SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 38 મહાત્માએ કહેલી નીતિવાર્તા ચાંદની રાત હતી. દરિયામાં જાણે ડોલર ફૂલ પાથર્યાં હતાં. અનંત સાગરમાં જહાજ મંદગતિએ માર્ગ કાપતું હતું. જહાજના એક હૂંફાળા ખંડમાં શક એલચી બૈરૂત, પોતાની પત્ની મઘા અને સંજીવનીના રોપને બદલે પંચતંત્રનું પુસ્તક લઈને સાથ આપનાર મહાત્મા નકલંક સાથે બેઠો હતો. મઘાના હાથમાં નવજાત બાળક રમતું હતું. આ બાળક મહાત્મા નકલંકની કૃપાનું ફળ છે, એમ મઘા માનતી, ગુલ્મના દરદમાંથી આવું સુંદર સર્જન એ ખરેખર મહાત્માનો ચમત્કાર જ હોય. બાળકનું મોં સવારના સૂર્ય જેવું લાલચોળ હતું, એમાંય એના ગાલ તો માખણ જેવા કોમળ હતા. મઘાએ એ ગાલ પર ચૂમી લીધી. મઘા આત્મવિભોર બની ગઈ. મઘાએ એ સ્થિતિમાં જોઈ બૈરૂતે બાળકને હાથમાં લીધો ને ચૂમી ભરી. ‘મઘા ! આ બાળકને જોઈને તને ભૂલી જઈશ એમ મને લાગે છે !' બૈરૂતે કહ્યું. ‘અરે, તું મને શું ભૂલવાનો હતો ? તું મને ભૂલે એ પહેલાં તો હું પોતે જ તને સાવ ભૂલી જઈશ.' મઘાએ કહ્યું. ‘તું મને ભૂલીશ, એ નહિ ચાલે.' બૈરૂતે જરા ગરમ થઈને કહ્યું. ‘કેમ ? હું તારી કંઈ દબાયેલી છું ?' ‘હા.’ બંને ધણીધણિયાણી લડવા તૈયાર થઈ ગયાં. એ જોઈને મહાત્માએ જરા હસતાં કહ્યું, “તો હું ચાલ્યો જાઉં. તમે બે તમારું સંભાળી લેજો.’ અને મહાત્માએ પોથી બગલમાં મારી, હાથમાં દંડ લીધો. મઘા એકદમ ઊભી થઈને દોડી અને બાળક તેમના ચરણમાં મૂકી દીધો. બૈરૂત તો એ પહેલાં પગમાં પડ્યો હતો. બંનેએ મહાત્માને વિજ્ઞપ્તિ કરી, ‘આપે અમને કહ્યું હતું કે હું તમને સંજીવનીના રોપ સમા પંચતંત્રની વાત કરીશ. કૃપા કરીને એ કહો.' દંપતી ચતુર લાગ્યાં. તેઓએ વાતને બીજે રસ્તે વાળવા કહ્યું. મહાત્મા નકલંકે સંજીવની રોપ ‘પંચતંત્ર’નાં પાનાં ખોલ્યાં અને કથાનો આરંભ કર્યો : ‘સાંભળો, મઘાદેવી ! બૈરૂતદેવ ! પંચતંત્ર નામના ગ્રંથમાં મિત્રભેદ નામનું પહેલું તંત્ર છે. એ પહેલા તંત્રની પહેલી કથા કહું છું.' ‘દક્ષિણ જનપદમાં એક નગર છે. વર્ધમાન નામે એક વણિકપુત્ર ત્યાં રહે છે. ધર્મનીતિથી એણે વિપુલ ધન મેળવ્યું છે. ‘એકદા વર્ધમાન શેઠે શેઠાણીને કહ્યું, ‘શાસ્ત્રમાં કહ્યું છે કે માણસે ધન કમાવાના હંમેશાં પ્રયાસો કરવા જોઈએ. ધન અને વિદ્યા મેળવતી વખતે મોત માથે નથી, એમ માનવું. ધર્મ આચરતી વખતે મરણ ડગલાં હેઠ છે, એમ કલ્પવું. ખોરાકથી જેમ સર્વ ઇન્દ્રિયો કામ કરતી રહે છે, તેમ ધનથી સર્વ કાર્ય સંપન્ન થાય છે.’ શેઠાણી બોલી, “પાસે ધન હોવા છતાં ધનપ્રાપ્તિની ચિંતા તમને શોભતી નથી.' વર્ધમાને કહ્યું, ‘લક્ષ્મી ચંચળ છે. નિરંતર વહેતા ઝરણ જેવી છે. ઝરણ વહેતું વહેતું સુકાઈ ન જાય તેની હંમેશાં ચિંતા કરવી જોઈએ. એમાં નવાં ઝરણ વળતાં રહેવાં જોઈએ. તું જાણે છે કે જેની પાસે ધન હોય છે એ પંડિતોમાં પંડિત કહેવાય છે. સગાંઓમાં સ્વજન લેખાય છે. કોઈ કલા, કોઈ વિદ્યા, કોઈ શિલ્પ એવું નથી, જેમાં ધનવાન સંપન્ન ગણાતા ન હોય. અરે શેઠાણી ભદ્રા ! જે વૃદ્ધ થયા હોય છે એ પણ ધનને કારણે તરુણ દેખાય છે; ને તરુણ પણ ધનના અભાવથી વૃદ્ધ થયેલા જણાય છે.' મહાત્મા જરા થોભ્યા. મઘા બોલી, ‘વાહ, વાહ ! શું સુંદર વાર્તા છે ! ધનથી વૃદ્ધ તરુણ લાગે અને ધનવિહીન તરુણ પણ વૃદ્ધ લાગે. નક્કી આપણા રાજાજી આ ગ્રંથ પર ડોલી ઊઠશે.’ ‘મદ્યાદેવી ! શાંતિથી સાંભળો. આ ગ્રંથ તો અમૃતનો ખજાનો છે.’ મહાત્માએ કહ્યું ને વાત આગળ ચલાવી, ‘ભદ્રા શેઠાણીએ પૂછ્યું, ‘કયા મહાત્માએ કહેલી નીતિવર્તા D 285
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy