SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આંખમાં વધુ ખુન્નસ ઊભરાયું. ‘અરે આ ગાંડો હાથી પળ બે પળમાં આચાર્યદેવને ચગદી નાખશે. દોડો, દોડો!' દૂર તમાશો જોવા ઊભેલા લોકોએ સહાય માટે બૂમ પાડી : પણ સાંભળનારા કે બૂમ પાડનારા બેમાંથી એક પણ આગળ ન આવ્યા. કેટલાકે કહ્યું : ‘ઓ મૂર્ખ સાધુ ! પાછો વળ. જમરાજ સાથે બાકરી બાંધવાની ન હોય. તું ઘર ભૂલ્યો.' પણ ગાંડો હાથી આચાર્યની વધુ સમીપ આવી રહ્યો હતો. એટલામાં રાજ દ્વાર ઉપરનો ઝરૂખો ઊઘડ્યો. રાજા દર્પણર્સને ડોકું બહાર કાઢવું, ને ખડખડાટ હાસ્ય સાથે કહ્યું : ‘ગાંડાને ગાંડો ભેટશે, ત્યારે જ ડહાપણ આવશે.’ આચાર્યે ઉપર નજર કરી. એમણે રાજાને જોયો, પણ હવે વાત કરવાની કે સલાહ આપવાની ઘડી રહી નહોતી. આચાર્ય કાલક એટલું બોલ્યા : ‘રાજન્ ! સાધુ ગાંડો થશે, એટલે સામ્રાજ્ય ધ્રૂજી ઊઠશે હાં !' અને એમણે ગાંડા હાથીની સામે કદમ બઢાવ્યા. થોડે દૂર જઈ એ થંભી ગયા. પછી પ્રાણાયામ કરતા હોય એમ એમણે શ્વાસ ઘૂંટ્યો. પછી મશક હવાથી ફૂલે એમ એમનું ગળું ફૂલી ગયું ને થોડીવારે સૌએ સાંભળ્યું કે અંદરથી અવાજ આવી રહ્યો છે ! અવાજ તે કેવો ? વનવગડામાં કેસરી ત્રાડતો હોય તેવો ! આભના પડદા ચિરાતા હોય તેવો ! ભૂકંપના ધણેણાટ પૃથ્વીને ફાડતા હોય તેવો ! કાચા-પોચાની છાતી ધ્રૂજી ઊઠે એવો ! તમાશો જોવા એકત્ર થયેલા મૂઠીઓ વાળીને નાઠા. રાજમહેલના કાંગરા થરથર ધ્રૂજી રહ્યા. ફક્ત રાજા દર્પણર્સન હજી સ્વસ્થ ઊભો હતો અને કહેતો હતો : બિલાડીની ડોકે ઘંટ બાંધવા આવનાર ઓ મૂર્ખ સાધુ ! હજી પાછો જા, મને સાધુહત્યાની ફરજ ન પાડ ! સાધુને હું હણતો નથી.' આચાર્યની આંખો અત્યારે લગભગ બહાર નીકળી ગયા જેવી દેખાતી હતી. ગળામાંથી અનાહત નાદ તો હજી ચાલુ જ હતો. મત્ત બનેલ હાથી આ નાદ સાંભળતાં જ જ્યાં હતો ત્યાં થંભી ગયો. એને લાગ્યું કે ભર જંગલમાં એ ઘેરાઈ ગયો છે, વનકેસરી એની સામે ફાળ ભરી રહ્યો છે; જો એ સૂંઢને વળગ્યો તો શક્તિમાત્ર તૂટી જશે, અને કમોતે મરવું પડશે. મદઘેલા હાથીએ સૂંઢ વાળીને મોંમાં ઘાલી દીધી. એનો મદ ચોમાસાના પાણીની જેમ વહી ગયો ! ‘રાજહસ્તીને આગે બઢાઓ !' રાજાએ ઉપરથી બૂમ પાડી. ‘અનાડી આચાર્યને 224 D લોખંડી ખાખનાં ફૂલ એનાં કર્યાં ભોગવવા દો !' આચાર્ય તો ગળું ફુલાવીને નાદ કરી રહ્યા હતા, એમનાથી બોલાય તેમ નહોતું. મહાવતોએ અંકુશ માર્યા, ઉપરાઉપરી ઘા કર્યા; પણ હાથી એક ડગલુંય આગળ વધી ન શક્યો. એણે પોતાની સામે પોતાનો યમ ઊભેલો જોયો હતો. ફરીથી રાજાએ આજ્ઞા કરી. મહાવતે ફરી અંકુશ માર્યા. હાથીએ ભયંકર કિકિયારી કરી અને મોંમાંથી સૂંઢ બહાર કાઢીને મહાવતને ઉઠાવીને ફેંકી દીધો ને એ પાછો વળી ગયો. જોનારા અચરજપૂર્વક જોઈ જ રહ્યા ! પાછો વળીને હાથી નાઠો; અને નાસીને હાથીખાનાના એક ખુણામાં લપાઈ ગયો. એનો મદ એમ ને એમ ઊતરી ગયો હતો, એની આંખો ભયભીત બની ગઈ હતી. મદારી કરડિયામાંથી સાપને બહાર કાઢે, વાતાવરણ ભયથી ભરાઈ જાય અને પાછો એ સાપ કરંડિયામાં પુરાઈ જાય, ને વાતાવરણ સ્વસ્થ થઈ જાય, એમ આચાર્યે હવે પોતાના સ્વરોને કંઠના કરંડિયામાં પાછા પૂરવા માંડ્યા હતા. થોડી વારમાં એ ભયજનક સ્વરો અદૃશ્ય થઈ ગયા અને આચાર્યનું ફૂલેલું ગળું પૂર્વવત્ થઈ ગયું. રાજા દર્પણસેન હજીય ઝરૂખામાં હસતો હસતો ઊભો હતો. આચાર્ય સ્વસ્થ થયા. એમણે રાજા સામે જોઈને કહ્યું : ‘રાજા, તું રાજા નહિ, કુરાજા છે. આ નગર નગર નહિ, કુનગર છે. જ્યાં સતી-સાધ્વીઓનાં શીલ સલામત નહિ, સંત-સાધુનાં સન્માન નહિ, અતિથિને માન નહિ, નીતિનું પાન નહિ, ત્યાં રહેવું એ પણ પાપ છે.’ *ઓ સાધુડા ! હું સાધુને હણતો નથી. મગતરાને હણવામાં માતંગની શોભા શી ? માટે તું શુભ ચાહતો હો તો આ નગર છોડી સત્વરે ચાલ્યો જા.' રાજા દર્પણસેને કહ્યું. આચાર્ય બોલ્યા, ‘હું જાણું છું કે, કુનગરમાં રહેવું પાપ છે, પણ આજે મારાથી પાપને પીઠ ન દેવાય. અન્યાય જોઈને સાધુથી ને શૂરાથી નાસી ન છુટાય. હું સાધુ છું. તારા ધર્માધર્મનો હિસાબ મારે કરવાનો છે. પુરાણકાળમાં ઋષિઓ જ સ્વચ્છંદી રાજાઓને નાથતા હતા.' રાજા આ સાંભળીને નફટાઈપૂર્વક ખૂબ હસ્યો. પાછળ મંત્રી, પુરોહિત, સેનાપતિ વગેરે આવીને ઊભા હતા. તેઓ બોલ્યા : ‘મહારાજ ! સાધુડો જાદુ જાણે છે. એનો એને બહુ ગર્વ છે.' પ્રતિજ્ઞા – 225
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy