SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બૈરક જાતિ પરનો અવિશ્વાસ શેઠ વારે વારે વ્યક્ત કરતા : “બૈરાની જાત ભારે બેદરકાર ! એને પોતાનાં પેટનાં જણ્યાં ને પોતાનો ‘પરણ્ય' – એ બે સિવાય કોઈની પડી હોતી નથી.” અને તેઓ શેઠાણીના હાથમાંથી ઓસડની પ્યાલી લઈને પોતે જ વ્યવસ્થિત કરતા, માથાના ઘામાં ને કમરના દુઃખાવામાં ઓસડ પણ પોતે જ લગાવતા. દાસ-બજારનો નામીચો વેપારી વિલોચન પણ છાનોમાનો એક વાર ખબર લેવા આવી ગયો. એને કોઈએ ખબર આપેલી કે ચંદનાને ખૂબ વાગ્યું છે, માથું ફૂટી ગયું છે ને મરણ-પથારીએ છે. વિલોચન જાણતો હતો કે ઘરના ગુલામોને સાધારણ વાંકમાં પણ ભયંકર શિક્ષાઓ થાય છે, એણે પોતાના મનમાં વિચાર્યું : ચંદનાનો વાંક આવ્યો હશે ને માર મારતાં શેઠને ધ્યાન રહ્યું નહિ હોય ! લાવ ખબર કાઢતો આવું ને જો શેઠ પાછી આપે તો સાથે લેતો આવું ! વિલોચન સાથે સુવર્ણ લઈને આવ્યો હતો. પણ અહીંની સ્થિતિ જોઈને એ શું બોલે ? શેઠ તો ગાંડાઘેલા થઈ ગયેલા. શેઠે રોજની આદત મુજબ શેઠાણીનો વાંક કાઢતાં, ને આખી સ્ત્રીવર્ગ તરફ નિર્દયતાનો કટાક્ષ કરતાં કરતાં બધી વાત એથથી ઇતિ સુધી કહી દીધી. ભૈરવી પાસે જ ઊભી હતી. એણે શેઠાણીનો પક્ષ લેતાં કહ્યું : “શેઠજી, મારા શેઠાણીનો વાંક ન કાઢશો. સગી મા પણ આટલું હેત ન રાખે. આ દોઢ ટકાની ગુલામડીને ખાતર રોજ વાતવાતમાં તમે શેઠાણીબાને હલકાં પાડો છો, એ અમને જરાય ગમતું નથી. એ તો સાક્ષાત મા જેવાં છે !” - “દોઢ ટકાની ગુલામડી ! રે, મારી ચંદનાનું અપમાન ?” અને ધનાવહ શેઠે ભૈરવીને ઊધડી લીધી. ભૈરવી રોઈ પડી ને રડતી રડતી અંદર ચાલી ગઈ. મૂલા શેઠાણી ઓસડ બનાવી રહ્યાં હતાં. ભૈરવીને રડતી જોઈને એમણે એને પાસે બોલાવીને બધી હકીકત પૂછી. ભૈરવીએ મીઠું-મરચું ભભરાવીને બધી વાત કરી ને છેલ્લે છેલ્લે કહ્યું : “બા, તમે તો સતજુગનાં સતી છો, એટલે તમને શું સમજણ પડે ? બાકી પેલી મનોરમા દાસીની વાત તો જાણો છો ને ? રાંડ શેઠ સાથે જ પ્રેમમાં પડી ને શેઠે પોતાનાં શેઠાણીને તગડી મૂક્યાં. આ રાંડો તો મારે ત્યારે આખું ઘર મારે છે ! મને તો આ ચંદનાનાં લક્ષણ કંઈ સારાં નથી લાગતાં ! કોણ જાણે શાં ચરિતર કરતી હશે !” આ તું શું કહે છે, ભૈરવી ?” મૂલા શેઠાણી ભૈરવીએ ફેલાવેલી ભ્રમજાળમાં આબાદ સપડાઈ ગયાં. “સાચું કહું છું શેઠાણી બા ! મને મારીને કટકા કરશો તોય હું તો સાચું જ કહેવાની. સાચું કહેવામાં શેઠે મને ધમધમાવી; હવે તમે મને શૂળીએ ચડાવો, પણ બા, ખોટું તો મારાથી નહિ બોલાય.” સત્ય અસત્યની જબાનમાં ભારે જાદુ હોય છે. ભૈરવીએ આગળ ચલાવ્યું : એ રાંડ ચંદના શેઠને જોઈને વાળ વિખેરી નાખે છે, કપડાં આડાંઅવળાં કરે છે, અરે, કંઈ કંઈ ચાળા કરે છે ! બા, જો શેઠ એને આમ ને આમ પંપાળતા રહ્યા તો દશ વર્ષેય સાજી થાય તો મને કહેજો ! અને બા, હું મરું, મને રાંડને ક્યાંથી આ સત પ્રગટ્યું કે સાચું કહેવા માંડી.” ભૈરવી જરા પાસે સરીને શેઠાણીના કાનમાં કહેવા લાગી : “બા, કહેશો તો હું સાંજે ચાલી જઈશ, પણ કોઈ વાર મારી વાત સંભારજો ! આ તમારી માનીતી ચંદના એક દહાડો તમારી શોક્ય ન થાય તો મને કહેજો ! પુરુષ તો આખર પુરુષ છે. ભમરાની જાતનો બધી વાતનો વિશ્વાસ થઈ શકે, પણ કયા ફૂલની સુવાસ લેવા ક્યારે દોડશે, એ કંઈ ન કહેવાય. બસ બા, હવે મારવી હોય તો મારી નાખો. સાચું હતું તે કહી દીધું.” માયા-પ્રપંચભર્યા જગતણાં મૂલા શેઠાણી મૂંઝાઈ ગયાં. અરે, શું ચંદના મારી શોક્ય ? ના, ના, મારા પતિ એવા નથી. પણ આ ભૈરવી કહે છે કે પુરુષ તો ભ્રમર છે; એનો કાંઈ ભરોસો નહિ ! મૂલા શેઠાણી કંઈ નિર્ણય કરી ન શક્યાં. સંસારના આ પોલા ગોળામાં અસતું શબ્દના પડઘા ભારે પ્રચંડ હોય છે. 16 D પ્રેમનું મંદિર મૂલા શેઠાણી 17
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy