SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 40 મીનનગરમાં જહાજ મીનનગરના બંદર પર લાંગર્યું, ત્યારે સૂર્યોદય થયો હતો. મોતમાંથી ઊગરીને આવેલા પ્રવાસીઓએ જહાજમાંથી ઊતરતાં ઊતરતાં હજીય મહાત્મા બંબકાલકની જય બોલાવવી ચાલુ રાખી હતી. બંદરના નિારે આવેલું મીનનગર બહુ સુંદર શહેર હતું, અને ત્યાં શકરાજનો માનીતો શાહી-ખંડિયો રાજા રાજ કરતો હતો. આ શાહનું નામ દરાયસ હતું. રેતાળ કાંઠાથી થોડે દૂર સુંદર વાડીઓ આવેલી હતી. અને એ વાડીઓમાં દાડમનાં સુંદર વૃક્ષો ઝૂમતાં હતાં. ભારતના લોકો પૂજામાં, માનતામાં કે સત્કારમાં જેમ શ્રીફળનો ઉપયોગ કરે છે, એમ આ પ્રદેશના લોકો અતિથિના સ્વાગતમાં, પૂજાના ઉપહારમાં, નૈવેદ્યમાં કે માનતામાં દાડમનો ઉપયોગ કરતાં, દાડમ ફોલીને એના દાણા પ્રસાદી તરીકે પણ વહેંચવામાં આવતા. દાડમની વાડીઓ ઉપરાંત દૂર દૂર નારંગીનાં વન આવેલાં હતાં. એ વનોને વીંધીને મધુર મંદમંદ વાયુ વહ્યો આવતો હતો. અને એ વનરાઈમાં સ્વચ્છંદે વિહરતી; હૃદયના આકારમાં વાજિંત્ર પર ગીત ગાતી સ્વર્ગની અપ્સરાઓ જેવી સુંદરીઓ નજરે પડતી હતી. અહીંની સુંદરીઓને જોવી એ નયનનો આનંદ હતો. અલબત્ત, ભારતીય નેત્રોને પ્રમાણમાં વધારે પડતી લાગતી એની ઊંચાઈ જરા ખટકતી; પણ એનો સુવર્ણ વર્ણ, ગાત્રોની કમનીયતા, ચામડીની આરક્ત મખમલી સ્નિગ્ધતા, આંખને જકડી રાખતી. એ આછાં રંગીન વસ્ત્રો ઓઢતી અને કમર પર પટો બાંધતી. કવિઓ કહેતા કે શકઢીપની વાડીઓમાં જેવાં દાડમ પાર્ક છે એથી સારાં દાડમ ત્યાંની સુંદરીઓ પોતાના ઉર પર ધારણ કરે છે. મથા ભારતમાં આવ્યા પછી અંબોડો ગૂંથતાં શીખી હતી, પણ શકીપની સુંદરીઓ તો પોતાના પગની પાની સુધી ઢળતા કેશ છૂટા જ રાખતી. ચંદ્રની પાછળ વાદળ શોભે એમ એ એમના ગૌર દેહની પાછળ બહુ શોભતા ને સુંદરીઓની દેહયષ્ટિને વધુ કમનીય બનાવી મૂકતા. મદ્ય અહીંનુ ખાસ પીણું હતું. એને માટે દ્રાક્ષની વાડીઓ ઠેર ઠેર નજરે પડતી. આ મદ્યની દુર્ગંધ છુપાવવા પુરુષો મદ્યપાન કરીને એન ઉપર કાકડી ખાતા. અહીં વારવનિતાઓ સિવાય કોઈ સ્ત્રી મઘ ન પીતી. અલબત્ત, હલકા આસવથી કોઈ ખાસ પ્રસંગે શકસુંદરીઓ એમના સુવર્ણરંગી ચહેરાને કંકુવર્ણો જરૂર બનાવી લેતી. સૂકા અને લીલા મેવાના અહીં ગંજના ગંજ જોવાતા. પપનસનાં ઊંચાં વૃક્ષો અને લીંબુડીનાં વન દૂરદૂરથી હવામાં આછી મીઠી સુગંધ વહેતી મૂકતાં. મઘા અત્યારે ખૂબ ઉત્સાહમાં હતી. આ બધા જશનો અભિષેક જાણે એને જ ઘટતો હતો. એ એના પુત્ર ગુલ્મને હવામાં ઉછાળતી ઉછાળતી આગળ ચાલતી હતી. એણે ભારતીય વેશભૂષા ધારણ કરી હતી, અને વાળમાં પાંથી પાડીને એમાં સોનેરી દોરીઓની ગૂંથણી કરી હતી. બૈરૂત રાહ જોતો વહાણના ઊતરવાના ભાગ પર બેઠો હતો. એણે રાજદરબારમાં એના આગમનના સમાચાર પહોંચાડ્યા હતા; ને અનેક માણસોને પોતાના મંત્રબળ દ્વારા જીવતદાન આપનાર મહાત્માની વાત પણ લખી હતી. આ મહાત્મા પોતાની સાથે સંજીવની રોપ લાવ્યા છે, એ ખબર પણ એણે આપ્યા હતા. થોડીવારમાં પપનસની વાડીઓ પાછળથી રથ આવતો દેખાયો. એને બે દેખાવડા ગર્દભ જોડ્યા હતા. ભારતના અશ્વોને ઝાંખા પાડે તેવું તેઓનું તેજ હતું. રથની પાછળ રાજકર્મચારી વર્ગ ચાલતો આવતો હતો. રાજના મંત્રી પણ સાથે આવી પહોંચ્યા હતા. થોડીવારમાં બધા કિનારા પર આવી પહોંચ્યા, અને ઉચ્ચ સ્વરે બૈરૂતનું અને મહાત્માનું સ્વાગત કરતા સૂરો ઉચ્ચારી રહ્યા. વાજિંત્રોના મધુર નિનાદોથી વાતાવરણ ગાજી ઊઠ્યું. આગળ મથા ચાલી. પાછળ મહાત્મા ચાલ્યા. મહાત્માની પાછળ બૈરૂત હાથમાં ગ્રંથ લઈને ઊતર્યો. નગરમાં પણ ધીરે ધીરે ખબર પ્રસરી ગયા હતા, અને લોકો હાથમાં દાડમ લઈને સંજીવની રોપ લાવનાર મહાત્માના સ્વાગતે ચાલ્યા આવતા હતા. મંત્રીરાજે હાથ ચૂમીને સહુનું સ્વાગત કર્યું. મહાત્માએ રથમાં બેસવાની ના પાડી. મંત્રીએ ખૂબ આગ્રહ કર્યો એટલે તેઓએ અશ્વ લાવવાનું સૂચન કર્યું. મીનનગરમાં – 305
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy