SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલા શેઠાણી ઊંડણ ચરકલી જેવી ચંદના, અમે કહીશું કે, ખરેખર ભાગ્યશાળી હતી, એ આવી ત્યારથી ધનાવહ શેઠના ઘરમાંથી અમાવાસ્યાનો અંધકાર સરી ગયો છે ને પૂનમની ચાંદનીનો શીતળ છંટકાવ સર્વત્ર વ્યાપ્યો છે. શેઠ-શેઠાણીના હૃદયમાં હજી સુધી ભરી પડેલી સંતાનની માયા ચંદના પર ઠલવાઈ રહી છે. લીલા વનની પોપટડી જેવી ચંદના કળા કરતી, ને જંગલની મૃગલી જેમ જેમ આખો દિવસ કૂદ્યા કરતી, ભાતભાતના શણગાર અને રંગરંગનાં વસ્ત્રો એને માટે મંગાવાતાં અને ખૂબી તો એ હતી કે ગમે તેવાં વસ્ત્ર કે અલંકાર ચંદનાને અડીને અરથી ઊઠતાં ! અલંકારથી ચંદના શોભે છે કે ચંદનાથી અલંકાર દીપે છે – રસશાસ્ત્રીઓ માટે એ ભારે મૂંઝવણનો પ્રશ્ન રહેતો. ચંદનાનો પડ્યો બોલ શેઠશેઠાણી ઝીલતાં. ચંદના ભૂતકાળને ભૂલીને વર્તમાનની સુખદ કુંજોમાં કેકા કરી રહી. આજે પોતાનો નાશપાશ સમો કેશકલાપ બાંધી એ રાસ રમવા જતી, તો કાલે વળી પાયે સુવર્ણનૂપુર બાંધી નૃત્ય કરવા લાગતી. વંસતોત્સવ કે કૌમુદી-ઉત્સવોમાં ચંદના સહુથી અગ્રેસર રહેતી. ચંદના પણ નગુણી નહોતી. એ જાણતી હતી કે આ સંસારમાં ગુલામનું સ્થાન ગમાણના ઢોર કરતાં પણ હીણું હતું, આ માટે એણે ઘરની વ્યવસ્થાનું તમામ કામ ઉપાડી લીધું હતું. અશન, પાન, ખાદિમ ને સ્વાદિમ એ પોતે જ તૈયાર કરતી, વસ્ત્ર, કંબલ, પ્રતિગ્રહ, પાદપ્રોંછન એ પોતે જ વ્યવસ્થિત રાખતી. પીઠફલક, શય્યા, સસ્તાર કે યથાયોગ્ય સ્થાને એ જ રખાવતી. ઓસડવેસડની ઉપાધિ એ જ રાખતી. ઘરનાં અન્ય દાસદાસીઓને પણ એ જ સંભાળતી. એને જોઈને ઘરનાં દાસ-દાસીઓને વિચાર આવતો : ‘અરે, આ છોકરી તે ગુલામ છે કે માલિક ? આપણી સાથે જાણે આપણી શેઠાણી હોય એમ વર્તે છે : કદીક મહેરબાની દાખવે છે, કદીક ઠપકો પણ આપે છે. ગુલામ કદી ગુલામનું શાસન સહન કરી ન જ શકે; ત્યાં એનું સ્વાભિમાન સહેજે ઘવાય. ભૈરવી નામની ફૂટડી નવજુવાન દાસીને ચંદનાનું આ જાતનું આધિપત્ય સહુથી વિશેષ ખટકતું. એ ઘણી વાર મૂંગો વિરોધ દર્શાવતી, કોઈ વાર ખુલ્લેખુલ્લો બળવો પોકારતી અને કહેતી : ‘શેઠનાં આપણે સાડી સાત વાર ગુલામ ! બાકી આપણે આ ગુલામનાં ગુલામ બનવું નથી.' એક રીતે ભૈરવી અને ચંદના બંને એકબીજાનાં હરીફ પણ હતાં. ભૈરવીનું પણ ઊગતું યૌવન હતું, ને ચંદના પણ નવયૌવના બની રહી હતી. બંને જીવનની નવવસંત સત્કારી રહી હતી. દાસત્વના કટુ ને અપમાનિત જીવનમાં ભૈરવી એક વાતનો નિશ્ચય કરી ચૂકી હતી, કે કામદેવ વય કે અવસ્થા કંઈ જોતો નથી. ગમે ત્યારે, ગમે તેને, ગમે તે વયે એ પીડે છે. ભૈરવીની મન-સાધના ધનાવહ શેઠમાં છૂપી કામપીડા પેદા કરવાની હતી. સ્વસ્થ, શાંત ને ચાતુર્યામના પાલક ધનાવહ શેઠ ભેરવીને પુત્રીની નજરે નીરખતા, એની દરકાર રાખતા, કોઈ વાર એની સુખપૃચ્છા પણ કરતા, પણ ભૈરવી પોતાનાં અંગોને બેદરકાર રીતે ઉઘાડાં રહેવા દઈ, રતિપીડા વ્યક્ત કરતાં બેશરમ ગીતો ગાઈ, કોઈ ને કોઈ બહાને શેઠની નજર સામે વારંવાર આવીને, હસીને, વ્યંગ કરીને પોતાના માર્ગે કદમ કદમ આગે બઢી રહી હતી. તેમાં અડધે રસ્તે ચંદના આવી મળી, અને બધો ખેલ બગડી ગયો, એમાંય શેઠ-શેઠાણી તો ચંદના પાછળ ઘેલા બન્યાં. એનો પડ્યો બોલ ઝિલાવા લાગ્યો. ભૈરવી આ સહી ન શકી. એણે શરૂઆતમાં ધીમો વિરોધ કર્યો, બધાં દાસ-દાસીને એની સામે ઉશ્કેર્યો પણ ખરાં, પણ ચંદનાએ એક વચનમાં તેમને સહુને ઠંડાં કરી દીધાં : આપણે બધાં દાસ છીએ. આપણે એક જ જ્ઞાતિનાં કહેવાઈએ, એટલે આપણી વચ્ચે તો ઐક્ય જ શોભે. લડશું-ઝઘડશું તો આપણા હાથે આપણું જીવન બગાડશું.” આ જવાબથી બીજાં બધાં તો સમજ્યાં, પણ ભૈરવી ન સમજી , એને થયું : ગઈ કાલે આવેલી દોઢ ટકાની ગુલામડી અમારા પર રાજ કરશે ? અરે, ગુલામની ગુલામ થઈને જીવવું એના કરતાં તો કોઈ નીચના ઘેર દાસત્વ કરવું શું ભૂંડું ?" ભૈરવી ચંદનાનું મૂળ ઉખેડી નાખવા સજ્જ થઈ પોતાની રૂપજ્યોતમાં જલી મરનાર કોઈ પતંગિયું ન મળ્યું, એટલે એ દિશાનો પ્રયત્ન એણે બંધ કર્યો. બીજાં દાસ-દાસી પણ ચંદનાને વધુ પ્રેમ કરવા લાગ્યાં, એટલે એ તરફનો યત્ન પણ એણે મૂલા શેઠાણી 13
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy