________________ 39 સંસારમાં સુખી થવા ઈચ્છતો માણસ જેમ નોકરી કરતાં ધંધાને પહેલાં આવકારે છે. તેમાં પણ નાની દુકાનમાંથી છેક ફેક્ટરી ખોલવા સુધીના સ્વપ્નાને સેવે છે અને તેને સાકાર કરવા મહેનત પણ કરે છે. મતલબ કે સંસારીને ફેક્ટરી સુખનું સાધન લાગે છે. અધ્યાત્મજગતમાં પણ સુખી થવા માટે શાસ્ત્રકાર ભગવંત ફેક્ટરી ખોલવાની વાત કરે છે. તે ફેક્ટરી બીજી કોઈ નહીં પણ બરફની ફેક્ટરી ! તે ફેક્ટરી બહાર ક્યાંય ખોલવાની નથી. પણ મગજમાં ખોલવાની છે. બાહ્ય જગતમાં ખોલેલી ફેક્ટરી દુન્યવી સુખને આપે પણ ખરી અને ન પણ આપે. જ્યારે મગજમાં જો બરફની ફેક્ટરી ખોલી શક્યા તો આધ્યાત્મિક ફાયદો અપરંપાર છે. ક્રોધને કાબૂમાં લેવા માટે સૌથી પહેલાં મનમાં આઈસ ફેક્ટરી ખોલવી અનિવાર્ય છે. મગજ જો શાંત હશે તો ઘણાં ઘણાં નુકસાનમાંથી બચી જવાશે. આવેશયુક્ત અને ઉકળાટયુક્ત મન કદાપિ સાચો નિર્ણય લઈ શકતું નથી. જો મગજમાં આઈસફેક્ટરી ખોલી દીધી હોય તો મનમાંથી ક્યારેય પણ ક્રોધના અંગારા નીકળી શકે નહીં. જો મગજમાં ઠંડકનું નિર્માણ કરેલું હોય તો બહારના ગમે તેવા સંયોગો પણ ક્રોધને જન્માવી શકે નહીં. માટે મગજમાં આઈસ ફેક્ટરીનું નિર્માણ અનિવાર્ય છે. 271