SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ અને જેટલો વિશાળ તેટલું જ તેનું કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની મારફત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમજ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાગતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે. સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક – કોઈ પણ બનાવ કે ઘટના હોય તો તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હોય તેનું તેવું ચિત્રણ એ ઇતિહાસ છે. પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સંબંધો અને દૂર દૂર દેશના સંબંધો વર્તમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વર્તમાનની સાંકળ મોટે ભાગે કથા-વાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કોઈએ કરી નથી, કોઈથી થઈ શકી પણ નથી. કથા-વાર્તા શ્રાવ્ય તો છે જ, પણ એની લોકપ્રિયતાએ એને અનેક રીતે દૃશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતો, ત્યારે પણ ‘મુંબઈ દેખો, કાશી દેખો મથુરાકા ઘાટ' એમ કહી માથે ફલકોની પેટી લઈ ઘેર ઘેર ફરનાર મંખલિપુત્રોચિત્રમદર્શકો હતા જ નાટક-ભવાઈ તો હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ-સ્થાપત્યમાં વાર્તાઓ ઉત્કીર્ણ મળી આવે છે. એ બધું તેની લોકપ્રિયતા જ સૂચવે છે. જ્યાં આવી લોકપ્રિયતા હોય, ત્યાં તેનો વાહક એક વિશિષ્ટ વર્ગ હોવાનો જ . વ્યાસો માત્ર કથા જ ન કરતાં, કે પુરાણો જ ન સંભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવ નવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેનો પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટોની કોમનું તો એ જ કામ ! ભોજ ક, તરગાળાઓમાં પણ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર (ઘર) છોડી અનગાર-ભિકાજીવી થયેલા તેવા અનેક પ્રકારના શ્રમણો પણ પોતાની સમગ્ર પ્રવૃત્તિ અને લોકસંગ્રહકારી વૃત્તિ કથાવાર્તા દ્વારા પોષતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તો બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા-ઊતરતા બધા જ સ્તરોવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનાર બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય એમ ભાસે છે. વાર્તાના સર્જન અને પ્રચાર-પ્રવાહ તો નદીના અખંડ સોતની પેઠે વહેતો જ આવ્યો છે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે નવો આકર્ષક વાર્તામહેલ ઊભો કરે છે. પછી લોકચિ કાંઈય નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લોકચિ નવા વાર્તાકારોને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લોકચિ અને લોકરુચિથી પુનર્નવસર્જન ઘડાતાં ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા-સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જોવા પામીએ છીએ. આજે તો વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે, અને તે એટલી બધી વિકસી છે, કે તેના જ્યોર્જ બર્નાર્ડ શો, પર્લ બર્ક, ગાશવધ, આનાતોલ ફ્રાન્સ જેવા સર્જકોને નોબેલ પ્રાઇઝ સુધ્ધાં મળ્યાં છે અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડપમાં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણાં બધાંની દૃષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણી જાય છે, અને સ્વયંવર આપોઆપ જ સર્જાય છે. લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષાઓમાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્યસંસ્કૃતિનો પડઘો પાડતી અનેક નવ-નવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયો અને પછી તો અનેક લેખકો વાર્તાની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશનયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાળનું અંતર જ લુપ્ત થઈ ગયું અને રેડિયોએ તો કાન, બંધ કરીને બેસીએ તોય, પરાણે તેનાં દ્વાર ખોલવા માંડ્યાં. આજે વર્તમાનપત્રોમાં માસિકોમાં અને પુસ્તકોમાં જ્યાં દેખો ત્યાં નાની-મોટી-વાર્તાનું દર્શન થવાનું. હવે વ્યાસો કે ચારણ-ભાટો કોઈ કોમ પૂરતા ન રહ્યા. જેમ બીજી બાબતોમાં તેમ વાર્તાલેખન અને વાર્તા-પ્રચારની બાબતમાં પણ જાતિબંધન લુપ્ત થયું. એ સૂચવે છે, વાર્તાતત્ત્વ મૂળે જ વ્યાપક છે; એ કૃત્રિમ બંધનોથી પર છે. ભારતને પોતાનું કથા-સાહિત્ય છે અને તે જેવું તેવું નહિ પણ અસાધારણ કોટિનું છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય બુઝર્ગ પણ હોય. ભારતે એટલા બધા દાનવીરો, રણવીરો અને ધર્મવીરો પેદા કર્યા છે, કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતું જતું સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તો ભારતીય સાહિત્યના કાંઈ ચોકા પાડી ન શકાય, ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ઘણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણોને લીધે ભારતીય કથા-સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય : ૧, વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જૈન. વૈદિક અને પૌરાણિક ગણાતા કથાસાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા બે પ્રવાહોથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુર-સંગ્રામની. દેવો અને અસુરો મૂળે કોણ હતા, તેમનો સંગ્રામ ક્યારે અને કયે નિમિત્તે તેમ જ ક્યાં થયેલો – એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના ક્યારેક વાર્તામાં દાખલ થઈ. પછી તો એ કલ્પના વ્યાસો અને પૌરાણિકો માટે કામદુધા ધેનુ બની ગઈ. એ કલ્પનાની ભૂમિકા ઉપર એટલું બધું વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે, તે જોતાં આશ્ચર્યમાં ગરક થઈ જવાય છે.
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy