SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જૈનીની ભરી બજારમાંથી કાલકે ઘોડો હાંક્યો. પ્રકાશ હવે સારી રીતે પથરાઈ ગયો હતો અને બજારો પણ ખુલી ગઈ હતી. કોઈ બ્રાહ્મણ ટહેલ નાખતો હોય તેમ આર્ય કાલકે ટહેલ નાખવા માંડી. એમણે મોટા ઘોર અવાજે કહેવા માંડ્યું: | ‘ભલે રાજા બળવાન હોય, પણ ગભિલ્લ જેવા અનાચારી રાજાથી પ્રજાનું શું વળ્યું ?” સાંભળનારા ગુનેગારીની કિતાબમાં પોતાનું નામ લખાઈ ન જાય, એ માટે આવા શબ્દો સાંભળવાની આનાકાની કરતા, કાનમાં આંગળીઓ નાખી દેતા. આર્ય કાલક વળી કોઈ જામેલી મેદનીમાં જઈને થોભી જતા અને બોલતા : ‘રે હું ધર્મની રક્ષા કરી શકતો ન હોઉં, અને છતાં ધર્મની ઝોળી લઈને ધર્મની દુહાઈ દેતો ફરું, એવા ધર્મથી મને કે સમાજને શું હાંસલ ?” વેપારીઓ કહેતા : ‘ભલા માણસ, વેદિયો ન થા, શિયાળ સો ભેગાં થાય તોય એક સિંહને પડકારી ન શકે.' કાલકે કહેતા : ‘રે મૂર્ખાઓ ! હું તો શિયાળ પાસે સિંહને પડકાર અપાવવા માગું છું. શિયાળ અને સિંહ બંનેમાં આત્મા તો એક જ પ્રકારનો છે.” વેપારીઓ કહેતા : ‘આત્માની લપ છોડો ! મુદો તો દેહનો છે. હજાર ચકલાં ભેગાં થઈને પણ એક બાજ ને મારી શકશે ખરાં ?' કાલિક કહેતા : ‘અવશ્ય ! હજાર કીડીઓ એક કાળા નાગનો પ્રાણ લઈ શકે છે. શેળા જેવું નાનું જાનવર મોટા ફણધરને તોબા પોકારાવે છે; તો શું જાનવર કરી શકે, એ માનવી નહિ કરી શકે ?' | ‘ઘેલી વાતો ! માણસ બિલકુલ ઘેલો છે. આપણે આપણું કામ કરો. એ તો નવરો છે ને સૌનું નખ્ખોદ વાળવા આવ્યો છે ?' ‘રે દેવના ભક્તો ! દૈવત વિનાના દેવળમાં દેવને વસાવીને પણ શું કરશો ? નિરર્થક છે તમારી ભક્તિ, નિપ્રાણ છે તમારી પૂજા ?” આટલું કહી ‘કાલક ગાંડો’ ના નાદ વચ્ચે આચાર્ય કાલક વળી આગળ વધતા, અને વળી ઘોડા પરથી ઊતરી જતા ને ચોરા પર બેઠેલા ક્ષત્રિયો પાસે જઈને કહેતા: | ‘જેમાં પાપ ભર્યું હોય એવી અધર્મની લમીવાળા દેશથી શું વળ્યું ? પાંડવોને હિમાળો કેમ ગળવો પડ્યો, એ જાણો છો ?” ક્ષત્રિયો ચૂપ રહેતા; કેટલાક મોં ફેરવી જતા. કાલક કહેતા: ‘પાંડવો પાસે ધર્મ સિવાય કંઈ નહોતું. કૌરવો પાસે અધર્મ સિવાય કંઈ નહોતું. કોણ જીત્યું ? તમે ધર્મને સમજો !” ક્ષત્રિયો કંટાળીને કહેતા : ‘આ ઘેલા માણસને બહાર કાઢો તો સારું ! વગર મફતની ઉપાધિ છે ! અલ્યા, ગઈ ગુજારી ભૂલી જા ! નવી પાટી, નવી લેખણ લે!” 234 D લોખંડી ખાખનાં ફૂલ કાલક વળી કહેતા : ‘અશક્ય. શું તમે કોઈ તૈયાર નહીં થા ? અધર્મનો જય બોલાવશો ? ધર્મનો પરાજય કરાવશો ? અરે કંઈક તો વિચારો ! ફરી ફરી ચેતવું છું.’ ક્ષત્રિયો ‘કાલક ગાંડો'નો ઉચ્ચાર કરતા, આચાર્ય એની પરવા કર્યા વગર આગળ કહેતા. ‘જો આમ જ ચાલશે, તો સંસાર આખો એક જ જણાના વિલાસની ક્રીડાભૂમિ બની જ શે; રાજાઓ નિરંકુશ બની જશે; દુષ્ટોનું દૈવત વધી જશે અને કોઈના ઘરની રૂપવતી મા, બહેન કે બેટી સુરક્ષિત નહિ રહે. પ્રજા વર્ણસંકર પાકશે; ઘેરઘેર રાવણ જન્મશે. રામના જન્મ માટે સૈકાઓની તપશ્ચર્યા કરવી પડશે.” ક્ષત્રિયો કંટાળીને ઊઠીને ચાલ્યા જતા. કાલક ફરી ઘોડા પર સવાર થતા ને આગળ વધતા, એ ઉજ્જૈનીની પ્રબળ સેનાઓની વચ્ચે દોડી જતા ને કહેતા : | ‘અરે ! તમે સત્ય અને સેવાને ખાતર મસ્તક કપાવવા નીકળ્યા છો કે સુવર્ણ માટે સર આપવા નીકળ્યા છો ? તમને કોઈ દ્રવ્ય આપે, એટલે તમે એના પાપમાં મદદગાર બનશો ?' સેનાનાયકો દોડી આવતા અને આચાર્યને મારીને બહાર તગડી મૂકતા. સેના તો દેશની શક્તિ છે. દેશને સેના ખપે છે, સેનાને સુવર્ણ ખપે છે. આ તો સોદાગીરી છે. સૈનિકને સેનાપતિ કહે તે ધર્મ. સેનાપતિને સિંહાસન કહે તે ધર્મ ! ભીમે પાંડવો સામે બાકરી નહોતી બાંધી ? ને સત્ય કોના પક્ષે હતું ? સત્ય-અસત્ય, ધર્મઅધર્મ તો ઠાલી જૂના કાળની વાતો ! ત્યાં એક ડાહ્યા માણસે કહ્યું: ‘ભલા માણસ ! પહાડ હેઠે ભીંસાઈ શા માટે મરે છે ? આ તરુણાવસ્થા, આ તપ, આ બુદ્ધિ, આ જ્ઞાન, એળે ન કાઢો. ભવિતવ્યતાને સમજીને શાણા થાઓ ! શાંત થાઓ ! સ્વસ્થ બનો !' ‘ભવિતવ્યતા ? રે પામરો ! કેવાં તમારાં કાટલાં ! કેવા તમારા પાસંગ !' કાલકે જાણે ત્રાડ પાડી, ‘તમારા દેહને રોગ થાય છે, ત્યારે ભવિતવ્યતાને યાદ કરી કેમ શાંત બેસતા નથી ? શા માટે વૈદની ખોજ કરો છો ? ધન ખૂટે તો પરદેશ શા માટે કમાવા જાઓ છો ?? ! ધનના દાસો ! લેવાનાં ને દેવાનાં ત્રાજવાં નોખાં-નોખાં કેમ રાખો છો ?” ધીરે ધીરે કાલ કે અલબેલી ઉજ્જૈની નગરીનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. બોલીબોલીને જીભના કૂચા થઈ ગયા, પણ નગરીમાં અધર્મ સામે હુંકાર ન જાગ્યો. એક પણ માણસે સહાનુભૂતિ વ્યક્ત ન કરી. પ્રતિશોધનો પાવક 235
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy