SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રભુ, સ્વાતિતરસ્યાં ચક્ષુ ચાતકોને આજ મેઘ મળ્યો છે. આશાનિરાશાના હંસોને મોતીનો ચારો મળ્યો છે. વેદના ને વિષાદની ભૂમિ પર આશાનાં અમર ફૂલ ખીલ્યાં છે. આજ ભક્તને ભગવાન મળ્યો છે, બેટીને બાપ મળ્યો છે, બહેનને ભાઈ મળ્યો છે. પ્રભુ, આવા સંતોષમાં અને આવી સુધન્ય ઘડીએ જ આ જીવનનો અંત આવી જાય તો..." પ્રભુ તો હજી મરકતા ખડા હતા. રાજા-રાણીએ પ્રભુના ચરણ વાંદ્યા. અપૂર્વ ભાગ્યને વરનારી ચંદનાને ઊભી કરી સાતા પૂછી, ત્યાં તો અચાનક એક વૃદ્ધ ડોસો ભીડને ચીરતો ધસી આવ્યો. એણે ચંદનાને ઊંચકી લીધી ને રડતો રડતો, નાચતો નાચતો બોલવા લાગ્યો : “ધન્ય હો રાજકુંવરી વસુમતીને ! અધોગતિએ ગયેલાં માબાપ આજે સદ્ગતિ વર્યાં ! જય જયકાર હો ચંપાનગરીની કુંવરીનો !" “ચંપાનગરીની કુંવરી ? રાજા દધિવાહનની પુત્રી ?” સર્વત્ર જાણે અચંબાની લહરી પ્રસરી ગઈ. “હા, રાજાજી ! જે ચંપાનગરીને અચાનક છાપો મારી તમે લૂંટી લીધી, જ્યાંના નાના સૈન્ય સામે મોટું સૈન્ય ચલાવી તમે ફતેહ મેળવી, જેના રાજા દધિવાહનને લડાઈમાં હણ્યો, જ્યાંનાં સ્ત્રીપુરુષોને તમારા રાજ-નિયમ પ્રમાણે દાસ બનાવી આણ્યાં-વેચ્યાં, એ રાજની આ કુંવરી વસુમતી !" વૃદ્ધ પુરુષના શબ્દોમાં જાણે આગ ભરી હતી. “મેં ચંપાને જરૂર લૂંટી – વિજયી રાજા તરીકે મારો એ હક્ક હતો. મેં ત્યાંના રાજા દધિવાહનને રણમાં રોળ્યો, કારણ કે એ મારો ક્ષત્રિયનો ધર્મ હતો. પણ મેં એની કુંવરીને નથી લૂંટી." “જેનો રાજા લૂંટ કરતો હોય, એની સેના શાહુકાર ક્યાંથી હોય ? રાણી ધારિણી અને કુંવરી વસુમતીને એક સૈનિક ઉપાડી લાવ્યો. રાણી ધારિણી શીલની રક્ષામાં મૃત્યુને વર્યાં. કુંવરી વસુમતી દાસબજારમાં વસુ માટે વેચાઈ. શું મહારાણી મૃગાવતી પોતાની માજણી બહેન ધારિણીની પુત્રીને પણ ભૂલી ગયાં ? રૂપ અને ઐશ્વર્યનાં પડળ શું મહારાણીને પણ ચઢી ગયાં ?” “કોણ, વસુમતી ? મારી ભાણેજ ? એ ગુલામ ? એનું વેચાણ ?” રાણી મૃગાવતી એકદમ આગળ આવ્યાં ને ચંદનાને ભેટી પડ્યાં. માસી-ભાણેજ એકબીજાને ગળે વળગ્યાં. મૃગાવતીની આંખોમાં આંસુ હતાં. સંસારના સગપણનું રહસ્ય જાણનારી ચંદના સ્વસ્થ હતી. “ધિક્ છે આ રાજધર્મને ? ધિક્કાર છે આ ક્ષત્રિય વટને ! એકને અનેક જીતે, એમાં શી બહાદુરી ? સબળો નબળાને હણે એમાં શી માનવતા ?” – બધેથી આવી લોકવાણી પ્રગટી નીકળી. આ ભીડાભીડમાંથી ન જાણે પેલા મહાયોગી ક્યારે સરકી 42 D પ્રેમનું મંદિર ગયા, તેનું કોઈને ભાન ન રહ્યું. આંસુ ને આશ્વાસનની દુનિયામાંથી યોગીઓ સદા એમ જ સરી જાય છે. સિતારના તારને જરા છેડાથી મિલાવીને કામઠી એમ જ અલગ થઈ જાય છે. ને સંસારનો પ્રત્યેક રજકણ એનાથી જ ધ્વનિત થઈ દિવ્ય સંગીત છેડ્યા કરે છે. “મહાયોગી આપણાં અન્ન કેમ નહોતા આરોગતા એ જાણ્યું ને ?” મંત્રીરાજનાં પત્ની નંદાદેવી આગળ આવી બોલ્યાં, “આપણાં પાપ એણે આ રીતે પ્રત્યક્ષ કરી બતાવ્યાં. તમે ઢોર કરતાંય ભૂંડી રીતે ગુલામોને રાખો છો. એ ગુલામો કોણ છે તેનું તમને ભાન કરાવ્યું. ગુલામ પણ માણસ છે, ને માનવતાના નાતાથી એને પણ તમારા જેટલો જ સુખ-દુઃખનો અનુભવ થાય છે." “નંદાદેવી ! તમે સાચાં છો. વસુમતીને મારી ચંદનાને દુઃખ દેનાર હું જ છું. મને સજા કરો !” શ્રેષ્ઠી ધનાવહ આગળ આવ્યા, ને ગદિત કંઠે બોલ્યા. લુહારની શોધમાં વિલંબ થવાથી એ મોડા પડ્યા હતા, એમણે લોકમુખે બધો વૃત્તાંત સાંભળી લીધો હતો. “પિતાજી, હું તો તમારી ચરણરજ છું ! હું તો હજી પણ તમારી ચંદના જ છું ! વસુમતી નામ પણ મારે ભૂલવું છે. રાજાની કુંવરી ન હોત ને તમારે ત્યાં જ જન્મી હોય તો ? માતા મૂલાના ઉદરમાં વસી હોત તો ? તમારો અને મારી માતા મૂલા દેવીનો ઉપકાર કર્ય દિવસે વાળીશ ?" “ચંદના, તું ધન્ય બની ! મહાયોગીના મૂંગા મૂંગા મહાઆશીર્વાદ તને મળ્યા !” “એમણે તો સહુને ધન્ય કર્યા, ને આપણે સમજવા માગતા હોઈએ તો એમણે સમજાવ્યું કે પશુ, પંખી કે મનુષ્ય – કોઈને ગુલામ બનાવવા એ પાપ છે. ગુલામી પાપ છે. ગુલામ પણ તમારા જેવો જ, અરે, કોઈ વાર તમારાથી પણ શ્રેષ્ઠ બની શકે એવો માણસ છે !” નંદાદેવીએ કહ્યું. “એવું બોલી આ નફ્ફટ ને નઘરોળ ગુલામોને ફટવશો મા ! બૈરાંની બુદ્ધિ પાનીએ ! શું ગુલામો આપણાથી પણ શ્રેષ્ઠ !” એક વૃદ્ધ રાજપુરુષે કહ્યું. “શ્રેષ્ઠ ! સાત વાર શ્રેષ્ઠ ! જે પારકાના સુખ માટે દુઃખ ઉઠાવે તે શ્રેષ્ઠ ને જે પોતાના સુખ માટે પારકાને દુઃખ આપે તે કનિષ્ઠ ! ભગવાનનું તો વચન છે, કે કોઈ પણ કર્કશ વચન, ને કઠોર વ્યવહારનો આ જગત તો પડઘો છે. આ તો સોદાનું બજાર છે, જેટલું ને જેવું આપશો એટલું ને એવું પામશો !” વિજયા બોલી, અને ચંદનાને ભેટી પડી. “બહેન, તું તો ધન્ય છે. તારા જેવો પ્રભુપ્રસાદ પામવા એક વાર નહિ, સો વાર ગુલામ બનવા તૈયાર છું !” પણ સંસારમાં સહુ એક મતના હોતા નથી. જેઓ સૂર્યને દિવસનો રાજા માને છે, તેઓની સામે છછૂંદર જેવાં પ્રાણીઓનો વિરોધ પણ હશે; એ એને નકામી વસ્તુ મહાયોગી D 43
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy