SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બદલે એનો અમુક પ્રયોજન માટે ઉપયોગ થાય છે. વળી ભાષામાં સતત સંમાર્જનનું જે કાર્ય થવું જોઈએ, તે થતું નથી. ફિસ્સા કે લપટા શબ્દોને દૂર કરવામાં આવતા નથી. અર્થવિસ્તાર સાધી ચૂકેલા અથવા તો નવી ચેતનાને પ્રકટ કરતા નવા શબ્દોને આમેજ કરવાના રહે છે. ભાષાને લગતો પ્રશ્ન એક બાજુએ મૂકીને હું આપ સહુને અપીલ કરું છું કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધે અર્થાતુ ગુજરાતી શબ્દકોશ વધુ ને વધુ સમૃદ્ધ થાય, તેવું આપ સહુ કરી શકો તેમ છો, ‘સાર્થ જોડણીકોશ'માં છે, તેનાથી ઘણા વધારે શબ્દો આપણી પ્રજાના જીવનમાં રોજબરોજના વ્યવહારમાં વપરાતા રહે છે, જેનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. છેક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના પ્રદેશમાં કેવી પ્રસન્નતા અર્થે તેવી ભાતીગળ ભાષા બોલાય છે ! આ પ્રદેશની ભાષા અને બોલીઓના સંખ્યાબંધ શબ્દો આપણા કોશમાં ઉમેરવાની જરૂર છે. આપ સહુને સાહિત્ય પરિષદનું ઇજન છે કે દરેક પ્રદેશમાંથી ‘સાર્થ જોડણીકોશમાં હોય નહીં તેવા ઓછામાં ઓછા પચાસ શબ્દો પરિષદના કાર્યાલયમાં મોકલી આપે. એ શબ્દો પરિષદના મુખપત્રમાં છપાય તેવી વ્યવસ્થા કરી શકાશે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથા, નવલિકા અને કવિતાઓ રચાય છે. તેમાંથી પણ કોઈ અભ્યાસી કે વિદ્યાર્થી આવા શબ્દો પસંદ કરીને મોકલી શકે છે. ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને સાહિત્યકાર તે વડે કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. હમણાં હમણાં પરદેશમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટેનો પ્રેમ વધુ ઉત્કટ રૂપે પ્રગટ થતો રહ્યો છે તે આનંદની વાત છે. આપણે ઇચ્છી એ કે પરદેશમાં વસતાં ગુજરાતી કુટુંબો પોતાની રીતે ગુજરાતી ભાષાને સજીવ રાખે અને નવી પેઢીને આ ભાષાને ‘ગુર્જીગ્લિશ'ની રીતે નહીં, પણ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવાની તાલીમ આપે. ગુજરાતી સાહિત્ય હવે ટેકનોલોજીના યુગમાં પ્રવેશવું પડશે. આધુનિક શોધખોળોનો લાભ લઈને દુર્લભ હસ્તપ્રતો કે જૂનાં સામયિકો કાલગ્રસ્ત થાય તે પહેલાં બચાવી લેવાં જોઈએ. ગુજરાતી કાવ્યસંગ્રહ સાથે એની સીડી પણ મળવી જોઈએ. સર્જકોના અવાજ અને એમના કાર્યને દિશ્ય-શ્રાવ્ય માધ્યમમાં જાળવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. જૂના મૂલ્યવાન ગ્રંથોને સીડીમાં ઉતારીને જાળવી રાખવા જોઈએ. વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા અધતન સાહિત્યિક સામગ્રી અને પ્રવૃત્તિથી વાચક વાકેફ રહી શકે. કૉન્ફરન્સ દ્વારા અમેરિકામાં વસતો કવિ લંડન અને અમદાવાદમાં પોતાની કાવ્યરચના સંભળાવીને એની વિવેચના તત્કાળ મેળવી શકે. ટેકનૉલૉજીના સંદર્ભમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિદેશસ્થિત હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન પણ જોવું જોઈએ. લંડનમાં આવેલી બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મધ્યકાલીન ગુજરાતીની મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. ‘વસંતવિલાસ'ની સૌથી જૂની પ્રત આજે આપણી પાસે નથી. દેશમાં આવેલા જ્ઞાનભંડારોનું સૂચીકરણ થાય છે. એ જ રીતે અત્યારે ઇંગ્લેન્ડમાં ભંડારોનું કામ ચાલે છે. વિદેશ ગયેલી આપણી સાંસ્કૃતિક વિરાસત મેળવવાનો આ એક પ્રયાસ છે. અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતી સાહિત્ય ઘણું મેળવ્યું છે. પણ ગુજરાતી સાહિત્યમાંથી કેટલી કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ હશે ? વર્તમાન સમયમાં ભારતીય ભાષાઓમાંથી અને વિદેશી સાહિત્યમાંથી કેટલાય અનુવાદ થાય છે. આ અનુવાદની પ્રવૃત્તિ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. અનુવાદનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી. ગુજરાત પર રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુનો કેટલો મોટો પ્રભાવ છે ! એ જ રીતે મીર, ગાલિબ અને બીજા ઉર્દૂ કવિઓએ ગુજરાતને કેટલું બધું આપ્યું છે ! યૂઇથે, તૉસ્તૉય, ચેખોવ, દોસ્તોયેવસ્કી, મૉલિયર, સાત્ર, કામૂ, બ્રેન્ડ અને બૅકેટનો ભારતીય સાહિત્ય પર કેટલો બધો પ્રભાવ છે ? કોઈ એક ભાષા પર નહીં, ભારતની ઘણી ભાષાઓ પર તેઓનો પ્રભાવ જોવા મળે છે. કૉલરિજ , આર્નોલ્ડ, એલિયટ અને આઈ. એ. રિચાર્ડ્ઝ જેવા વિવેચકોએ ઘણું આપ્યું છે. આથી અનુવાદનું ઘણું મહત્ત્વ રહેવાનું જ છે. સાહિત્યિક નિસબત સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૫
SR No.034283
Book TitleSahityik Nisbat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherVidy Vikas Trust
Publication Year2007
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy