SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ શ્વેતાંબર અને સ્થાનકવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પ્રવેશ સમયના વરઘોડામાં સ્થાનકવાસી સંઘની બાળાઓ સૌથી આગળ હર્ષોલ્લાસ સાથે ચાલતી હતી. એ પછી આઠ દિવસ સુધી સ્થાનકમાં સાધ્વીજીનાં વ્યાખ્યાનો થતાં રહ્યાં. ત્યારબાદ દિગંબર જૈન ધર્મશાળામાં ચાતુર્માસ દરમિયાન રહ્યાં અને તે સમયે સ્થાનકવાસી, દિગંબર, વૈષ્ણવ, સનાતની, શીખ અને મુસલમાન સહુ કોઈ ધર્મશાળામાં એમનાં વ્યાખ્યાન શ્રવણ માટે આવતા હતા. મૌલવી મહંમદ જાન પણ સાધ્વીજીના વ્યાખ્યાનમાં આવતા હતા અને એમને અપાર આદર આપતા હતા. એમની સાથે ચર્ચા-વિચારણા અને ધર્મગોષ્ઠિ પણ ચાલતી હતી અને એમને કારણે જ સાધ્વીજી મહારાજે ઉર્દૂ ભાષાનો થોડો અભ્યાસ કર્યો અને આ સઢૌરા ગામનો ઉર્દૂમાં લખાયેલો ઇતિહાસ મેળવ્યો. તે પ્રમાણે આ ગામમાં પહેલાં સાધુઓના ડેરા હતા. તેનું અપભ્રંશ થતાં થતાં સઢૌરા થયું. એમણે જોયું કે પંજાબમાં “પૈસા” નામનું પહેલું ઉર્દૂ અખબાર આ સઢૌરામાં પ્રગટ થયું હતું. સાધ્વીજી વ્યાખ્યાનમાં ‘પ્રદ્યુમ્ન ચરિત્ર’ અને ‘તત્ત્વાર્થસૂત્રવિશે વ્યાખ્યાન આપતાં હતાં, ત્યારે એવી હૈયા સોંસરી ઊતરી જાય તેવી સરળ, સચોટ અને હૃદયસ્પર્શી વાણીથી વિષયને સમજાવતાં કે એ તમામ કોમના હૃદયને સ્પર્શી જતી હતી. વ્યાખ્યાન શરૂ થાય તે પૂર્વે જ જનમેદનીથી વિશાળ હૉલ ઊભરાઈ જતો હતો. જ્યાં ધર્મોનો આવો સંગમ સધાય, ત્યાં કોના હૃદયમાં કેવી ઉચ્ચ ભાવના જાગ્રત થાય, તે કોણ કહી શકે ? પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમયે કલ્પસૂત્રની બોલી સઢૌરા ગામના સનાતની વૈષ્ણવ લાલા બાલુરામજીએ લીધી અને પૂર્ણ વિધિવિધાન સાથે શ્રી કલ્પસૂત્રને પોતાના નિવાસસ્થાને લઈ ગયા. આમ સઢૌરામાં ભલે શ્વેતાંબરોનાં ચાર જ ઘર હોય, પરંતુ આખું ગામ સાધ્વીજીને આદર-સન્માન આપવા લાગ્યું. આ ગામમાં દિગંબરોનાં ચાલીસ ઘર હતાં અને સ્થાનકવાસીઓનાં સિત્તેર ઘર હતાં. એથીય વિશેષ તો દિગંબર જૈન સમાજના નિમંત્રણથી અને જિનશાસનરત્ન આચાર્યશ્રી સમુદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી સાધ્વીજીએ દિગંબર ધર્મશાળામાં દિગંબર સમાજ સમક્ષ દિગંબરોના પર્યુષણ એવા દસ દિવસના દસલક્ષણી પર્વનાં વ્યાખ્યાન આપ્યાં અને દસ દિવસ સુધી રોજ સાંજે સમવયસાધક સાધુતા દસલક્ષણી પર્વના ગ્રંથ પર એમનાં પ્રવચનો થતાં હતાં. કોઈ શ્વેતાંબર સાધ્વીજી દશલક્ષણીપર્વમાં દિગંબર સમાજને વ્યાખ્યાન આપે, તે પંજાબની જ નહીં, સમગ્ર જૈનજગતની વિશિષ્ટ ઘટના કહેવાય. સાધ્વીશ્રી સુવ્રતાજીએ પંજાબ યુનિવર્સિટીની સર્વોત્તમ ‘સંસ્કૃત શાસ્ત્રીની પરીક્ષા આપી. સંધ નાનો હતો, પણ જનહૃદયમાં ભાવનાઓનું પૂર વહેવા લાગ્યું. સઢૌરાના ઇતિહાસમાં પહેલીવાર જ કોઈ શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ અથવા સાધ્વીનો ચાતુર્માસ થયો. એ પછી આ નાના ગામમાં સાધ્વીશ્રી તરફ એટલી બધી ભક્તિ અને પ્રીતિ જાગી કે તેઓ ૧૯૬૦ પછી ત્રણ વાર સઢૌરામાં પધાર્યા હતાં. પંજાબમાં થયેલા વિહારના પરિણામે સર્વત્ર સાધ્વીશ્રી પ્રત્યે અપાર ચાહના જાગી ઊઠી. તેઓએ જ્યાં જ્યાં વિહાર કર્યો અને જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો, ત્યાં એમની સ્મૃતિ જાળવીને બેઠેલી સંસ્થાઓ આજે પણ જોવા મળે છે. સમાજનાં બહુવિધ ક્ષેત્રોમાં એમની સત્યવૃત્તિનો પ્રકાશ ફેલાયો. સમાજમાં પ્રસરેલા અંધશ્રદ્ધા, વહેમ અને કુરૂઢિઓની સામે સાધ્વીશ્રી કોઈ અડગ યોદ્ધાની નિર્ભયતાથી ઝઝૂમતાં રહ્યાં. કોઈ નિર્જન જંગલમાં રહેવું પડે તો પણ ભય એમને કદી સ્પર્શતો નહીં. વળી પોતે જે જે સંસ્થાઓ માટે પ્રેરણા આપી હોય, તે વધુ ને વધુ વિકાસ સાધે તે માટે સતત ખેવના રાખતાં રહ્યાં. એવામાં પવન પલટાય એમ સાધ્વીશ્રીએ પોતાના વિહારની દિશા બદલી. ધર્મ-કર્મનો યોગ સધાયો, હવે જ્ઞાનયોગના માર્ગે ચાલવાનું નક્કી કર્યું અને વિહારયાત્રાનો પંથ બદલાઈ ગયો.
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy