SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ હે રાજન ! જીવતો નર ભદ્રા પામે. નીતિ કહે છે કે બળવાનથી પરાભવ પામેલા પુરુષ પરદેશમાં ચાલ્યા જવું ને પ્રાણની રક્ષા કરવી. કારણ કે પ્રાણ હશે તો બધું પાછું આવી મળશે.' મહાત્માએ સંજીવની રોપનાં કેટલાંક સૂત્રો કહ્યાં. ‘તો આપની સલાહ મુજબ મારે પ્રાણરક્ષા કરવી, અને તે માટે મારા દેશનો ત્યાગ કરવો ?' શકરાજે ફરી પ્રશ્ન કર્યો. ‘અવશ્ય. કહ્યું છે કે, આપત્તિ આવી પડતાં બુદ્ધિમાન માણસે ધીરજનો ત્યાગ ન કરવો. ધીરજથી માણસ વહી ગયેલાં પાણી વાળી લાવે છે. સમુદ્રમાં વહાણ ભાંગી જતાં વહાણવટીઓ સમુદ્રને ભુજાબળથી તરવા મથે છે. એમ ને એમ મોત સ્વીકારતા નથી, જુલમ કરનાર કરે. એ ગુનેગાર જરૂર છે; પણ જુલમ સહન કરનાર એનાથી વધુ ગુનેગાર છે.’ મહાત્માએ ફરી ફરી દેશત્યાગની વાત કરીને મક્કમ કરવા માંડી. ‘મારે દેશત્યાગ કરવો એમ જ આપ સલાહ આપો છો ?' શકરાજ કંઈ નિર્ણય કરી શકતા નહોતા. અવશ્ય. અભિમાની, કાર્યાકાર્યને નહિ જાણનાર, અવળે માર્ગે ચઢી ગયેલા પિતા કે ગુરુનો પણ ત્યાગ કરવામાં પાપ નથી; પછી સ્વામીની તો શી વાત ?’ મહાત્માએ કહ્યું. “ઓહ ! દેશત્યાગ !’ શકરાજ વળી વિચારમાં પડી ગયા. મહાત્માએ કહ્યું, ‘હે રાજન્ ! વીતતી દરેક પળ આસ્તિનાસ્તિ લઈને આવી રહી છે. સતત નિર્ણય થવો ઘટે. નહિ તો તળાવમાં રહેલાં ત્રણ માછલાંઓની ગતિ પામશો.' ‘મને એ કથા કહો,’ શકરાજે વિપત્તિનું ઓસડ વાર્તામાં દીઠું. મહાત્માએ વાર્તા શરૂ કરી. ‘એક જળાશય હતું. એમાં નાનાં-મોટાં અનેક માછલાં રહેતાં હતાં. એમાં ત્રણ મત્સ્યો આગેવાન હતાં; એકનું નામ અગમચેતી હતું. બીજાનું નામ સમયસૂચક હતું. ત્રીજાનું નામ યદ્ભવિષ્ય હતું. એક વાર સંધ્યાટાણે ત્યાંથી કેટલાક માછીમારો નીકળ્યા. તેઓએ આ જળાશય જોયું અને બોલ્યા. ‘અરે ! આ પાણીનો ધરો તો આપણી નજરમાં પણ હજી આવ્યો નથી! કેટલાં માછલાં છે ? અરે, અત્યારે તો રાત પડવા આવી છે. સવારે આવીને આપણે આ બધાને લઈ જઈશું.' 350 – લોખંડી ખાખનાં ફૂલ માછીમારો આ વાત કરતા કરતા ચાલ્યા ગયા. સંધ્યાના સુંદર સમયે શીતળ પાણીમાં માછલાં રમતાં હતાં. તેઓને કાને આ વાત ન પડી પણ પેલા ત્રણ આગેવાનોએ આ સાંભળ્યું. આ વખતે અગમચેતી મત્સ્ય કહ્યું, ‘અરે ! તમે પેલા માછીમારોની વાતો સાંભળી ? મને ડર લાગે છે. આપણું મોત આવ્યું સમજો. મેં ડાહ્યા માણસો પાસેથી સાંભળ્યું છે કે શત્રુ બળવાન હોય ને આપણે શક્તિમાન ન હોઈએ તો બીજે ચાલ્યા જવું અથવા બળવાન રાજનો આશ્રય લેવો. આ સિવાય બીજી ગતિ નથી. માટે પ્રભાત થાય ને પેલા માછીમારો આપણા મોતનો ગાળિયો લઈને આવી પહોંચે તે પહેલાં ક્યાંય ચાલ્યા જવું બહેતર છે.' આ સાંભળી સમયસૂચક નામનો મત્સ્ય બોલ્યો, ‘સમય ઓળખતાં શીખો, એવું ડાહ્યા પુરુષોનું વચન મેં સાંભળ્યું છે. ભાઈ અગમચેતીએ બરાબર કહ્યું છે. ભયને દૂરથી પિછાણવો જોઈએ. અને બળવાન શત્રુ હોય તો તેનાથી બચી જવું જોઈએ. કપટીઓ, નપુંસકો, કાગડાઓ, બાયલાઓ ને મૃગો પરદેશ જવાથી ડરનારા છે. અને તેઓ પોતાના દેશમાં મરણ પામે છે. જે સર્વત્ર ગતિ કરી શકે એમ છે, તે દેશમાં રાગ રાખીને શા માટે નાશ પામે ? બાયલા લોકો જ ‘આ બાપનો કૂવો છે' એમ કહીને ખારું પાણી પીએ છે. માટે હું તમારી સાથે આવવા તૈયાર છું.' આ સાંભળી યદ્ભવિષ્ય મત્સ્ય ખડખડાટ હસતો, આ બંનેની મશ્કરી કરતો બોલ્યો, ‘તમે બંને કાયરો છો, વળી સ્વદેશની પ્રીતિ વગરના છો. કોઈની ધમકીથી શું આપણે પ્યારા પિતૃદેશ ને વહાલી માતૃભૂમિથી દેશવટો લેવો ? અરે, મોત મોત શું કરો છો ? જો આયુષ્યબંધ પૂરા થયા હશે તો જ્યાં જશો ત્યાં આવીને મોત તમને પકડી લેશે. જુઓ, મેં ડાહ્યા માણસો પાસેથી સાંભળ્યું છે, કે ભલે અનાથ હોય, પણ દૈવથી સનાથ હોય તો તે બચે છે. એને ઊની આંચ પણ આવતી નથી. જે દૈવથી તરછોડાયેલું હોય, તે ગમે તેવું સનાથ હોય પણ નાશ પામે છે. વનમાં તજાયેલાં અનાથ બાળક જીવતાં જોવાયાં છે, ને ઘર મહેલમાં સચવાયેલાં બાળક મૃત્યુ પામે છે. મને તો મારો પિતૃદેશ છોડવો ગમતો નથી. તમારે જવું હોય તો જાઓ.' અગમચેતી બોલ્યું, ‘પોતાની અને શત્રુની શક્તિ જાણ્યા વિના જે અવિચારી રીતે સામે થાય છે, તે અગ્નિમાં પતંગિયાની જેમ નાશ પામે છે. અસમર્થ પુરુષોનો કોપ પોતાનો જ નાશ કરે છે. જેમ અગ્નિ પર ચડાવેલું પાત્ર બહુ તપતાં પોતાની જાતને જ બાળી નાખે છે.' યદ્ભવિષ્ય બોલ્યું, ‘હું એવી વાણી પર વિશ્વાસ કરતું નથી. એ જ ભૂમિમાં જિંદગી હારવા માટે નથી – 351
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy