SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 11 જે જેનું તે તેને સરસ્વતીએ રીંછને ભયંકર સ્વરૂપમાં જોયું. રીંછનાં નસકોરાં ખૂબ પહોળાં હતાં. કોઈ વાર હવા સાથે અગ્નિની જ્વાળા પણ અંદર જતી આવતી દેખાતી. એની આંખો પીંગળી પીંગળી હતી, એના નખ લોહિયાળ હતા : એની રુવાંટી ભાલાની જેમ ઊભી થઈ જતી, ઘડીમાં બેસી જતી. મદારી સાદો સીધો લાગતો, પણ ન જાણે કેમ ઘડીમાં રીંછ અને મદારી એક દેખાતાં. રીંછ એ જુ મદારી અને મદારી એ જ રીંછ ! ઘડીમાં બન્ને જુદાં દેખાતાં. ઘડીમાં મદારી ભયંકર લાગતો. જાણે એ રીંછનું મહોરું પહેરી લેતો અને રીંછ એનું મહોરું પહેરી લેતું. કાલક પણ આજ અન્વેષણમાં હતો અને કોઈ જૂની સ્મૃતિ યાદ કરતો હતો. ત્યાં તો સરસ્વતીએ બૂમ પાડી : ‘ચાલ ભાઈ ! મોડું થઈ ગયું છે.' બંને જણાં ચપોચપ ઘોડા પર સવાર થઈ ગયાં, ને વેગથી અશ્વને હાંક્યા. અશ્વોએ વેગ પકડ્યો. થોડી વારમાં બંને જણાંએ ઠીક ઠીક માર્ગ કાપ્યો. પણ ત્યાં સરસ્વતી પાછળ જુએ છે, તો એ જ મદારી અને એ જ રીંછ ચાલ્યાં આવે છે ! બંને કોઈ હવાઈ અશ્વ પર બેઠાં હોય અને પીછો પકડતાં હોય તેમ લાગ્યું. સરસ્વતી ગભરાઈ ગઈ. એણે ભાઈને કહ્યું. ભાઈએ સૂચવ્યું : ‘પાછળ જોઈશ મા ! તું તો આગળ ને આગળ વધ્યે જા. હું મંત્ર ભણું છું.” સરસ્વતીએ ઘોડાને એડી મારી, એનું સુંદર વક્ષસ્થળ ભયથી ઊછળી રહ્યું હતું ને મનોહર નયનોમાં ભયની કાયરતા દૃષ્ટિગોચર થતી હતી. થોડીએક વાટ એમ ને એમ કાપી. વળી પાછા વળીને જોયું તો હજીય મદારી અને રીંછ પાછળનાં પાછળ આવતાં હતાં. ઘડીમાં એક થઈ જતાં, ઘડીમાં બે થઈ જતાં. દેહ-વિનિમયનો આ ખેલ જોઈ કાલકે ભાથામાંથી તીર ખેંચ્યું. એ તીરને મંત્રથી પુનિત કર્યું. ધનુષમાં મૂકીને આકાશમાં છોડવું. એવી રીતે છોડ્યું કે ઉપર જઈ આકાશ સાથે ભટકાઈ બમણા વેગથી સીધું રીંછ પર પડ્યું. પડતાંની સાથે એ વાયુ-અસ્ત્ર રીંછના પગને ભેદીને આરપાર નીકળી ગયું. મદારી અને રીંછની ગતિ અટકી ગઈ. ભાઈ-બહેને ઘોડા મારી મૂક્યા. આકાશમાંથી સંધ્યાનો કેસરિયા રંગનો ચંદરવો લગભગ ઊતરી ગયો હતો, ને નિશાદેવીનો નીલો ચંદરવો બંધાતો હતો. ભાઈ-બહેન ભર્યા શ્વાસે રાજદુર્ગમાં પ્રવેશી ગયાં. રાજદુર્ગના દરવાજે ઘોડા અશ્વપાલને આપી, બંને દોડતાં પોતાના આવાસમાં પહોંચી ગયાં. બંનેએ આવાસનાં દ્વાર બંધ કરાવ્યાં. વાતાયનોને ભીડી દીધાં, બંનેએ પોતપોતાના પલંગ પાસે પાસે મૂક્યા. દીપક ઠારી દીધા. શ્વાસ પણ ધીમો ધીમો લેવા માંડ્યો. એ રાતે રાજાજી અને રાણી વનવિહારે ગયાં હતાં, એટલે ભાઈબહેનને કોઈ યાદ કરે તેમ નહોતું. સમય-ચોકી પરથી ઘડિયાળાં બરાબર વાગ્યે જતાં હતાં. ભાઈ અને બહેન આંખોમાં આંખ પરોવીને બેઠાં હતાં. મનમાં મંત્ર જપતાં હતાં. એ યુગનો બહાદુરમાં બહાદુર માણસ પણ મંત્રશક્તિમાં માનતો. મધરાતનો ગજર ભાંગ્યો. ચોકીદારે સબ સલામતની આલબેલ પોકારી. એ વખતે થતો તુરીનાદ શેરીઓમાં ગાજ્યો. ભાઈબહેનાં પોપચાં ચિંતા, શ્રમ અને ખેદથી ભારે થઈ કંઈક મિચાયાં, ત્યાં આવાસની એક બારી જોરથી ખખડી રહી. થોડીવારમાં અગ્નિનો એક ભડકો બારીને ભેદીને અંદર આવ્યો. બારી બળીને કોલસો થઈ ગઈ અને કોલસા જેવો આકાર અંદર દાખલ થઈને ઊભો રહ્યો ! ભયંકર ઊંચાઈ ! ભયંકર કાળાશ ! જે જેનું તે તેને C 81
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy