SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ મદઘેલા બનીને તોફાને ચઢેલા વનહાથીઓ પણ ગંભીર બન્યા, એક પળ સુંઢ હલાવ્યા વિના શાન્ત ઊભા રહ્યા, ને પછી પાછા પગલે ફરીને ધીરે ધીરે સ્વરની દિશામાં ચાલ્યા ગયા. ગામડું અજબ રીતે સર્વનાશના પંજામાંથી બચી ગયું ! લોકો બોલી ઊઠ્યાં : “અરે, એ જ વૃંદાવનવિહારીએ આપણી ભેર કરી ! કંસવધ કરનાર ભગવાન શ્રીકૃષ્ણ જ આપણાં કષ્ટ કાપ્યાં ! ધન્ય ધન્ય ગોવર્ધનધારી !” બધેથી જયજયકાર પ્રગટી નીકળ્યો. પણ જાણકારોએ જાણી લીધું કે એ બંસીનો બજવૈયો એમનો તરુણ રાજા ઉદયન વત્સરાજ છે. હસ્તિ કાન્ત વીણાની એણે સાધના કરી છે. એ નાદસ્વર માટે એણે ભારે તપ તપ્યું છે, અજ બ બ્રહ્મચર્ય સાધ્યું છે, એ સ્વરોમાં એવી સિદ્ધિ પ્રગટાવી છે, કે મનુષ્ય તો શું, જંગલનો જીવો પણ, જંગલના જીવો તો શું, પવન, પહાડ ને પાણી પણ, પવન, પહાડ ને પાણી તો શું, વૃક્ષ, ડાળ ને વનસ્પતિ પણ મુગ્ધ ભાવે વશ થઈ રહે ! આ વર્તમાન રાણી મૃગાવતીને મળ્યા. વેરભાવની આરાધનામાં આંતર-બાહ્ય નિમગ્ન બનેલાં રાણી એથી છંછેડાઈ ઊઠચાં : “બંસીથી તે બાપના વેર વળાતાં હશે !” જમાનાને પિછાણનાર મંત્રીશ્વર યુગંધરે કહ્યું : “રાજ માતા, વેર લેવાનાય અનેક પ્રકાર હોય છે, કેટલીક વાર શત્રુને સીધેસીધો હણવા કરતાં હરાવીને જિવાડવામાં વેરની અદ્દભુત વસૂલાત હોય છે. મારા બાળા રાજા પણ આવી કોઈ વરવસૂલાતની તૈયારીમાં કાં ન હોય ?” “મંત્રીરાજ , તમે તો અમારું અંગ છો. તમારાથી વાતનું રહસ્ય ન છુપાવાય. મને શકે છે, કે પિતાના જેવી રૂપમોહિની પુત્રમાં પ્રગટી ન નીકળે. આખરે તો એ સંતાન કોનું ? ઇંદ્રિયસુખ - પછી ભલે એ રૂપ, રસ, ગંધ કે સ્પર્શમાંથી એકાદનું હોય, પણ એ એક સુખ-પોતાની પડખે પાંચે સુખ એકત્ર કર્યા વિના જંપતું નથી. સ્વરમોહિનીનું અવિભાજ્ય અંગ સૌંદર્યમોહિની છે.” તો રાણીજી, ચાલો તપાસ માટે નીકળીએ. મને તો બંને હસ્તકે કણના હીરા જેવા નિર્મળ લાગે છે !' એનું જ નામ માબાપ. કાળું સંતાન પણ એને ગોરું ગોરું લાગે ! ચાલો, આપણે પ્રવાસે નીકળીએ, આપણી વેરસાધનાની એક પણ કડી હું નિર્બળ રાખવા માગતી નથી. નિર્બળ રહી ગયેલી એક કડી આખી સાંકળને છિન્નભિન્ન કરી શકે છે, એ તમે ક્યાં જાણતા નથી ?" સતીરાણી ! જેટલું જાણીએ છીએ એનાથી જીવનમાં અજાણ્યું ઘણું છે. જેનો તાગ અમે મુસદ્દીઓ તો શું, મહાત્માઓ પણ મેળવી શક્યા નથી !” મંત્રીરાજે કહ્યું. 102 1 પ્રેમનું મંદિર છેલ્લા કેટલાક સમયથી મંત્રીશ્વરની વિચારસરણી કંઈક સાત્ત્વિક ભાવ તરફ ઝૂકતી દેખાતી હતી. સતીરાણી પોતે પણ ધર્મનિષ્ઠ હતાં અને ભગવાન મહાવીરની પરિષદના એક અનુયાયી તરીકે પોતાની જાતને લેખતાં, પણ જ્યારે વેરને પોતાનો ધર્મ લેખ્યો હોય ત્યારે આવી તાત્ત્વિક વાતોના રગડા શા ? મંત્રીરાજને કોઈ વાર રાણી જરા મીઠો ઠપકો આપતાં તો મંત્રીરાજ કહેતા સતીમા, વેર અને વળી વિષ અને વળી અમૃત ! એ તે કેવી વાત ! ધર્મ તો ક્ષમા જ હોઈ શકે ! વદતો વ્યાઘાત જેવું કાં ભણો ? જળ ગમે તેવું ગરમ હોય, પણ એનાથી આગ ન લાગે ! પણ રાણી પછી આગળ ન વધતાં. ધર્મચર્ચાનાં શોખીન હોવા છતાં, આજે તો રાજચર્ચા સિવાય એમને કંઈ રુચતું નહોતું, સૂઝતું પણ નહોતું. બંને એક દહાડો રાજ હસ્તી ઉપર તરુણ રાજા અને તરુણ મંત્રીની શોધમાં નીકળ્યાં. જંગલની શોભા અપરંપરા હતી. ફૂલ, ફળ ને પંખીઓથી જંગલમાં મંગળ રચાઈ રહ્યું હતું, પણ રાણી તો શત્રુને આંતરવા માટે કયું સ્થળ સુગમ છે, એના જ વિચારમાં હતાં. માર્ગમાં વનહસ્તીઓના વિનાશમાંથી બચેલું પેલું ગામ આવ્યું. સહુએ ‘જય હો મહારાજ ઉદયન વત્સરાજ નો’ના નાદથી મહારાણી અને મંત્રીનું સ્વાગત કર્યું; બધી કથા વિસ્તારીને કહી, પણ રાણીજીએ એમાં ખાસ લક્ષ ન આપ્યું. પુત્રનો આ વિજય એમને મન વિશેષ મહત્ત્વનો નહોતો. માનવજીવનમાં એવાં નાનાંમોટાં પરાક્રમો તો થયાં જ કરે છે, પણ સાચું પરાક્રમ તો એ જ કે જે લક્ષ્મસાધનામાં લેખે લાગે ! - રાણીએ પુત્રની ભાળ પૂછી. ક્યાં વનજંગલોમાં અત્યારે વિહરે છે એના વર્તમાન માગ્યા, પણ વૈરવિહારી રાજાનાં પગેરુ કોણ કાઢી શકે ? ત્યાં એકાએક હવામાં પેલા વીણાસ્વરો ગુંજી રહ્યા. રાજહસ્તીએ પોતાની સુંઢ હિલોળવી બંધ કરી. એ સ્તબ્ધ બનીને પળવાર ઊભો રહ્યો. ગ્રામ્યજનોએ કહ્યું : “મા, આ એ જ સ્વરો. આપ હોદા પર શાંતિથી બેસી રહો. આ હાથી સ્વયં આપને એ સ્થાને લઈ જશે. અંકુશ તો શું, એવાજ પણ કરશો નહિ. નહિ તો સહુ કંઈ ફગાવીને એ ચાલ્યો જ છે ! આ સ્વરમાં માતાનાં હાલરડાં અને પત્નીનાં નિમંત્રણ સ્વરની મોહિની છે. જેને એ સ્પર્શે છે, એ સૂધબૂધ ભૂલી જાય છે !” શસ્ત્રની શક્તિથી સુપરિચિત રાણીને આ સ્વરશક્તિ અભુત લાગી. પળવાર સ્થિર થયેલો રાજ હસ્તી વગર દોર્યો સ્વરદિશા તરફ દોરવાઈ રહ્યો હતો. નદી, નવાણ, જંગલ, અટવી, અરણ્ય વટાવતો હાથી, તીર જેમ લક્ષિત સ્થળ તરફ ચાલ્યું જાય તેમ, ચાલ્યો જતો હતો. આખોય વનપ્રદેશ અજબ સ્વરમોહિનીથી ગુંજી રહ્યો હતો. વત્સરાજ ઉદયન 103
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy