SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - “મહારાજ ! આપણું મન આપણને મોળા પાડે છે. હજીય આપણે સમજીએ. રાજનીતિની દૃષ્ટિએ પણ હવે વત્સ અને મગધ એક થયા, એટલે મૈત્રી કરી લેવી આવશ્યક છે. સંગ્રામ તરફ બહુ ન ખેંચાશો. એવો દિવસ પણ આવે કે આજનાં લોહીતરસ્યાં સૈન્યો આપણી મનસ્વી ઇચ્છાઓ સામે બળવો કરી બેસે, વગર કારણે મરવા-મારવા સજ્જ ન થાય. એવો પણ વખત આવે કે એ સૈનિકોનાં સ્ત્રીઓ ને બાળકો પોતાના પતિ કે પિતાને વરુનો ધર્મ અદા કરવા મેદાને જતા રોકે, ને જાય તો એ ખૂની આક્રમક માણસોનાં ઘર વસાવવાની ના ભણે, મહારાજ ! પૃથ્વી પ્રેમનું મંદિર બની રહી છે. શક્તિનું નહીં પણ સ્નેહનું સામ્રાજ્ય હવે સીમાડા વિસ્તારી રહ્યું છે. દૂરથી આવતી આંધીના સામના માટે આપણે વહેલા સાવચેત બની જઈએ; મોડા પડ્યા એમ પાછળથી ન થાય તે માટે પણ વહેલા જાગીએ. તલવાર તો આપણી કમર પર એની એ છે, પણ એની શક્તિ જાણે હણાઈ ગઈ છે. આજ્ઞા આપો તો વત્સ અને મગધના રાજવીઓના સ્વાગતે જાઉં ! તેઓ અવંતીની સીમાને સ્પર્શી ચૂક્યા હશે.” અવંતીપતિ કંઈ ન બોલ્યા. એમને માટે આ બધું જૂની આંખે નવા તમાશા જેવું હતું. બિલાડીની ડોકે ઊંદરો ઘંટ બાંધવા આવતા હોય એમ એમને લાગતું હતું. મંત્રીએ વળી કહ્યું : “મહારાજ , લોકમાં એમ ન કહેવાય, કે અવંતીપતિએ ખરે વખતે ટૂંકું હૃદય દાખવ્યું. સામે પગલે આવતો શત્રુ પણ અતિથિ છે, ને આદરને યોગ્ય છે, તો આ તો આપણાં પોતાનાં જ છે !' પોતાનાં ? મને તો આમાં કંઈ સૂઝ પડતી નથી મંત્રીરાજ ! પોતાનાં અને પારકાંનો ભેદ જ મને તો સમજાતો નથી; શું કરું, મંત્રીરાજ ?” અવંતીપતિના શબ્દોમાં અકળામણ અને અસહાયતા ભરી હતી. - “અવંતીનાથ, હું તો કહું છું કે શાણા, સજ્જન, શુરવીર ને બધી રીતે યોગ્ય એવા વત્સરાજને જમાઈ તરીકે હર્ષપૂર્વક સ્વીકારી લો, અને દેશને માથે આવી પડનારાં જમનાં તેડાંને ટાળો.” મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તમે બધા એકમત થયા, તો મારો વિરોધ હું ક્યાં સુધી નિભાવી શકીશ ? જાઓ, પૂરા સન્માન સાથે રાજ-અતિથિઓને તેડી લાવો.” અવંતીપતિએ આજ્ઞા આપતાં, ટેકા માટે હાથ લંબાવ્યા. વેરદેવી જાણે વિદાય લઈ રહી હતી. શરીરમાં ન જાણેલી અશક્તિ આવી રહી હતી. રોગી જેટલી શક્તિ નીરોગીમાં હોતી નથી. મંત્રી તરત વિદાય થયા. આજની ઘટના અભુત હતી. વનરાજના મુખમાં જાણે નિર્ભય રીતે મૃગશાવક પ્રવેશી રહ્યાં હતાં. અનિષ્ટની કોઈને ચિંતા નહોતી, કારણ કે હૃદયમાં પ્રેમ, વિશ્વાસ અને અર્પણ પ્રગટી ચૂક્યાં હતાં. લોકવાણી પ્રગટી હતી કે વિશ્વ તો વિચાર ને 194 | પ્રેમનું મંદિર આચારનો પડઘો માત્ર બન્યું છે; જેવા આચાર-વિચાર સારા-નરસા એવો જ એનો સારો-મીઠો પડઘો ! આ સિદ્ધાંત સાચો પાડવા-મરીને માળવો લેવા-હિંમતભેર ચાલ્યાં આવતાં રાજા ઉદયન અને વાસવદત્તાના મનમાં અનેક પ્રકારની શંકાઓ ભરી હતી. પણ આજ પાછી પાની કરવાની નહોતી. મરજીવાઓએ ભગવાન મહાવીરના સિદ્ધાંતની સરાણ પર પોતાનાં તન-મનને કસોટીએ ચડાવ્યાં હતાં. અવંતીના સીમાડા પર પગ દેતાં એ મરજીવાઓનું મન ધ્રુજી ઊઠવું. બુદ્ધિ અનેક જાતની ચિત્રવિચિત્ર દલીલો કરવા લાગી, મનને ભમાવી નાખવા લાગી. પણ બુદ્ધિની દલીલો પર મહાનુભાવ બનેલાં હૃદયોએ તરત વિજય મેળવ્યો. થોડી વારમાં એ ભય ચાલ્યો ગયો અવંતીનગરીના કાંગરા દેખાયા. સંગ્રામમાં જ સાહસ કરતાં શીખેલું મન આ નવા પ્રકારના સાહસ પાસે વળી ઢીલું ઢસ બની ગયું. વળી પૃથ્વી તો પ્રેમનું મંદિર છે. એ વચન પર વિશ્વાસ આણ્યો; જેવું વાવો તેવું લણો, એ કથન ઉપર ભરોસો કર્યો. દિલમાં, એ તાંડવ ચાલુ હતું ત્યાં અવંતીના મંત્રી સ્વાગતે આવતા દૃષ્ટિએ પડવી. સન્માનસૂચક વાજિંત્રોના નાદ ગાજી ઊઠ્યા. વળી શંકા થઈ : “બિલાડી હાથમાં આવેલા ઊંદરને મારતાં પહેલાં રમાડે છે- અરે, એવું તો નથી ને ? અવંતીપતિ પ્રદ્યોતના ચંડ-પ્રચંડ કોપાનલને કશુંય અશક્ય નહોતું.” પણ આજે તો અશક્યને શક્ય ને અસંભવિત ને સંભવિત કરવાનો સંગ્રામ મંડાયો હતો, એટલે પાછાં પગલાંને અવકાશ નહોતો. એક વાર સહુને અવંતીના નગરદ્વારમાં પ્રવેશતાં એવી પણ કલ્પના આવી ગઈ કે જાણે વાલામુખીના સળગતા પેટાળમાં પ્રવેશી રહ્યાં છીએ; પણ બીજી જ પળે આ શુરાઓએ મૃત્યુભયને દૂર કર્યો. પ્રભુ મહાવીરનાં અહિંસા અને પ્રેમને નાણી લેવાનો પુનઃ મક્કમ નિરધાર કર્યો. દેશમાં નવો દાખલો બેસાડવાનો હતો. સમષ્ટિના હિત માટે બેચાર વ્યક્તિના આપભોગ, એ કોઈ મોટી વિસાત નહોતી. રાજમહેલમાં પ્રવેશીને તેઓ રાજા પ્રદ્યોતની પાસે ચાલ્યાં ત્યારે તો સહુનું રૂંવેરૂવું એક વાર કંપી ઊઠ્યું. હજારો સૈનિકો વચ્ચે ક્ષત્રિય એકલો ઝૂઝતાં ન ડરે, પણ આજની સ્થિતિ વિચિત્ર હતી. સામો ઘા વાળવાનું એક પણ શસ્ત્ર કે સાધન પાસે નહોતું; માત્ર પ્રેમ-સમર્પણની ભાવનાથી ભરેલા અંતરની ઢાલ આડી હતી. રે ! મહારાજ પ્રદ્યોત સામે જ સિંહાસન પર બિરાજ્યા છે. એમના ચહેરા પર મીટ માંડી મંડાય તેમ નહોતી; કાચોપોચો તો ત્યાં જ ડરી જાય. પણ રાજા ઉદયને પહેલ કરી. એ આગળ વધ્યા ને એમણે અવંતીપતિને બે હાથ જોડી નમસ્કાર કરતાં કહ્યું : “આપનો અપરાધી ઉપસ્થિત થયો છે. આપ એને મન ચાહે તે શિક્ષા કરી શકો મરીને માળવો લેવાની રીત | 195
SR No.034417
Book TitlePremnu Mandir
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy