SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શ કરાવતી બતાવી છે. વકલગીરી વેશ્યાઓને જ્યારે આશ્ચર્યથી પૂછે છે, કે તમારી છાતી પર ક્યાં ફળ ઊગ્યાં છે, ત્યારે વેશ્યાઓ કહે છે, કે એ ફળ શહેરમાં જ થાય છે, ને ખૂબ રસીલાં થાય છે ! મારી સાથે ચાલે તો તારી ઇચ્છા મુજબ ચખાડું ! કેવું ભયંકર ચિત્ર ! “છે કોઈ હાજર ?" વત્સરાજે બૂમ પાડી. પાછળ જ દાસ-દાસીઓ ખડાં હતાં. “શું માણસોનાં મન છે !વિષ્ટા પર જ જઈને બેસે !જલાવી દો આ ચિત્રને !” હજી ગઈ કાલે જ જેની ઉત્કટતાનાં વખાણ કરતાં રાજાજી થાકતા નહોતા, એને જ આજ અગ્નિને આધીન ! રાજાઓનાં ચંચળ ચિત્તને જાણનાર દાસ-દાસી નિઃશંક રીતે આજ્ઞાનો અમલ કરવા દોડયાં. વત્સરાજ આગળ વધ્યા. અચાનક એમની નજરે એક નટડીના સૌંદર્યને પોતાનું બનાવવા નીકળેલા ને એ માટે સ્વયં નટ બનેલા શ્રેષ્ઠીપુત્ર ઈલાચીકુમારનું ચિત્ર આવ્યું. નટડી ફૂટડી - સોંદર્યના ઝરણા જેવી – એક બાજુ ઊભી ઊભી કામણ કરતી હતી. સામે નટના ખેલ જોતો રાજા વિચારતો હતો, કે આ નટ દોર ચૂકે ને મરે તો આ સુંદર સ્ત્રીને મારી કરું ! પેલો નટ વિચારતો હતો કે આ રાજાને રીઝવી દઉં ને ઇનામ લઉં તો નટડી એના વચન મુજબ મારી થાય ! - વાહ, વાહ ! શું નારીના રૂપની મોહિની ! સુંદર પ્રસંગ ચીતર્યો ચિતારાએ ! દુનિયામાં આવું ચાલ્યા કરે છે ! પેલો પેલીને ઝંખે છે; પેલી પેલાને ઝંખે છે ! સહુ ઝંખતા ઝંખતા મરે છે, ને ઝંખેલું કદી મળતું નથી ! “દાસી, આ ચિત્રને મધ્ય ખંડમાં ગોઠવી દે !” વત્સરાજે હુકમ કર્યો. - “અને આ કોનું ચિત્ર છે ? પુત્રને ખાનારી માતાનું ? પૈસા માટે દીકરાને વેચી દેનાર, ને વેચાયેલો દીકરો પાછો આવતાં રખેને પોતાની સંપત્તિ રાજા પાછી લઈ લેશે, એ બીકે અંધારી રાતે પુત્રને હણવા જનાર માતાનું !” - “શાબાશ ચિતારા ! સંસારમાં સ્ત્રી માત્ર ખરાબ ! પછી એ માતા હોય કે પ્રિયતમા હોય ! શાસ્ત્રીજી સાચું કહેતા હતા - ૧ : થાતંaઈતિ સ્ત્રીને સ્વતંત્રતા ન હોય. બાળપણમાં બાપ રક્ષા કરે, મોટપણે પતિ ને વૃદ્ધાવસ્થામાં પુત્ર !” વત્સરાજ હસ્યા; એ હાસ્ય ભયંકર હતું ! એક દોઢદાહી-મોઢે ચઢાવેલી-દાસીએ આ વખતે જરા આગળ આવીને કહ્યું : “મહારાણી આપને યાદ કરી રહ્યાં છે. બાળકુમાર ઉદયન પણ પાસે બેસીને રડ્યા કરે છે.” જા ઉદયનને મારી પાસે તેડી લાવ અને તારી રાણીને કહેજે કે રાજાજીએ આજ સુધી અનેક સ્ત્રીચરિત્ર સાંભળ્યાં હતાં, પણ હવે તો એ નજરોનજર નીરખ્યા ! આજથી મેં સ્ત્રી-મુખ ન જોવાની પ્રતિજ્ઞા કરી છે. તારી રાણીએ તો સ્ત્રીપદ સાચું ઉજાળી બતાવ્યું !” દાસી ગઈ. થોડી વારમાં ખુદ મહારાણી મૃગાવતી બાળકુમાર ઉદયનને આંગળીએ વળગાડીને આવતાં જણાયાં. રાજાજીએ ભયંકર સ્વરે કહ્યું : “ઉદયન, અહીં આવ ! રાણી, તમે પાછાં ફરી જાઓ. મારે સ્ત્રીનું મુખ નીરખવાની બંધી છે. આવશો તો કાં તો તમે નહિ હો, કાં હું નહિ !” અરે રે ! જે કાલે દ્વિતીય પ્રાણ હતી, કાલે જે બે દેહને એક આત્મા જેવાં હતાં, એ આટલાં જલદી જુદાં થઈ ગયાં ?” રાણી મૃગાવતી પડદા પાછળ રહી બોલ્યાં : “શું હવે જતે અવતારે જે મોંએ તાંબુલ ચાવ્યાં એ મોંએ લાળા ચાવવાના આવ્યા ? રાજાજી, સ્ત્રીના શીલ પર પ્રહાર કરવાને બદલે એના શિર પર પ્રહાર કર્યો હોત, તો એને મરવું મીઠું લાગતું ! સ્વમાની સ્ત્રીને મન મરવા-જીવવાની મહત્તા નથી. તમે તો મારા પર ભયંકર આળ મૂકી મારે માટે મરવું મુશ્કેલ કર્યું ને આવું અપમાન સહીને જીવવું ય મુશ્કેલ છે. ચંદનાની માતાની હું બહેન છું, મને પણ જીભ કરડતાં આવડે છે !” “રાણી, હવે વધુ સ્ત્રીચરિત્ર ન દાખવો !” “રાજાજી, સ્ત્રી-સ્ત્રી શું કરો છો ? જાણે સ્ત્રી સાથે તમારે કંઈ લેવા-દેવા નથી ! અમે સ્ત્રી ન હોત-શાસ્ત્રમાં કહ્યો છે તેવો અમારો અમારા પોતીકા જન પ્રત્યેનો કામ આઠ ગણો બલવાન ન હોત-તો શા સુખે આ સંસારને વળગી રહેત ? શા કાજે આ બધાં બંધનો હોંશે હોંશે સ્વીકારત ? તમારા નિત્યપ્રતિના તિરસ્કારો ફૂલની જેમ શા માટે ઝીલ્યા કરત ? ઓશિયાળું જીવન જીવી તમારા સુખ-શાન્તિના યજ્ઞમાં શા માટે પોતાની જાતને હોમી દેત ? ને એમ કરીને બાળકોને જન્મ આપી, હૈયાનાં ધાવણ ધવડાવી તમારા જેવો જ નિર્લજ પુરુષ બનાવવા અને શા માટે મોટો કરત ? અને શા લોભે પોતાના હાથે પોતાના દાસત્વની શૃંખલાને વધુ મક્કમ બનાવત ?” રાણીજીના આ ધ્રુજારા સામે રાજાજી કંઈ ન બોલ્યા; બાળકુમાર ઉદયનને આંગળીએ વળગાડી બહાર ચાલ્યા ગયા. 0 2 પ્રેમનું મંદિર કોણ કોનો ન્યાય કરે ? 61
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy