો. ન ‘ક્યાંથી આવે છે આ સ્વરો ?' બધેથી પ્રશ્નો થઈ રહ્યા. પણ સ્વરો ચારે દિશામાં પ્રસરીને એવી રીતે આવતા હતા કે એની એક દિશા નક્કી કરવી મુશ્કેલ હતી. એ સ્વરોમાં શત્રુના ગૌરવને ગાળી નાખે એવો પડકાર હતો, સેનાને ઉશ્કેરી મૂકે એવી હાકલો હતી. ત્યાં એક જણાએ ચિત્કાર કરતાં કહ્યું, ‘જુઓ, જુઓ, મહારથી શ્રીકૃષ્ણ આયુધશાળા તરફ જાય !' સહુએ એ દિશામાં જોયું. નીલરંગી વ્યોમમાંથી કોઈ સપ્તરંગી મેઘદૂત સરી વેણુ અને શંખ – 223
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy