SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ હોય, બધે કાલિદાસનો કલ્પનાવિલાસ એકસરખી સફળતાથી વિહરે છે. તે અરણ્યસંસ્કૃતિના ગૌરવનું ગાન કરે છે, તો પૌરસંસ્કૃતિના વૈભવની સહેજે ઉપેક્ષા કરતા નથી. આવી તો ઘણી વિરોધાભાસી વસ્તુઓના સૌંદર્યને મહાકવિ સમાન સામર્થ્ય અને છટાથી પ્રગટ કરી શકે છે. દરેક વસ્તુમાં રહેલા સૌંદર્યને પોતાની સમૃદ્ધ પ્રતિભાથી પેખી તેને શબ્દમાં ચિરસ્મરણીય રીતે કંડારી દે છે. કાવ્યનાં પ્રકૃતિચિત્રો યક્ષની ભાવસ્થિતિના જ આવિર્ભાવરૂપ હોવાથી માત્ર વિગત કે ચોકસાઈવાળાં જ ન બની રહેતાં માનવસંવેદનથી ધબકતાં બની ગયાં છે, અને તેથી જ આ પ્રકૃતિકવિતા રૂપો, ઉત્પ્રેક્ષાઓ, ઉપમા આદિ અલંકારે મઢેલી છે તો પૌરાણિક સંદર્ભો દ્વારા ભાવની સચોટ અભિવ્યક્તિ પણ એમાં સધાયેલી છે. આમ નૈસર્ગિક, સચોટ, લયબદ્ધ અને વિચારમાધુરીવાળાં ચિત્રો આ કાવ્યમાં સ્થળે સ્થળે નજરે પડે છે. રમણીય ચિત્રો માટે ગમે તે ચિત્રકાર ધરાઈ જાય તેટલી સામગ્રી આમાંથી મેળવી શકે છે. પ્રત્યેક શ્લોકમાં એક મનોહર રસચિત્ર વિલસતું નજરે પડે છે. વળી આ દૃશ્યો સ્પષ્ટ, કલ્પનારંગી, મધુર, તેજોમય અને હૃદયવેધી પણ છે. ભારતીય આત્માનો સતત ધબકાર સંભળાવતું પ્રકૃતિ અને સૌંદર્યનું આવું વર્ણન બીજા કોઈ કવિ પાસેથી નહીં મળે. આ દશ્યચિત્રોને લીધે જ ‘મેઘદૂત’ વાંચતાં મનોરમ ચિત્રસૃષ્ટિ નિહાળતા હોઈએ તેવો અહોભાવ થાય છે, અને આ કારણે જ આનું પુનઃ પુન: પઠન કરતાં પણ સહેજે રસન્યૂનતા અનુભવાતી નથી. આમાં વિરહની દોરી પર એક એક દશ્યચિત્રનો મણકો પરોવેલો છે અને આવી રીતે કાલિદાસે એક સુબદ્ધ એવી અનુપમ માળા રચી છે. -- ૧૨૩ ૧૨ કવિતામાં પ્રગટ થતી બળવંતરાયની કાવ્યવિભાવના કવિતા પહેલી કે તેની વિભાવના ? આ રમણીય પ્રશ્ન ઘણી વાર કવિવિવેચકોની કવિતા વાંચતાં સહૃદયોને થાય છે. કોઈ પણ ભાષાની કવિતાનો ઇતિહાસ તેની વિભાવનાના વિકાસની સમાંતર ચાલતો હોય છે. ઘણી વાર કાવ્યસર્જન વિભાવનાને પરિષ્કૃત કરે છે તો કોઈ વાર વિભાવના કવિતાના નવીન પ્રયોગને પ્રેરે છે. કવિતા આગળ ચાલે અને તેની વિવેચના પાછળ પાછળ આવીને વિશ્લેષણ વિવરણ દ્વારા તેના પલટાતા સ્વરૂપને સમજાવતું જાય એ સ્વાભાવિક ક્રમ છે; પરંતુ અન્ય દેશકાળમાં થયેલ પ્રયોગોને અનુલક્ષીને કોઈ સર્જક-વિવેચક કવિતાની અમુક વિભાવના બાંધે તો તે પરથી પ્રયોગો કરવા લાગે તે પણ એક રીત છે. કોઈ વાર અમુક ખ્યાલ અતિપ્રચલિત બનીને લપેટો થઈ જાય તેની પ્રતિક્રિયા રૂપે બીજો જ ખ્યાલ બંધાઈને પ્રવર્તે છે. પ્રો. બળવંતરાય ઠાકોરની કાવ્યવિભાવના બીજી અને ત્રીજી તરેહના મિશ્ર સ્વરૂપે ઉદ્ભવી હતી. પ્રવાહી છંદનો પ્રયોગ તેમણે પશ્ચિમી કવિતાની બ્લૈકવર્સ પરથી કર્યો અને વિચારપ્રધાન કવિતાની જિકર કવિ નાનાલાલની ઊર્મિપ્રધાન કવિતાની પ્રતિક્રિયારૂપે કરી હતી. બે ભિન્ન પરિબળોએ એ રીતે કાવ્યના બહિરંગ ને અંતરંગમાં ફેરફાર કરવાનું ઇતિહાસ-પ્રાપ્ત કાર્ય તેમની પાસે કરાવ્યું હતું. તેઓ કવિ હોવા ઉપરાંત કવિતાશિક્ષક પણ હતા. શબ્દ કરતાં અર્થ અને ઊર્મિ કરતાં વિચારનું પ્રાધાન્ય ઉત્તમ કવિતામાં હોવું ઘટે એમ તેમણે તેમના ‘કવિતાશિક્ષણ’ અને ‘લિરિક’ જેવા ગ્રંથોમાં ‘આપણી કવિતાસમૃદ્ધિ’ તેમજ ‘ભણકાર’ના ઉપોદ્ઘાતોમાં તેમજ ‘વિવિધ વ્યાખ્યાનોમાં પ્રસંગોપાત પ્રતિપાદન કરેલું છે. તેમના બલિષ્ઠ વ્યક્તિત્વની મુદ્રા ધરાવતી શૈલીવાળાં વિવેચનોએ તેમનો આ ૧૨૩
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy