SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠી ધનાવહ વિલોચને યક્ષિકા તરફ જોઈને કહ્યું : “યક્ષિકા, ઓતરાદી વખારમાં જ્યાં આપણે ઉચ્ચ કુળની દાસીઓ રાખીએ છીએ ત્યાં એને રાખજે . કોઈ દાસ એના તરફ નજર પણ ન નાખે, એ ધ્યાન રાખજે ! આપણે પણ ગુલામોને શીલ પાળતાં શીખવવું જોઈએ, કારણ કે બજારમાં તેવાનો ભાવ મોં માગ્યો મળે છે.” - “વારુ !” પ્રચંડકાય યક્ષિકા નવી દાસીનો હાથ પકડીને ચાલી ગઈ સવારના પહોરમાં જ એક ખોટી લપ વળગી ! આજનો દહાડો બગડ્યો ! હે ભગવાન !” વિલોચન આવીને એક ઊંચા આસન ઉપર બેઠો. વેપારમાં એ વહેમ અને જ્યોતિષને બહુ માનતો. એ કહેતો કે શુકન તો દીવો છે. આજ શરૂઆતમાં જ ખોટ બેઠી. એણે નવો માલ લેવા-દેવાની સહુને આજ પૂરતી ના સંભળાવી દીધી. એની ચિંતા સ્વાભાવિક હતી, કારણ, એની વખારોમાં હમણાં હમણાં ઘણાં દાસ-દાસી ભરાઈ ગયાં હતાં. ભારતવર્ષના રાજાઓ હમણાં દિગ્વિજયના શોખમાં પડ્યા હતા. રોજ છાશવારે લડાઈઓ થતી. લડાઈમાં જે રાજાની જીત થતી, એ હારેલા રાજ્યની માલ-મિલકત સાથે જુવાન સ્ત્રી-પુરુષોને પણ બંદીવાન બનાવીને લઈ આવતા, એવી સ્ત્રીઓ ને એવા પુરુષો ગુલામ કહેવાતાં. આ ગુલામો રાજમાન્ય દાસ-બજારમાં વેચાતાં. વળી પ્રત્યેક લડાઈનું પરિણામ સ્વભાવિક રીતે અનાજની તંગીમાં આવતું. ખેતરો રોળાતાં, ભંડારો લૂંટાતા ને દુષ્કાળ ડોકાતો. આમાં પણ પેટની આગ ઠારવા બાળકો વેચાતાં. દુષ્કાળ પછી અનિવાર્ય એવો રોગચાળો ફાટતો. કેટલાંય બાળકો અનાથ બનતાં, સ્ત્રીઓ વિધવા થતી અને એ બધાં નિરાધારનો આધાર વિલોચન જેવા દાસબજારના વેપારીઓ હતા અને આ બધાં કારણોથી હમણાં વિલોચનની વખારોમાં ખૂબ માલ ભરાઈ ગયો હતો. એની ઇચ્છા ભારણ ઓછું કરવાની હતી, કારણ કે એટલા મોટા ગુલામ-સમુદાયને સંભાળતાં, સાચવતાં ને યોગ્ય રીતે શણગારીને રાખતાં ભારે ખર્ચ થતો ! રાજમાન્ય દાસ-બજારમાંથી ખરીદેલ દાસદાસીઓ ખરીદ કરનારની મિલકત લેખાતાં, આવાં ગુલામોને કોઈ રાજકીય કે માનવીય હક્ક ન મળતા. ખરીદનાર સર્વસત્તાધીશ ! ગુલામ પર એને સર્વ પ્રકારના વધ, બંધ ને ઉચ્છેદના અધિકાર ! વિલોચન એવો રાજમાન્ય ખાનદાન વેપારી હતો. વિલોચન જેવો પાવરધો હતો, એવો જ વહેમનું ઘોયું પણ હતો. પેલી ચંદનની ડાળ જેવી નાજુક છોકરી ખરીદ્યા પછી એનામાં ભારે પરિવર્તન આવતું જતું હતું. જલનિધિના અતાગ ઊંડાણ જેવી પેલી છોકરીની આંખો એના સ્મરણપટ પર કંઈ કંઈ ભાવે અંકિત કરી રહી હતી. તે પેટની દીકરી સુનયનાને જોતો ને વિચારમાં પડી જતો : અરે પેલી ચંદના ને આ સુનયના, એ બેમાં ફેર શો ? રૂપેરંગે, ગુણે કઈ રીતે ઊતરતી છે ? શા માટે એક ગુલામ ? શા માટે એક પ્રતિષ્ઠિત ? ગુલામને શું જીવ નહીં હોય ? પેટનાં જણ્યાં ને પારકા જણ્યામાં કેટલું અંતર ! જોકે આવા વિચારો વિલોચનના વેપાર માટે આત્મઘાતક હતા અને આ પહેલાં કદી એ એવો વેવલો બન્યો પણ નહોતો. પણ નાનીશી છોકરીની શાન્તગ્લાન મુખમુદ્રા એણે જોઈ ત્યારથી એને કંઈનું કંઈ થઈ ગયું હતું. એને લાગતું કે સંસારની કરુણતા-ક્ષણભંગુરતા જાણે ત્યાં આવીને થીજી ગઈ હતી. કિસલય સમા એના ઓ જોઇને એને થતું કે અરે, રડી પડીએ ! એ દિવસથી એણે ચાબુક મૂકી દીધો. નાની છોકરીઓને તો એ મારતો સાવ બંધ થયો. કેટલીક વાર યક્ષિકાને બોલાવી એ કહેતો : “હે યક્ષિકા, તે તો કેટલીય ગુલામડીઓ અને ગુલામોના વાંસા ફાડી નાખ્યા છે, પણ તને એમ નથી લાગતું કે ગુલામ કંઈ બધા સરખા નથી હોતા, ખરાબ હોય તેમ સારા પણ હોય ?” એવી વાત હું ન જાણું. હું તો એટલું જાણું કે આપણા કહ્યામાં રહે તે સારો, કહ્યામાં ન રહે એ ખરાબ, તાડનનો અધિકારી. ગઈકાલની જ વાત છે. એક ડોસાને ગુલામડી જોઈતી હતી. એ કૃપણ આત્માં ખૂબ સુવર્ણ લઈને આવ્યો હતો. એણે એક નાની છોકરી ખરીદ કરી – જૂઈના જેવી કોમળ, કેળના જેવી સ્નિગ્ધ. એને જોઈને વિષયી બૂઢાના મોંમાંથી લાળ પડવા માંડી. મેં કહ્યું : ડોસજી, ચેતતા રહેજો; નહિ તો મરી જશે તો પાપ લાગશે.' બુઢો દાંત કટકટાવી કહેવા લાગ્યો કે ‘ગુલામને હાથે 6 | પ્રેમનું મંદિર
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy