SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ‘જરૂર. સંસારમાં પરમાર્થ જ મોટો છે. માણસે પોતાના માટે કંઈ કરવાનું નહિ, પારકા માટે જ કરવાનું. પારકા માટે જે પ્રયત્ન કરે, એ સંસારમાં સાચો માણસ. સરસ્વતી ! ખીણવાળા મુનિએ પેલા દેવ-દાનવના યજ્ઞની જે વાત કરેલી તે યાદ છે?! ‘હા ભાઈ !’ ‘કહે, જો !’ કાલકે સરસ્વતીના મુખે સાંભળવા ઇછ્યું, ‘ભાઈ ! વાત એવી છે કે એક વાર બ્રહ્માજીએ કહ્યું કે સુખી થવા માટેનો અને મોટા થવા માટેનો શ્રેષ્ઠ માર્ગ યજ્ઞ અને સ્વાહા છે. સ્વાહા એટલે અર્પણ !' સરસ્વતી વાત કહેતાં થોભી. ‘બરાબર છે. આગળ ચલાવ.' કાલકે કહ્યું. દેવો અને દાનવો યજ્ઞ કરવા બેઠા. સ્વાહાની પણ બંનેએ ભારે તૈયારીઓ કરી. દેવ કરતાં દાનવો મોટી પહોંચવાળા હતા. એમણે સ્વાહા માટે સુંદરમાં સુંદર વસ્તુઓ આણી, જોતાં મોંમાં પાણી છૂટે તેવી.' સરસ્વતી થોભી. એણે ચારે તરફની નિર્દોષ હરિયાળી પર નજર કરી, અને કોઈ કેદમાંથી લાંબા ગાળે છૂટેલા માણસ જેવી તૃપ્તિ અનુભવી રહી. એ આગળ બોલી : ‘સ્વાહાનો સમય આવ્યો, એટલે દેવો પરસ્પર એકબીજાના મોમાં આગ્રહ કરી કરીને મિષ્ટાન મૂકવા લાગ્યા. પહેલાં તમે, પહેલાં આપ ! એવો મંત્ર ગાજી ઊઠ્યો. એથી એકબીજામાં હેતભાવ પ્રકટ્યો.' ‘દાનવોએ સ્વાહા કરવા માટે પારકાના મુખ કરતાં પોતાનું જ મુખ પસંદ કર્યું. પોતાના હાથે લઈ પોતે આરોગવા લાગ્યા. એટલે ઝપટાઝપટી ચાલી. એકબીજાને કહેવા લાગ્યા : ‘અમે પહેલા, તું નહિ. અમને પહેલાં આપો, તું કેમ લે છે ?’ આમ પરસ્પર ઝઘડો જાગ્યો.. ‘શાબાશ, સરસ્વતી !’ કાલકે વચ્ચે કહ્યું, ‘સ્વ અને પર, બેમાં આટલો તફાવત. દેવોએ બીજાના હાથે લીધું તોય એટલું મળ્યું : દાનવોએ પોતાના હાથે લીધું તોપણ એટલું જ બલ્કે તેથી ઓછું મળ્યું. વળી દાનવોએ ઝપટા-ઝપટીમાં ઘણો બગાડ કર્યો એ વધારામાં. ભાવનાની તો કેવી ભયંકરતા થઈ ?' ભાઈ ! એ સ્વાર્થ અને પરમાર્થની ખેંચતાણમાં દાનવો પરસ્પર લડી પડવા, ખૂનખાર જંગ જાગ્યો. એમનો યજ્ઞ બગડ્યો. ત્રિલોકમાં અપકીર્તિ થઈ. દાનવો અપમાન પામ્યા અને દેવો સન્માનને પાત્ર ઠર્યા માણસે કદી સ્વાર્થને મહત્ત્વ આપવું ન જોઈએ.' 78 D લોખંડી ખાખનાં ફૂલ સરસ્વતીએ આ વાત પૂરી કરી, એટલે કાલકે કહ્યું : ‘જો હવે તારી વાતનો તાળો મળી ગયો. સંસારમાં કીડી અને કુંજરનો જે તફાવત દેખાય છે, રંક અને રાયના જે ભેદ દેખાય છે, એ કોઈ બનાવટી ભેદ નથી, ભાવનાએ પાડેલા ભેદ છે. જેણે આપીને ખાધું છે, તજીને ભોગવ્યું છે, સહન કરીને સ્નેહ સાધ્યો છે, પારકાના સુખ માટે પોતાનાં સુખ ઓછાં કર્યાં છે, પારકાનું પેટ ભરવા, પોતાના પેટે પાટા બાંધ્યા છે-એ હાથી સરજાય છે, રાય સરજાય છે, સુખી બને છે. જે એનાથી વિપરીત ચાલે છે, એ કીડી સરજાય છે. એ દુઃખી થાય છે.’ રાજકુમાર કાલકે તત્ત્વચર્ચાનો ઉપસંહાર કરતાં કહ્યું. સરસ્વતી એ વખતે બોલી : ‘ભાઈ ! મુનિનાં પેલાં વાક્યો તને યાદ છે ? તું તારી સાથે જ યુદ્ધ કર. તું તારી અંદર જ મિત્ર શોધ. જેને તું હણવા માગે છે, તે તું જ છે. જેને તું દબાવવા ચાહે છે, તે તું જ છે !! ધન્ય સરસ્વતી ! ભલે આપણું ખોળિયું રાજકુમારનું હોય, પણ આપણો આત્મા જુદો છે. મહાગુરુ મહામન્થે એમનો રંગ લગાડવા વર્ષો વિતાવ્યાં, પણ રંગ ન લાગ્યો. કદાચ લાગ્યો તો પાકો ન લાગ્યો અને પેલા મુનિએ પળમાં આપણા મનને પલટી નાખ્યું.' કાલકકુમારે હસતાં હસતાં કહ્યું. પણ સરસ્વતી વાત સાંભળતી સાંભળતી જાણે અન્યમનસ્ક થઈ ગઈ. એ ચિંતાતુર બની ગઈ. ધીરેથી બોલી : ‘ભાઈ ! મહાગુરુનું નામ લેતાં મને ભય લાગે છે.' ‘ડરવાની જરૂર નથી, એ દિવસો ગયા. એ રાતો ગઈ. એ તંત્રવિદ્યાની વાર્તા પણ મેં મનમાંથી કાઢી નાખી છે. નિશ્ચય કર્યો છે કે કદી ગમે તેવું કારણ મળે તો પણ એ વિદ્યાનો ઉપયોગ ન કરવો, પછી નિશ્ચિત થયો છું.’ ‘તારા પડખામાં છું, ત્યાં સુધી હું નિર્ભય જ છું.' સરસ્વતી આટલી વાત પૂરી કરે ત્યાં દૂરથી એક અઘોરી જેવો બાવો રીંછ લઈને આવતો દેખાયો. બાવાના હાથમાં ડમરું હતું, ત્રિશૂલ હતું, ત્રિશુલની અણી પર લોહીનાં ટીપાં હતાં. બાવો પડછંદ આકૃતિનો હતો. પણ રીંછ તો એનાથીયે ખૂબ ભયંકર હતું ! આવું રીંછ આ પ્રદેશમાં ક્યાંય ન થતું. સરસ્વતીએ રીંછને જોયું, એની પીળી પીળી આંખો જોઈ અને રાડ ફાટી ગઈ. નવી દુનિયામાં C 79
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy