________________ ગુસ્સો કરવો એ અધ્યાત્મજગતમાં મોત બરાબર છે. શા માટે ગુસ્સો કરી સામે ચાલીને મોતને સ્વીકારવું ? જ્યારે ભારે ટ્રાફિકવાળા અને અકસ્માતની પૂરેપૂરી શક્યતાવાળા રસ્તાને તમે છોડવામાં જ સલામતી માનો છો તો પછી ક્રોધના નિમિત્તોથી દૂર રહેવામાં શા માટે ગફલત કરો છો ? તમને એવું લાગે કે હવે મારાથી નહીં રહેવાય, મારાથી ગુસ્સો થઈ જ જશે કે તરત તમારે તે સ્થાન છોડી દેવું. તે વ્યક્તિથી દૂર ચાલ્યા જવું. ક્રોધ તો ન જ થવા દેવો. પરિસ્થિતિ થાળે પડે પછી જ પાછા આવવું. સલામતી સૌથી પહેલી ! safety first. ‘ક્રોધથી દૂર રહેવામાં જ મારી સાચી સલામતી છે, બાકી જો ક્રોધ જ કર્યે રાખીશ તો આ ચોર્યાશીના ચક્કરમાં મારો પત્તો પણ નહીં ખાય તેવી રીતે હું ફેંકાઈ જઈશ' - આવા પ્રકારનો નિશ્ચય જો મનમાં દઢ હોય તો અવશ્ય આ પોલિસી અપનાવવામાં તમને હિચકિચાટનો અનુભવ નહીં થાય. જો ક્રોધના પનારે પડ્યા તો નરકમાં તમારો પ્રવેશ દુર્લભ નથી. ચંડકૌશિક આ ગુસ્સાના પ્રતાપે જ પાંચમી નરકનો મહેમાન બનવાનો હતો. આ તો શ્રમણ ભગવાન મહાવીર મહારાજા મળી ગયા તો એ ચંડકૌશિક સાપ બચી ગયો. પણ, આપણે જો દુર્નિમિત્તો વચ્ચે રહી રહીને ક્રોધનો ભોગ બન્યા જ કરીશું તો વાઘ-વરુના ભવમાં આપણને બચાવવા કોણ આવવાનું ? પછી તો ચોરાશીના ચક્કર લમણે ઠોકાયા વિના રહે નહીં. માટે, ગમે તે કરીને પણ ક્રોધ તો નથી જ કરવો - આ દૃઢ સંકલ્પ કરી લો. ‘ક્રોધ ન કરવો પડે તે માટે જે કરવું પડશે તે કરીશ. પણ, ક્રોધ તો નહીં જ કરું' - આવી ભાવના ખરા અંતરથી ઘૂંટવી પડે. તો અવશ્ય ક્રોધના નિમિત્તોથી દૂર રહેવા માટેનું સત્ત્વ કેળવાશે. તે પછી જ્યારે ઘરમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય ત્યારે ઘરમાંથી બહાર નીકળી જવાનું સત્ત્વ તમારું કેળવાશે. જ્યારે પણ જે જગ્યાએ તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય કે તરત જ તે સ્થાન અને વ્યક્તિનો તે સમય પૂરતો ત્યાગ કરી દેવો. ક્રોધને ઉત્પન્ન કરનારા લગભગ ત્રણ નિમિત્તો હોય છે. 321