SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પહેરાવીશ; એના પરથી મહારાણીનાં તમામ અવયવો સર્જીશ.” “એવો કમનીય ઘાટ ધરાવનારાં ગાત્રોવાળી સ્ત્રી આખી કૌશાંબીમાં બીજી નહિ જડે !' “તો સોનાની મૂર્તિ બનાવીશ. પણ વારુ, ઊંચાઈ માટે શું કરીશું ?” ચિતારાએ મૂંઝવી રહેલો છેલ્લો પ્રશ્ન પૂછ્યો. થોડી વારમાં બંને જાણે ચિરપરિચિત બની ગયાં હતાં. ધોબણ અત્યંત પ્રસન્નચિત્ત હતી. એણે કહ્યું : “રાજની માલણને તેડાવું છું. એ રોજ પારિજાતકનાં પુષ્પનો દેહપ્રમાણ પોશાક ગૂંથી મહારાણીને પહેરાવવા જાય છે. એની લંબાઈ-પહોળાઈ એ જાણે છે. ચાલો, તમારું કામ પતાવી દઉં.” ચિતારાની યુક્તિ સફળ થઈ. એને પોતાનો વિજય હાથવેંતમાં લાગ્યો. પોતાને આવાસે આવીને એણે પાળેલી ખિસકોલીઓને રમાડવા માંડી. સોનેરી, રૂપેરી ને કાબરચિતરા વર્ણવાળી ખિસકોલીઓ એના દેહ પર કૂદકા મારવા લાગી. ચિત્રકારે એક નાની કાતર લીધી ને મૃદુતાથી ખિસકોલીઓની પૂંછડીઓ કાતરવા માંડી. એ પૂંછડીઓના મુલાયમ બાલને રેશમી દોરીમાં ગૂંથી કુશળ સોનીએ સુવર્ણ પીંછી બનાવી દીધી. થોડી વારમાં અનેક પીંછીઓ બની ગઈ. ઝીણામાં ઝીણા રંગકામ માટે એ ખિસકોલીની પૂંછડીઓ વપરાતી. એની બનેલી પીંછીઓ માનવદેહ પરના ઝીણામાં ઝીણાં રૂંવાડાંને ચીતરી શકતી. પોતાની પૂંછડી કપાવીને પ્રત્યેક ખિસકોલી એક એક અખરોટ લઈને નાચતી નાચતી ચાલી જતી હતી. સંસારમાં ગુમાવ્યાની ગણતરી નથી, છતાંય મળ્યાનો આનંદ જરૂર છે. ચિતારા રાજશેખરની સાધના અપૂર્વ હતી. આવી સાધનાને સિદ્ધિ હાથવેંતમાં હોય છે. 28 – પ્રેમનું મંદિર 6 અભિગ્રહ રે, તે દિવસે પેલી દાસીએ આવીને મહારાણી મૃગાવતીના કાનમાં એવું તે શું કહ્યું, કે છબી ઉતરાવવા માટે આવેલાં રાણીજી પાછાં ફરી ગયાં ? શા કારણે એમણે ચિતારા રાજશેખરને નિરર્થક ઊંડા પાણીમાં ઉતાર્યો ? શા માટે પત્નીઘેલા રાજા શતાનિકે નિર્માણ કરવા માંડેલા શૃંગારભવનમાં વિક્ષેપ નાખ્યો ? અલૌકિક સૌંદર્યના સ્વામિત્વના રાજાના ગર્વરાશિને એમણે આમ અડધે કાં થંભાવ્યો ? મહાન જીવન જેમ સંસારની મિલકત છે, એમ મહાસૌંદર્યો પર સંસારનો હક્ક છે. તો પછી સંસારની એકમાત્ર સૌંદર્યરાશિ સમી પદ્મિનીના ચિત્રને રાણીજીએ આમ અડધે કાં થંભાવ્યું ? કયા અધિકારબળે ? વાત સામાન્ય હતી; એક રીતે એ અસામાન્ય પણ હતી : પોષ માસના પહેલા પક્ષમાં, ઉદ્યાનમાં એક તરુણ તપસ્વી પધાર્યા હતા. ભરપૂર યુવાની હતી. હસ્તીના મસ્તક જેવું પ્રશસ્ત ને વિસ્તીર્ણ સંસ્થાન હતું. નિશ્ચલ શ્રીવત્સથી શોભતું હૃદય હતું. ગંધહસ્તી જેવી ચાલથી એ સહુનું મન મોહતા હતા. એમના મુખ પર સિંહ જેવી દુર્જેયતા ને મેરુ જેવી નિષ્કપતા હતી. જોઈએ ને મન મોહી જાય એવા એ સોહામણા હતા. વગર વાત કરે મનના બંધ છૂટી જાય એવા પ્રતિભાશાળી હતા એ મહાતપસ્વી. પોષ મહિનાના અજવાળિયા પક્ષમાં એ યોગી ભિક્ષા લેવા નગરમાં ન આવતા, પણ અંધારિયો પક્ષ બેસતાં એ જરૂર આવતા. ભિક્ષાનની-અશન-પાનનીઆકાંક્ષા પણ મોં પર દેખાતી; છતાં ન જાણે સહુના દ્વાર સુધી જઈને, ભિક્ષાન્ત અને ભિક્ષા આપનાર બંને પર એક મીઠી નજર નાખી, એ ભિક્ષા લીધા વિના ખાલી હાથે પાછા ફરી જતા. અરે, એ મહાયોગીને શું ખપતું હશે ? જે ન સમજાય એની મૂંઝવણ ઘણી હોય
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy