SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મગરમચ્છ નીકળી આવ્યો. આવતાંની સાથે એણે ચીલઝડપ કરી. અને પેલી આગંતુક માછલી સાથે બીજી સો-બસોને પોતાના કાળગુફા જેવા જડબામાં જકડીને એ ઉદરમાં ઉતારી ગયો. અરરર ! આ શું ? રે ખૂની મગરમચ્છ ! ન્યાય, નીતિ, નિયમ કંઈ જ નહિ ? “કંઈ જ નહિ !” એમ જાણે કહેતો હોય તેમ મગરમચ્છું જડબું પહોળું કરી અવાજ કર્યો. એના મોટા રાક્ષસી દાંતો વચ્ચે ભરાઈ રહેલાં નાની માછલીઓનાં બે ચાર નિર્જીવ શબ પાણી પર પડ્યાં અને એણે બીજી માછલીઓને ઝડપવા ફરી જડબું વિસ્તાર્યું. ચિતારાની ચિત્તતંત્રી ખળભળી ઊઠી. અરે, અહીં તો જુદો જ ન્યાય પ્રવર્તે છે. આ તો એકબીજાને હણે છે; નાનું મોટાને ખાય છે. મોટાને વળી એનાથી મોટું ખાય છે. દયા ખાવા યોગ્ય માત્ર સહુથી પહેલી માછલી હતી, પણ પહેલી માછલીને ખાનાર માછલી એને ગળી જનાર માછલી કરતાં કંઈ વિશેષ અપરાધી નહોતી. અપરાધ તો બંનેનો એક જ હતો, કૃત્ય પણ એક જ હતું : માત્ર એણે એક નિર્દોષ માછલીને ખાવાનો ગુનો કર્યો હતો. ચિતારો વળી વિચારના વમળમાં ઊંડો ઊતર્યો : પહેલી માછલી નિર્દોષ શા માટે ? શું એણે પોતાનાથી નાની માછલીઓને નહીં ખાધી હોય ? મેં મારી આંખે એનો અપરાધ ન જોયો એટલે શું એ નિર્દોષ, શાણી સીતા થઈ ગઈ ? ના, ના, અહીં તો એક જ ન્યાય પ્રવર્તતો લાગે છે : મોટું નાનાને ખાય ! સબળ નિર્બળને મારે ! અને શું સંસારમાં એકે ગુનો કર્યો, એટલે બીજાએ પણ એવો જ ગુનો કરવો ? પહેલો ગુનો થયો એટલે પછી શું ગુનેગારને હણનાર અપરાધીઓની પરંપરા બધી માફ થઈ જવાની ? ચિતારાનું પોતાનું મનોવિશ્લેષણ પોતાને જ મૂંઝવી રહ્યું ? ઘડીભર એ વિચારતો કે સંસારમાં ન્યાય, નીતિ, સૌજન્ય, સંસ્કાર એ કંઈ નથી; માણસને ભોળવવા માટે જ એની રચના કરી લાગે છે. કસોટીકાળમાં માણસ આવા એક પણ સંસ્કારને જાળવતો નથી; એ માત્ર સ્વાર્થી, ઝનૂની, લોહી તરસ્યો પશુ બની રહે છે. એક રાજા બીજા પર ચઢાઈ કરે ત્યારે એ કહે છે કે જુલમની જડ ઉખેડવા ને ન્યાયનું શાસન પ્રવર્તાવવા અને જઈએ છીએ. લોકો એ વાત સાચી માની લે છે. પછી એ રાજા અપરાધી કે નિરપરાધીની કત્લ કરે છે, ઘર બાળે છે, ખેતર ઉજાડે છે, પૈસો લૂંટી લાવે છે, સ્ત્રીઓ હરી લાવે છે, ગોધણ વાળી લાવે છે. પણ શું ચઢાઈ એ જ જુલમ નથી ? શું આ બધાનો સમાવેશ ન્યાયના શાસનમાં થાય છે ? ને પેલો હારનાર રાજા, કે જેને જુલમી માની લઈ ચઢાઈ કરી હતી એના જેવો જુલમ એ જીતનાર રાજા પોતે જ વરસાવે છે. વળી એના જુલમની જડ ઉખેડવા બીજો બિળયો રાજા ચઢી આવે છે, ને 66 – પ્રેમનું મંદિર પેલાને જે હત્યાઓ, ધ્વંસ, જુલમ કર્યાં હતાં એનો બે કે ચારગણો ગુણાકાર કરે છે, ને ન્યાયનું શાસન પ્રવર્તાવે છે !બુદ્ધિની કેવી ભ્રમણા !ન્યાયની કેવી મશ્કરી ! ભલા, અંગ દેશની ચંપા નગરીને રોળી નાખીને રાજા દધિવાહનને નષ્ટભ્રષ્ટ કરતી વખતે, આ મહારાજ શતાનિક પોતે જ ન્યાયના અવતાર બનીને નીકળ્યા નહોતા ? જે રાજસંસ્થાનો જન્મ સબળ નિર્બળને ખાય નહિ, એ માટે થયો હતો, એ જ સંસ્થાએ પોતાના ધ્યેય વિરુદ્ધ કેવી પ્રવૃત્તિ કરી ? સંસારને જાણે કસાઈની કોઢ બનાવી મૂકી. ચિતારાની વિચારણાએ વળી પલટો લીધો. પણ પ્રજા શા માટે આ વિનાશકારી વિપ્લવોને ઉત્તેજન આપે છે ? એક રાજાના જુલમથી જો બધા રાજ્યમાં જુલમ પ્રસરી જતો હોય તો અસંખ્યાત પ્રજા શા માટે એને કાન પકડીને તગડી મૂકતી નથી ? શા માટે નવું શાસન સ્થાપતી નથી ? ન્યાયની સ્થાપના માટે આ ભૂંડાં કાળમુખાં યુદ્ધોની શી આવશ્યકતા – પ્રજા જો સ્વયં સમર્થ હોય તો ? પણ પ્રજા તો ઘેટાંનું ટોળું છે ! અને એમ ન હોત તો જેમ મહામંત્રીએ મારી ભેર કરી, એથી પ્રજા શા માટે પોકાર કરી ન ઊઠત કે રાજાજી, ચિતારો નિર્દોષ છે ? તમારા પાપજીવનની એકાદ શંકામાં એના જીવનને ધૂળધાણી ન કરો. રાજાજી શંકાડાકણને વશ થયા હતા. એ ડાકણના જોરમાં જો આગળ વધે તો પ્રજા પડકાર કરત કે ખબરદાર, એમ અમે જુલમ નહિ થવા દઈએ ! ચિતારો થોભ્યો. એના મસ્તિષ્કમાં ધડાકા થતા હતા. એની વિચારણા આગળ વધી : પણ આ ભીરુ પ્રજા ! એની પાસે આશા કેવી ? પશુજીવનમાંથી માનવજીવનમાં આવેલી આ પ્રજા દેખાવે માત્ર માનવ છે, બાકી તો એની અંદર સ્વાર્થી ભીરુ પશુ બેઠું છે, જે નબળાંને સતાવે છે, સબળાંની સેવા-પૂજા કરે છે ! આ પ્રજાએ જ પોતાનાં ઘરોમાંથી કાઢીને રાજાને પશુ જેવા સૈનિકો આપ્યા છે, જળો જેવા રાજકર્મચારીઓ આપ્યા છે, વરુ જેવા પંચપટેલો આપ્યા છે. ઊકળતા ચરુનો રેશમનો કીડો સહુ પ્રથમ તો પોતાને જ તાંતણો વીંટાયો છે ! ચિતારાએ સારાંશ તારવ્યો ત્યારે પૃથ્વી પર માત્ર હજી પશુરાજ્યના જ નિયમો પ્રવર્તે છે; સબળ નિર્બળને ખાય એ ન્યાય જ કામ કરી રહ્યો છે ! ત્રીજની ઝાંખી ચંદ્રરેખા આછું અજવાળું ઢોળી રહી હતી. તળાવનાં આસમાની નીર કાળાં ભમ્મર બની ગયાં હતાં. એના કિનારે રમતાં નવજાત દેડકાંનો ચારો ચરવા સર્પ અહીં તહીં ઝડપ મારતા જોવાતા હતા. દિવસે જેઓના માળા કાગડાઓએ ચૂંથીને હેરાન કર્યા હતા, એ ઘુવડો અત્યારે રાતના ઘોર અંધકારમાં કાળબોલી બોલતાં કાગડાંનાં નવજાત બચ્ચાંની ઉજાણી જમી રહ્યાં હતાં. સબળ નિર્બળને ખાય D 67
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy