SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 15 વત્સરાજ ઉદયન વિપત્તિનાં ભર્યા વાદળો વત્સદેશ પરથી વગર વરસ્યાં ચાલ્યાં ગયાં. મંત્રીરાજ યુગંધરની યુક્તિ-પ્રયુક્તિઓએ તત્કાલ માટે પરાજયની કાલિમામાંથી કૌશાંબીને બચાવી લીધું. જીવતો નર ભદ્રા પામે, એ વિચારે એક વાર તો સહુ પરાજયમાં વિજયના જેવો આનંદ અનુભવી રહ્યાં. પણ જેને શિરે આવતી કાલનું ઉત્તરદાયિત્વ છે, એ રાણી અને મંત્રી પૂરેપૂરાં જાગ્રત હતાં. મંત્રીરાજ યુગધર સૈન્યની વ્યવસ્થામાં પડ્યા હતા. પોતાને વૃદ્ધાવસ્થા ઘેરતી આવતી હતી, એટલે કદાચ કોઈ કામ પોતાનાથી અધૂરું રહી જાય તો એને પૂરું કરવા પોતાના યુવાન પુત્ર યોગંધરાયણને તૈયાર કરી રહ્યા હતા; શસ્ત્ર અને શાસ્ત્ર; રાજમંત્ર ને રાજ શાસન બધાંથી એને પરિચિત કરી રહ્યા હતા. રાણી મૃગાવતી સતી સીતા બન્યાં હતાં. પોતાના પતિનો શોક વિસારીને એમણે પોતાનું ધ્યાન બાળ રાજા પર કેન્દ્રિત કર્યું હતું. એને શસ્ત્ર, શાસ્ત્ર, અશ્વ, ગજ , સંધિ, વિગ્રહ, દ્વેષીભાવ વગેરેનું શિક્ષણ અપાઈ રહ્યું હતું. માતા એકના એક પુત્રને હૈયે ચાંપીને શિખામણ આપે છે; ન્યાયના, નીતિના, ઉદારતાના પાઠ પઢાવે છે. ભગવાન મહાવીરનું જીવન સંભળાવે છે; એમના ઉપદેશો કહે છે; એમની ઉપદેશકથાઓનું પાન કરાવે છે; કહે છે કે પ્રભુ મહાવીર સંસારને પ્રેમનું મંદિર કહે છે, આપણે એને બગાડી બેઠાં છીએ; હવે સુધારીએ. છતાં આ સતી નારી એક વાત ભૂલી શકતી નથી; પોતાના પતિનું અકાળ મૃત્યુ ને એનું નિમિત્ત બનનાર ચંડપ્રદ્યોત ! બધી વાતમાં ક્ષમા, ઉદારતા, ન્યાય-નીતિના પાઠ પઢાવનારી નારી આ વાત આવે છે, કે આવેશમય બની જાય છે. એ કહે છે, “બેટા, તું તો વાઘ ! વેરીનું લોહી પીવાનો તારો ધર્મ ! ત્યાં દયા, ઉદારતા કે ન્યાય-નીતિ જોવાનાં નહિ !' મનથી પતિને જ પરમેશ્વર માની બેઠેલી રાણી રંગ-રાગથી દૂર રહી વૈરાગ્યભર્યું જીવન જીવે છે. આજ ગઢના યૂહભર્યા દરવાજા રચાવે છે, તો વળી કાલે સૈન્યની કૂચ નીરખે છે. વળી કોઈ સાંજે શબ્દવેધી ધનુર્ધરોની શરતો યોજી એમને ઉત્સાહિત કરે છે, તો કોઈ વેળા અશ્વપરીક્ષા જોવા સતીરાણી રણમેદાનની મુલાકાત લે છે. ભાટ, ચારણો ને બંદીજનો વીરવભર્યા દુહા ગાય છે. એવન્તી તરફ હડહડતું વેર કેળવાય એવી કથાઓ ચકલે ને ચૌટે મંડાય છે. ઘર ઘરનું સુત્ર બન્યું છે : “અવન્તી અમારું શત્રુ છે. એનો નાશ એ અમારો જીવનમંત્ર છે.’ | ઉત્સાહી યુવાન યોદ્ધાઓ ‘મારવા ને મરવા' માટે થનગની રહ્યા છે. હવે તેઓ પૂરા દેશભક્ત બની ચૂક્યા છે. ને જન્મભૂમિની સેવા માટે જગત આખાની સામે થતાં એ કદી પાછા હઠવાના નથી. જન્મભૂમિ વત્સ દેશની સેવા કરતાં, એના પ્રતાપી રાજવીનું વેર વસૂલ કરતાં અને સતી રાણીની વફાદારી ખાતર ગમે તેવાં હીન કૃત્ય કરતાં, સ્વર્ગને બદલે નરક મળે તો પણ, આ યોદ્ધાઓ અચકાશે નહિ ! અલબત્ત, ધર્મશાસ્ત્રીઓ તો કહેતા હતા કે રણભૂમિ ઉપર મરનાર હરકોઈ માટે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં હોય છે, ને ત્યાં સ્વર્ગની રૂપસુંદરીઓ સ્વાગત માટે હાજર હોય છે. મરનાર માટે આટઆટલી સગવડો હોય, પછી કોણ નામર્દ પાછો હઠે ? વત્સદેશના આ જુવાનો એવો વંટોળ જમાવવાની યોજનામાં હતા કે જેમાં અવન્તીનું સ્ત્રી કે બાળક પણ ભરખાઈ જાય, શત્રુનું નામોનિશાન ન રહે ! ભગવાન મહાવીરનાં અનુયાયી સતીરાણી મૃગાવતી આ શૌર્યને આ સ્વાર્પણભાવ જોઈ ખુશ ખુશ થઈ રહ્યાં હતાં. પતિના મૃત્યુનો શોક આ વેરભાવનાની ભડભડતી આગમાં ઠંડો થઈ ગયો હતો. મંત્રીરાજ યુગંધર પણ એવી એવી યુક્તિઓ શોધી રહ્યા છે, કે વાતવાતમાં શત્રુના સૈન્યનું ધનોતપનોત નીકળી જાય. માર્ગનાં ખેતરમાં કેફી અન્ન ઉગાડાય છે. નવાણોમાં ધારીએ તે પળે હલાહલ ભેળવી શકાય. એકાએક દવ લગાડી શકાય એવાં અરણી કાષ્ઠનાં યંત્રો યોજાય છે. રૂપભરી વિષકન્યાઓ માર્ગના ઉધાનોમાં આશ્રમો બાંધીને રહે છે. શત્રુનાં વધુ માથાં ઉતારી લાવનારને પારિતોષિકની જાહેરાત થાય છે. કીડીની દયા જાણનારાં સતીરાણી યુદ્ધની હિંસાને અનિવાર્ય લેખી રહ્યાં છે. એ તો કહે છે કે યુદ્ધ આજનો યુગધર્મ છે. પૃથ્વી પ્રેમનું મંદિર આ જ રીતે બનશે. આમ કૌશાંબીમાં આખો રણરંગનો ઉત્સવ ચાલી રહ્યો હતો. વત્સરાજ ઉદયન 1 99.
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy