SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તો આપ મંગાવી આપશો, અથવા મારા દૂતને આપ સૂચન કરશો તો તે લઈ આવશે.’ ભારતના રાજાએ આ પત્ર વાંચ્યો અને બીજી કંઈ પણ વાત કર્યા વગર દૂતને કૈદ કરવાનો હુકમ કર્યો. રાજસેવકોએ બધાને કેદ કરી લીધા. દૂત તો માન-સન્માન થવાને બદલે આ સ્થિતિ જોઈ બિચારો વિચારમાં પડી ગયો. રાજાએ કહ્યું, “આપણા ડુંગરી કિલ્લામાં એ બધાને કેદ કરો અને હું બીજો હુકમ ન કરું તે પહેલાં એમને છોડશો નહીં. ખાન-પાનમાં કંઈ પણ અડચણ ન થાય તે જોશો.' દૂતને એના સાથીઓ સાથે એક ઊંચા ડુંગર પરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. એને થયું કે જિંદગી વધારવાના રોપને બદલે આ તો જિંદગી ઘટાડવાનો યોગ થયો. આમ ને આમ દિવસો વીતી ગયા. એક વખત ખૂબ વરસાદ વરસ્યો. હવાનું ભારે તોફાન જાગ્યું. ધરતીકંપનો એક આંચકો લાગ્યો. આ ભૂકંપમાં પેલો ડુંગરી કિલ્લો ધસી પડ્યો. રાજાએ તરત જ પેલા પરદેશી દૂતને બોલાવ્યો અને કહ્યું, ‘હવે તમે છૂટા છો.' દૂત પોતાના નિશ્ચયમાં દૃઢ હતો. તેણે કહ્યું, ‘જિંદગીનો રોપ મળ્યા પહેલાં મુક્તિનો કે બંધનનો કોઈ અર્થ નથી.' રાજા કહે, ‘અરે ! તમને જિંદગી વધારવાનો રોપ તો મળી ગયો ને !’ દૂત કહે, ‘આ આપ શું કહો છો ? ક્યાં છે રોપ ?’ રાજા કહે, ‘તમે ન જોયું કે ફક્ત તમારા જેવા થોડાક માનવીઓના નિસાસાથી મારો ડુંગરી કિલ્લો જમીનદોસ્ત થઈ ગયો. ભલા, મુઠીભર માણસોની હાયથી આ સ્થિતિ થાય તો આખી પ્રજાની હાયથી શું ન થાય ? માટે પ્રજાની ભલી દુઆ, અને પોતાના સાચા વિચાર, વાણી ને વર્તન, એ જ જિંદગી વધારવાનો સાચો રોપ છે. માણસને એ જ અમર બનાવે છે. અમારે ત્યાં રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર નામના મહાન અવતારો થઈ ગયા. તેઓએ માણસને અમર બનાવવા માટે રાજપાટ તજ્યાં, સારાં ખાનપાન તજ્યાં, વનજંગલ સેવ્યાં, વાઘવરુની બોડ પાસે વાસો રહ્યા, અને લાંબી સાધનાને અંતે એમણે નિચોડ એ આપ્યો કે દેહનું અમરત્વ નિરર્થક છે, ભાવનાનું અમરત્વ સર્વશ્રેષ્ઠ છે. મૃત્યુથી ડરવાની જરૂર નથી. એ તો નવજીવનનું પ્રભાત છે અને આત્માને નવો કર્તવ્યદેહ બક્ષનાર વસ્તુ છે.’ શક રાજા આ સાંભળીને આંખમાં હર્ષાશ્રુ સાથે મહાત્માના ચરણને સ્પર્શી રહ્યો. મહાત્માએ વાતનું રહસ્ય સમજાવતાં કહ્યું, ‘રાજન્ ! કેટલીક વાર શબ્દો 320 D લોખંડી ખાખનાં ફૂલ યૌગિક રીતે બોલાય છે અને આપણે એને રૂઢ અર્થમાં સમજીએ છીએ, એટલે ભ્રમણામાં પડીએ છીએ. હિંદના પર્વતોમાં સંજીવની ઔષધિઓ છે, એનો અર્થ જરા સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે.' શક રાજા કહે, “આપ મને એ સમજાવો. આપ પ્રથમ પરિચયે જ મારા ગુરુ, માર્ગદર્શક અને હિતચિંતક બની ગયા છો. હું આપનો શિષ્ય છું.’ મહાત્માએ ધીરગંભીર સ્વરે કહ્યું, “હિંદના પડાહોમાં આત્મસાધકો અને આત્મજ્ઞાનીઓ વસે છે. એમની પાસે હિતકારક વચનો હોય છે. જેથી જગતનું કલ્યાણ થાય. મૃતક માણસો એટલે અજ્ઞાની પુરુષો. આ પર્વતમાં વસનાર સંજીવની રોપ સમા આત્મજ્ઞાનીઓને મળીને એ અજ્ઞાની - મૃતક - પુરુષો સજીવન થઈ જાય છે.’ ‘ઓહ ! અમારી કેવી ભ્રાંતિ ! અમારા કેવા તરંગો !' શક રાજાએ કહ્યું, ‘અને વસ્તુની કેવી સરસ ઉપમા.’ “રાજન્, જ્ઞાન એ જ જીવનનું અમૃત છે. હું જે ગ્રંથ લાવ્યો છું એ એક અદ્ભુત ગ્રંથ છે. અમાં રાજનીતિ, ધર્મનીતિ તથા વ્યવહારનીતિની સુંદર વાતો છે. આ ગ્રંથનું સુંદર રીતે અવગાહન કરનાર સંસારમાં અટવાતો નથી, દુ:ખી થતો નથી. સ્વસ્થતાથી એ જીવન પૂરું કરે છે.' મહાત્માએ કહ્યું . ‘મહાત્માજી ! એ ગ્રંથનું હું સન્માન કરું છું અને આપને ગુરુપદે સ્થાપું છું. રે મંત્રીજનો ! જાઓ, બધે જાહેર કરો કે મહાત્માજી અમર થવા માટે સંજીવનીનો સાચો રોપ લાવ્યા છે.' મીનનગરમાં તરત જ બધે સંદેશ પ્રસરી ગયા. રાજાએ મહાત્માને કહ્યું, ‘દર્પણ સરોવરને કાંઠે, દાડમનાં ઉદ્યાનની વચ્ચે મારો મહેલ છે. આપના નિવાસ માટે એ યોગ્ય થશે.' મહાત્માને તો ગમે ત્યાં વસવું સમાન હતું, પણ પોતે કંઈ નિર્ણય કરે તે પહેલાં એમને મઘાની ઇચ્છા શી છે તે જાણી લેવું હતું. એમણે મઘા સામે જોયું. મઘાએ શરમથી નીચું જોતાં શકરાજને વિનતિ કરી, ‘આપ તો સ્વામી છો. પણ અમ સેવકોની એવી ઇચ્છા છે કે થોડા દિવસ મહાત્મા અમારે ત્યાં રહે.’ મદ્યાની વિનંતીનો કોઈથી ઇનકાર થઈ શકે એમ ન હતું. મહાત્મા માની હવેલીએ આવીને ઊતર્યા. મઘાને તો જીવતાં સ્વર્ગ મળ્યું ! રાજગુરુ બન્યા D 321
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy