SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ પુત્રી-શિષ્યા જ્ઞાનવાન બને અને ગુરુવલ્લભના ઉપદેશને જનજનના હૃદયમાં આંદોલિત કરે, તેવી એમની ભાવના સર્વાંશે પૂર્ણ થઈ. આવા સંતોષ સાથે વિ. સં. ૨૦૨૪ને ૧૯૬૮ની સત્તરમી ફેબ્રુઆરીને શનિવારે સાંજે છ વાગે મુંબઈના શ્રી મહાવીરસ્વામી મંદિરના ઉપાશ્રયમાં ૭૪ વર્ષનું આયુષ્ય અને ૩૦ વર્ષનો દીક્ષાપર્યાય પૂર્ણ કરીને માતાગુરુ સાધ્વીશ્રી શીલવતીજી મહારાજ કાળધર્મ પામ્યાં. આ સમયે એમની સ્મૃતિમાં શ્રી આત્મવલ્લભ શીલસૌરભ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. એ પછીના ૧૯૬૮માં દહાણુમાં થયેલા ત્રીસમા ચાતુર્માસ પ્રવેશમાં મુંબઈથી ૨૦૦ ગુરુભક્તો આવ્યા અને શ્રી માણેકચંદ પુનમચંદ બાનાએ અંતરના ઉમળકાથી હેલિકોપ્ટરમાંથી પુષ્પની વર્ષા કરી. આ ચાતુર્માસમાં સાધ્વીજીએ ગુરુવલ્લભના નામને વધુ ને વધુ રોશન કર્યું. સાધ્વીજીની વાણીમાં સમુદ્ર જેવી ગંભીરતા, ધરાતલ જેવી ક્ષમાશીલતા, ગિરિરાજ જેવા ઉચ્ચ વિચારો હોવાથી મુંબઈ, પંજાબ વગેરે પ્રદેશોમાંથી પણ જનસમૂહ એમનાં વ્યાખ્યાનોમાં સ્વયંભૂપણે ઊમટી પડતો હતો. અહીંયા પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વલ્લભસૂરિજીના સ્વર્ગારોહણ દિનની ઉજવણીમાં શ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના પુત્રવધૂ શ્રીમતી વસંતબહેન સાથે મુંબઈ અંધેરીની બહેનોએ મોટી સંખ્યામાં આવીને સરસ અને ઉલ્લાસપૂર્વક પૂજા ભણાવી. નાના બાળકોએ સંગીત અને પ્રવચન દ્વારા ગુરુદેવના પ્રસંગો રજૂ કર્યા. એમણે અહીં જિનમંદિરના જીર્ણોદ્ધાર અને ઉપાશ્રયની આર્થિક સહાયતા માટે પ્રેરણા આપી, એટલું જ નહીં, પણ પોતાના પ્રબળ પુરુષાર્થથી એ કાર્ય સંપન્ન પણ ર્યાં. તે સમયે બિકાનેર જેવા દુકાળગ્રસ્ત વિસ્તારોમાં રેલવેનાં વેગનો દ્વારા ઘાસચારો મોકલ્યો હતો. દહાણુમાં અહિંસક ખેતીના સંશોધક, ક્રાંતિકારી વિચારક અને ત્યાંના પ્રમુખ શ્રી પૂનમચંદજી બાફના, શ્રી જોહરીભાઈ કર્ણાવટ, નેમિભાઈ વકીલ વગેરેનો ઉષ્માભર્યો સહકાર મળ્યો હતો. સાધ્વીશ્રી મૃગાવતીજીના હૃદયમાં એક નવો ભાવ જાગ્યો. ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં વિહાર કર્યા પછી હવે કોઈ નવા ક્ષેત્રમાં જવાનું વિચાર્યું. એવી ઇચ્છા પણ જાગી કે સાવ અપરિચિતો વચ્ચે જૈન ધર્મના સિદ્ધાંતો EC આત્મ-ક્રાંતિના ઓજસ અને ગુરુદેવની ભાવનાની સુવાસ વહેવડાવું તો કેવું? પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં વિહાર કર્યા પછી મનમાં થયું કે અજાણ્યા એવા દક્ષિણ ભારતમાં વિહાર કરીએ. તદ્દન અપરિચિત પ્રદેશમાં વિહાર કરવો અતિ મુશ્કેલ હોય છે. વળી, સામે એક સવાલ પણ ઊભો હતો કે હવે પછીનું ચાતુર્માસ ક્યાં કરવું ? કેવા હશે આ પ્રદેશના લોકો ? કેવી હશે એમની ધર્મભાવના ? અને કેવી હશે શ્રાવક-શ્રાવિકાઓની ચાતુર્માસની આરાધનાની અનુકૂળતા? સાધ્વીજી સ્વયંની ચિંતા કરતાં નહીં, પરંતુ શ્રાવક-શ્રાવિકાઓ માટે સદા ચિંતિત રહેતાં. પોતાને કારણે એમને સહેજે તકલીફ કે કષ્ટ ન પડે એનો વિશેષ ખ્યાલ રાખતાં. આથી મનમાં અનેક વિચારો આવ્યા, પરંતુ એ સંકલ્પ લીધો હતો કે હવેનો ચાતુર્માસ કોઈ પરિચિત પ્રદેશમાં કરવો નથી. પોતાની ભીતરની અને પોતાની ભાવનાઓની અગ્નિપરીક્ષા કરવાની એમને ઇચ્છા જાગી હતી. દક્ષિણ ભારત તરફ વિહાર શરૂ કરતાં પૂના શહેરમાં શ્રી કેસરીમલજી લલવાણી, શ્રી પોપટલાલ રામચંદ શાહ આદિ શ્રીસંઘના આગેવાન ગુરુભક્તોએ એમનો ભવ્ય પ્રવેશ કરાવ્યો અને શ્રી ગોડીજી મંદિરમાં (ગુરુવાર પેઠ), લશ્કરબજારમાં, શિવાજી પાર્કમાં સરધારનિવાસી શ્રી મનસુખભાઈના બંગલામાં, સોલાપુર બજારમાં મારવાડી સંઘ વગેરે સ્થાનોમાં વ્યાખ્યાન, પૂજા, પ્રભાવના થયાં. વળી શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને અન્ય મરાઠી વિદ્યાલયો (શાળાઓ)માં ઠેરઠેર જાહેર વ્યાખ્યાનો થયાં. કુમ્ભોજગિરિમાં દિગંબર મુનિ સામંતભદ્રજીની સાથે ધર્મચર્ચા થઈ. સાંગલીમાં શ્રીસંઘમાં તથા બોર્ડિંગમાં એમ બે વ્યાખ્યાનો થયા. કોલ્હાપુર સાહુકાર પેઠમાં સુપ્રસિદ્ધ વિદ્વાન એ. એન. ઉપાધ્યેને મળવા તેમના ઘરે ગયા. તેમણે પ્રેરણા કરી કે મૂડબિદ્રી એ તો જૈનોનું કાશી છે. ત્યાં પ્રાચીન શાસ્ત્રભંડાર છે તથા ધવલા, જયધવલા, મહાધવલા જેવા દુર્લભ શાસ્ત્રોનો તાડપત્રીય ભંડાર છે. વિવિધ રત્નોની પાંત્રીસ બહુમૂલ્ય પ્રતિમાઓ તથા ઐતિહાસિક જિનમંદિર છે. તેથી સાધ્વીજીએ મૂડબિદ્રીની પણ યાત્રા કરી. બેલગામમાં પાંચ વ્યાખ્યાન કરીને શિક્ષણક્ષેત્ર ધારવાડ આવ્યા. ત્યાં ઓળી કરાવી અને મહાવીર જયંતી ઉજવી. હુબલીમાં સુયશાશ્રીજી મહારાજના સંસારી કાકા ટોકરશીભાઈએ લાભ લીધો.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy