SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દસંનિધિ પ્રેમવિરહિણી મીરાંનાં પદોમાં આત્મલક્ષિતા વધુ લાગે છે. જ્યારે જ્ઞાની આનંદઘનનાં પર્દા પ્રમાણમાં વધુ પરલક્ષી છે. મીરાંમાં જે નારીહૃદયના ઉદ્ગારો છે, એ જ પ્રકારના ઉદ્ગારો આનંદઘનમાં મળે છે, પણ ત્યાં એ ઉદ્ગારોને કવિ રૂપક તરીકે આલેખે છે. આથી મીરાંનાં પદોમાં તાદાત્મ્ય અને આનંદઘનનાં પદોમાં તટસ્થતા અનુભવાય છે. મીરાંની વેદના એના હ્રદયમાંથી નીતરી છે, તો આનંદઘનની વેદના એ મર્મી સંતની વેદના છે. આનંદઘનની ભક્તિ એ અખાના જેવી છે. એમાં જ્ઞાનને અનુષંગે આવતી ભક્તિ જોવા મળે છે. જ્ઞાન જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે આનંદઘનમાં દેખાય છે. ભક્તિ જ્યારે ઉચ્ચ કોટિએ પહોંચે છે, ત્યારે આપોઆપ દર્શન પ્રાપ્ત થાય છે એ મીરાંમાં દેખાય છે. આનંદઘનની ભક્તિ તત્ત્વજ્ઞાનને અનુષંગે થતી ભક્તિ છે. આથી એમનાં રૂપકોમાં પણ રહસ્યવાદ જોવા મળે છે. આમ છતાં મીરાં જેટલી તદાકારતા અને સચોટતા આનંદઘન એમનાં પદોમાં સાધી શક્યા છે, તે પદકવિ તરીકેની તેમની વિશિષ્ટ સિદ્ધિ ગણાય. પદના સ્વરૂપમાં મીરાંએ ભક્તિ અને આનંદઘને મસ્તી રેલાવી છે. બંને સંત કવિઓએ આ પદોમાં પોતાના આત્માનુભવનું બયાન કરવાની સાથોસાથ પદસાહિત્યમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું છે. અક્ષયરસ અને અનુભવલાલી ‘અક્ષયરસ’ વહેવડાવતો અખો અને અનુભવલાલીની મસ્તીનું ગાન કરતા આનંદઘન સમકાલીન તો હતા જ, પરંતુ એથીય વિશેષ બંનેમાં તત્કાલીન પરિસ્થિતિ પર નિર્ભય પ્રહાર કરવાની ક્ષમતા, ધર્માંધતાનાં જાળાંને ભેદી નાખતી દૃષ્ટિ અને સત્ય-પિપાસુની આરતનું સામ્ય જોવા મળે છે. ૧૦૮ કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘન આનંદઘનજીના વૈરાગ્યભાવને દર્શાવતી અનેક દંતકથાઓ જોવા મળે છે, એ જ રીતે અખાના સંસારત્યાગને સૂચવતી જુદી જુદી કથાઓ મળે છે. આનંદઘનજીએ જે રીતે મેડતામાં ઉપાશ્રય છોડ્યો, એ જ રીતે અખાએ સોનીના ધંધા પર ધિક્કાર આવતાં હથિયાર કૂવામાં નાખી દીધાં એવી કથા પ્રચલિત છે. બંને સંતોએ સત્યને પામવા માટે અવિરત મથામણ કરી છે. સાચા ગુરુની શોધમાં આ બંને સંતો ખૂબ ઘૂમ્યા છે. આનંદઘનજીને સાચા ગુરુની પ્રાપ્તિ નથી થઈ. એમને તો દિવ્યનયનથી વસ્તુતત્ત્વની વિચારણા કરનારાઓનો ‘વિરહ પડ્યો નિરાધાર' લાગે છે. અખો પણ એને ક્યાંય આવા ગુરુની પ્રાપ્તિ થઈ નહીં એ માટે કહે છે : “ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ : ધન હરે, ધોખો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે ?" “પોતે હિરને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ, જ્યમ સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ, એવા ગુરુ ઘણા સંસાર, અખા શું મૂકે ભવપાર ?' “પ્રાપ્ત રામ કરે તે ગુરુ, બીજા ગુરુ તે લાગ્યાં વરુ; ધન હરે, ધોખ નવ હરે, સંબંધ સંસારી સાચો કરે." અખો દંભી ગુરુઓ પર તીખી વાણીના કોરડા વીંઝે છે, તો યોગી આનંદઘન સાચા ગુરુની અપ્રાપ્તિનો ઘેરો વિષાદ સ્તવનોમાં પ્રગટ કરે છે : “આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ.” (સ્તવન : ૪, ગાથા : ૩) “શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથા વિધ ન મિલઇ રે." (સ્તવન : ૨૧, ગાથા : ૧૦) સચ્ચિદાનંદ પામવા માટે ગુરુની શોધ તો ઘણી કરી, પણ ક્યાંય સદ્ગુરુની પ્રાપ્તિ ન થઈ. ક્યાંક દંભ જોયો તો ક્યાંક જડતા જણાઈ. ૧૦:
SR No.034286
Book TitleShabda Sannidhi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKumarpal Desai
Publication Year2001
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy