SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સંયમ સાધનાના પથ પર ખમવાના હોય તેમ આ ગોરો રૂપાળો જુવાનજોધ દીકરો ગુલાબ ટાઇફોઇડની બીમારીમાં ગુજરી ગયો. સતત આવતા આઘાતોને પરિણામે શિવકુંવરબહેનના હૈયામાં વેદનાનો સાગર ઊમટવા લાગ્યો. જાણે લીલીછમ વાડી રાતોરાત ઉજ્જડ અને વેરાન બની ગઈ ! પતિની વિદાય સાથે સુખી દામ્પત્યજીવન નંદવાઈ ગયું અને વર્તમાનમાં ચોપાસ કાળો અંધકાર છવાઈ ગયો. સંતાનોના અવસાનથી નજર સામેનું આખુંય ભવિષ્ય ભયાવહ બની ગયું. આખો દિવસ વ્યગ્ર ચિત્તે ‘ગુલાબ ગુલાબ’ એમ રટણ કરતાં હતાં. હવે માત્ર આખા ઘરમાં વિધવા શિવકુંવરબહેન અને નાનકડી ભાનુમતી હતાં. કાળ એવો કોપ્યો હતો કે ન પૂછો વાત. શિવકુંવરબહેનના મનમાં મનોમંથનો જાગવા લાગ્યાં. જો જિંદગી ચંચળ જ હોય, તો પછી આવું જીવન જીવવું શા માટે ? હૃદય પર એક પછી એક આઘાત ખમવાના હોય, તો કંઈક એવું કરવું કે જેથી હૃદયને આમ વલોવાવું ન પડે. સંસાર જો સાર હોય તો પછી એવી નિઃસાર જિંદગી જીવવાનો શો અર્થ? વહાલસોયા પતિને થોડા વર્ષો પહેલાં ગુમાવ્યા હોય અને જ્યાં જતનથી ઉછેરેલાં પોતાનાં રતન સમાં સંતાનો મરણને શરણ થાય તેવું દશ્ય જોવા કરતાં તો આ જિંદગી જ સંકેલાઈ જાય, તો ખોટું શું છે? જીવનભરનો સાથ આપનારા છોડી જાય પછી આ જીવન જીવવાનો શો અર્થ ? પરંતુ વળી વિચાર આવ્યો કે હું તો મૃત્યુની સાડી ઓઢીને વિદાય લઈ લઉં, પરંતુ મારા કુળના અને મારી જિંદગીના છેલ્લા અવશેષ સમી વહાલસોયી ભાનુમતીનું શું ? ભલે મારે દુ:ખનો ભાર વેઠવો પડ્યો છે, પરંતુ મારે મારી દીકરીને દુ:ખી કરવી નથી. - શિવકુંવરબહેનના ધર્મસંસ્કારો જાગી ઊઠે છે અને એ વિચારે છે કે જે જિંદગીની પ્રત્યેક પળ અમૂલ્ય છે, એને સામે ચાલીને ખોઈ બેસવાનો અર્થ શો? જે જનનીની જોડ જગતમાં જડતી નથી એવી જનની બનીને હું મારી દીકરીને શા માટે અનાથ અને અસહાય બનાવું ? શિવકુંવરબહેનના ધર્મસંસ્કારો જાગે છે. સૌરાષ્ટ્રની ધરતીનું ખમીર એમના રોમેરોમને પોકારે છે. સોનું અગ્નિમાં તપીને વધારે તેજસ્વી બને, તેમ આ પ્રચંડ આધાત અને સંતાપના તાપમાં એમનું હીર વધારે પ્રકાશે છે. એ વિચારે છે કે માનવીને માટે સૌથી મોટો સહારો ધર્મ છે અને હવે એ જ ધર્મ મારો આરો અને ઓવારો છે. હવે મને સંસાર-વ્યવહારમાં કોઈ રસ નથી, પણ મારો ભીતરનો આતમરામ કહે છે કે હવે આ ઘટમાળમાંથી બહાર નીકળીને જીવનને ધર્મમય બનાવું. ઉપાશ્રયમાં સાંભળેલું એક દૃષ્ટાંત શિવકુંવરબહેનના ચિત્તમાં ચકરાવા લે છે. સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહીના ચોમાસામાં આપેલું સાધુ મહારાજ ના મુખેથી સાંભળેલું એ દૃષ્ટાંત યાદ આવે છે. ભગવાન મહાવીરે એ દૃષ્ટાંત આપતાં કહ્યું હતું, ‘કેટલાક લોકો અતિથિ માટે ઘેટાને પાળે છે, એને ખૂબ લાડ લડાવે છે, સારો ઘાસ-ચારો ખવરાવે છે. એને ચોળા ને જવ ખવરાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે ને મોજ કરે છે. એ ઘેટો મોટી કાયાવાળો અને મોટા પેટવાળો થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે, મોજ છે, મસ્ત થઈને ખાવાપીવાનું છે. જુઓને, બીજાં ઘેટાં કેવાં રખડે છે ! કેવાં ભૂખે મરે છે ! એવામાં એક દિવસ ઘરધણી મહેમાનને જમાડવા રાતા-માતા ઘેટાને પકડીને બાંધે છે અને એનો વધ કરે છે. એના નાના ટુકડા કરી એની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાનો શોક થાય છે ! પણ જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો ? તો વળી મૃત્યુરૂપી છરી કોને હલાલ નથી કરતી ? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જે ચેતે તે જ ખરો ચેત્યો કહેવાય.’ - શિવકુંવરબહેને વિચાર કર્યો કે હવે ઘડપણ આવે તે પહેલાં અને મૃત્યુ પૂર્વે ધર્મના માર્ગે ચાલવું છે. મનોમન વિચારે છે કે હવે તો જીવનનું એક જ ધ્યેય અને તે કર્મ આવરણથી રંક અને ધન બનેલા આત્માની દિવ્યજ્યોતિ પ્રગટાવવી. એક બાજુ સંસારસુખ છે, તો બીજી બાજુ કર્યસંગ્રામ છે. હવે સંસારના માર્ગે આગળ વધવાને બદલે સંયમસાધનાના કઠિન માર્ગે ચાલીને નિર્મળ આનંદ પ્રાપ્ત કરવો છે. જો ધર્માચરણ કરવું હોય તો પછી વિલંબ શા માટે ? જીવનને અધ્યાત્મના માર્ગે લઈ જવું હોય, તો હવે રાહ કોની જોવાની ? મનમાં એક સંકલ્પ જાગ્યો અને ફરીવાર એમના ચિત્તમાં ગુરુમહારાજે કહેલું ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નામના પવિત્ર આગમનું એક સૂત્ર જાગી ઊઠયું. એમાં કહેવાયું હતું,
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy