SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નાદ-ગર્દભ જે દિવસની સહુ કોઈ રાહ જોઈ રહ્યાં હતાં, એ દિવસ આવી પહોંચ્યો. રાજ કુમાર દર્પણ પોતાને પિતૃપરંપરાથી પ્રાપ્ત થતી ગર્દભી વિદ્યાનું આજે દર્શન કરાવવાનો હતો. આજે જ વહેલી સવારે એ આઠ દિવસની સાધનામાંથી ચલિત આસન બન્યો હતો. એના માથા પરનાં છૂટાં કોરાં જુલ્ફાંને સ્નાન કરાવીને અંબુજાએ બાંધ્યાં હતાં, કેડ પર કીમતી અધોવસ્ત્ર પહેર્યું હતું અને કમર પર સુવર્ણનો મોટો પટો બાંધ્યો હતો. સંગેમરમરની શિલા જે વી એની શ્વેત વિશાળ છાતી ખુલ્લી હતી અને નોધની શાખાઓ જેવી એની ભુજાઓ બાજુબંધથી સુશોભિત હતી. એની મોટી મોટી આંખો કોઈની પ્રતીક્ષામાં ચારે તરફ ફરતી હતી. થોડી વારમાં મહાગુરુ મહામઘ આવતા દેખાયા. દર્પણે ગુરુદેવને નિહાળી દૂરથી નમસ્કાર કર્યા, પણ પછી એની આંખો ગુરુદેવની પાછળના શૂન્ય માર્ગ પર મંડાઈ રહી. દર્પણને કોઈની રાહ હતી. એના મુખ પર ઇંતેજારીની રેખાઓ ખેંચાયેલી ‘અંબુજા ! મને તો જાણે ઉષાસુંદરી અરુણને લઈને આવતી દેખાય છે.” દર્પણ કહ્યું અને તેણે પોતાના દેહને ટક્ષર કર્યો. એ મંત્રપ્રયોગ માટે તૈયાર થતો હતો. મગધના પવિત્ર પાંચ ડુંગરો વચ્ચેનું આ એકાંત સ્થળ હતું. સામે ઊંચા ટેકરો હતા. એ બંકા ડુંગરોની પાછળથી નીકળીને એક બંકી સરિતા બે પહાડની ગોદમાં રમતી ઝૂમતી ચાલી જતી હતી. વનરાજિમાં રંગરંગનાં પંખી રમતાં હતાં. ડુંગરના ઢોળાવ પર ગાયો ચરતી હતી, મેદાન પર હરણાં પાણી પીતાં હતાં. દૂર દૂરથી કોઈ પાટનગરીના રાજ હાથી નહાવા આવ્યા હોય તેમ હવામાં આવતા ચિત્કારો પરથી લાગતું હતું. ગુરુદેવ મહામઘ આવીને ઊભા રહ્યા ને થોડી વારે તેમની પાછળ કાલક અને સરસ્વતી આવીને ઊભાં રહ્યાં. સરસ્વતીએ પોતાની નાજુક દેહયષ્ટિ પર એક શ્વેત વસ્ત્ર વીંટ્યું હતું, છતાં એની આ સાદાઈ સૌંદર્ય ધરી રહેતી. રૂપ એવું છે કે એને કોઈના અવલંબનની જરૂર નથી. એ સ્વયં રાજે છે. સરસ્વતીના દેહ પર યૌવનનો મયુર કેકા કરવા લાગ્યો હતો. એનાં અંગ-ઉપાંગ દૃષ્ટિને જકડી રાખે એવી મનોહરતા ધારણ કર્યે જતાં હતાં, પણ યૌવનના આગમનથી આ મુગ્ધા અજ્ઞાત હતી, અને એથી એ સુંદર લાગતી હતી. રાજ કુમારી સરસ્વતી એમ માનતી હતી કે દેહને વિલેપન ન દઈએ, અલંકાર ને અડાડીએ, અંગવસ્ત્રોના ઠઠારા ન દેખાડીએ, એટલે રૂ૫ ઓછું થઈ જાય, પણ ભોળી કુમારી નહોતી જાણતી કે રૂપને તો આ બાહ્ય પ્રસાધનો જેટલાં ઓછાં મળે, એટલું એ વધુ ખીલે. મંત્રધર દર્પણે એક ઊડતી નજર ચારે તરફની સૃષ્ટિ પર ફેંકી. સૃષ્ટિ તદ્દન શાંત હતી. હવા પણ મધુર વહેતી હતી. પછી બીજી દૃષ્ટિ એણે ગુરુદેવ મહામઘ પર નાંખી, એણે એ રીતે દૃષ્ટિવંદન કરી લીધું. પછી એક દૃષ્ટિ કાલક પર નાખી ! એમાં કંઈક ગર્વ ગુંજતો હતો, છેલ્લે એક દૃષ્ટિ સરસ્વતી પર નાખી. એ દૃષ્ટિ સહુથી વધુ વાર સ્થિર રહી. એમાં જાણે સંકેત હતો : જોજે સુંદરી ! હું કેવો પરાક્રમી છું ! શુરવીરતાને સદાકાળ સૌંદર્ય શોધતું આવ્યું છે, એ ન ભૂલતી. અને રાજ કુમાર દર્પણે પછી દૃષ્ટિને દૃષ્ટિમાં આવરી લીધી, અંદર ને અંદર સંગોપન કરી દૃષ્ટિ એકાગ્ર કરી.. પછી બે પગ ભેગા કર્યા. ભાલાની જેમ શરીર ટટ્ટર કર્યું. ઊંડો શ્વાસ છાતીમાં હતી. ગુરુદેવે પોતાની ચરણરજથી પવિત્ર કરેલી વનવાટ પર થોડી વારમાં રાજકુમાર કાલક અને રાજકુમારી સરસ્વતી આવી રહેલાં નજરે પડ્યાં. ‘ભાઈ’ અરુણ ઉષાને લઈને આવી રહ્યો ન હોય, એમ કુમાર કાલક શોભે છે. પોતાની બહેન સાથે એ ચાલ્યો આવે !” અંબુજા પોતાના ગોરવર્ણા પગની પાનીથી ઊંચી થઈને જોતી જોતી બોલી. નાદ-ગર્દભ | 27
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy