SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા. બાળકોને થોડી રાહત થઈ હોય એમ મને લાગ્યું, ફરીથી હું એમના ચહેરા જોઈ રહ્યો. કોઈ ચહેરો પૂરેપૂરો પ્રફુલ્લિત હોય એવી પ્રતીતિ મને ન થઈ. હું ફરી - ફરી આખા વર્ગમાં નજર ફેરવતો હતો. બાળકો મારા હાથમાંની સોટી તરફ એક નજરે જોતાં હતાં. જાણે એમને મારો સોટીવાળો હાથ જ દેખાતો હતો; હું નહિ. સોટી વાગે ચમચમ વિદ્યા આવે રૂમઝમ'ની કાચ પાયેલી દોરી જેવી ઉક્તિવાળા શૈક્ષણિક કાળ નીચે શાળામાં દરેક શિક્ષકો સોટી સાથે જ શૈક્ષણિકકાર્ય કરતા. હેડમાસ્તરની ઑફિસના ખૂણામાં સોટીઓના જથ્થો રહેતો. તૂટી જાય તો નવી વસાવવામાં આવતી. કદાચ, ડેડસ્ટોકમાં પણ એની વધ-ઘટ થતી રહેતી હતી. મેં મારા હાથમાંની સોટી ઊંચી કરી. તોળાયેલો કુહાડો જોઈને લીલુંછમ વૃક્ષ ધૂજી જાય તેમ આખો વર્ગ ધ્રૂજી ઊઠ્યો ! સૌ ભયભીત હતાં કે, તોળાયેલી સોટી જાણે હમણાં જ બધાના બરડા પર સટાક... સટાક... શિક્ષક ભણાવવાનું આરંભે એ પહેલાં સટાક... સટાકની આગોતરી શિક્ષા આખા વર્ગને કરી દેતો. એ બાળકો જાણતાં હતાં. મને ખ્યાલ ન હતો. મેં સોટી નીચે કરી. બે હાથ ભેગા કરીને ભાંગી નાખી. સોટીના ત્રણ ટુકડા કરીને બારી બહાર ફેંકી દીધા. વર્ગનાં તમામ બાળકો નિર્ભય થઈ ગયાં અને ઉલ્લાસથી તાળીઓ પાડવા લાગ્યાં ! મેં પણ તેમની સાથે તાળીઓ પાડી અને બાળકોમાં વધારે હિંમત આવી. તાળીઓના ગડગડાટ શમી જતાં હું બોલ્યો : “હું ક્યારે ય સોટી નહિ રાખું.” બાળકો વધારે ખુશ થયાં. પણ હજી બધાંને મારી વાતમાં વિશ્વાસ બેસતો ન હતો. એક ચબરાક, છોકરો બોલ્યો : “મોટા સાહેબ બીજી સોટી આપશે તો ?” મેં કહ્યું : “તો એ પણ હું ભાંગી નાખીશ. આ વર્ગમાં હું જ હોઈશ. સોટી તો ક્યારેય નહિ હોય. આજે આપણા આ પ્રથમ દિવસે તમને એક સરસ મજાની વાત કહું છું. વાર્તાનું નામ છે સોટી સાવ ખોટી !” અને વર્ગમાં ફરીથી તાળીઓની ગડગડાટી થઈ. હવે તમામ ચહેરા પૂર્ણવિકસેલાં કમળ પેઠે પ્રફુલ્લિત હતા. મારા માટે શિક્ષક તરીકે મારી સફળતાનું એ પહેલું સોપાન હતું. (મહુવાસ્થિત ચાલીસ વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા કરસનભાઈએ શિક્ષણ વિષય ઉપર અનેક પુસ્તકો અને સુંદર લેખો લખ્યા છે.) ‘બાળકના કૂમળા ગાલ પર પડેલો તમાચો એટમ બોમ્બ કરતા વધારે હિંસક અને ભીષણ હોય છે.” પ૨ ML A આદર્શ કેળવણીનું ઉપનિષદ વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી - ગુણવંત બરવાળિયા પ્રતિભાબીજની માવજત કરનારાં પરિબળોમાં શિક્ષણનું સ્થાન પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાના પર્યાય છે, માટે જ બાળકના ગર્ભસંસ્કાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે. શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યાં હતાં. પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના બાળકને ગર્ભમાં શિક્ષણ-સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી તેની શૈશવ અવસ્થામાં પણ માં બાળકને સતત શિક્ષણ આપતી પવિત્ર વિદ્યાલય છે. બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે “માસ્તર' છે. બાળકના ભીતરના ખજાનાનાં જાણતલ અને તેને શોધવા માટે પ્રેરનાર પ્રેરકબળ “માસ્તર’ છે. ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લિપિ અને ૬૪ કળાઓ શીખવી. ભારતવર્ષની પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ બાળકોને જીવનોપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપતા. ક્રમે ક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્થપાણી. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો પણ બની. અઢારમી સદીમાં વિશ્વમાં બાળશિક્ષણના સ્પેન્સર, રૂસો, ફોબેલ, પેસ્ટોલૉજી જેવા ચિંતકો ઉદયમાં આવ્યા. ઓગણીસમી સદીમાં મોન્ટેસરી અને રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણના ચિંતનમાં પ્રાણ પૂર્યા એ જ અરસામાં ગુજરાતને પૂ. ગાંધીજી, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મૂળશંકર ભટ્ટ જેવા શિક્ષણક્ષેત્રના ઉચ્ચ વિચારકો મળ્યા. આદર્શ કેળવણીનું ઉપનિષદ , A ૫૩ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy