________________ રાખવાની ચિંતા, વલવલાટનું દુઃખ ગયું તેથી એ બંગલો સુખરૂપ નહિ પણ દુઃખરૂપ લાગે છે. માટે કહો કે એ શું કે બીજું શું, સઘળો ય સંસાર અસલમાં દુ:ખરૂપ છે, કેમકે એ મૂળે વલવલાટ, ચિંતા વગેરે દુઃખના પાયા પર સુખનો આભાસ કરાવે છે. તૃષ્ણા, મમતા અને રાગ, ઇચ્છા, આતુરતા અને આશ્ચર્ય વગેરે ખંજવાળ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી જ વિષયોના સંપર્કરૂપી ખણવાનું સુખરૂપ લાગે છે. અને એ ખંજવાળ ખસ, ખરજવાની જેમ દુ:ખરૂપ જ છે. પ્ર.- ખરો અંદરનો સંસાર, આત્મા સાથે એકરસ બનેલો સંસાર, આ તૃષ્ણા-મમતા-રાગાદિરૂપ છે. તો એકલો એ જ દુઃખરૂપ છે, બાહ્ય વિષયોનો સંસાર ક્યાં દુઃખરૂપ બન્યો ? ઉ.- એ પણ દુઃખરૂપ એટલા માટે કે બાહ્ય સંસારના વિષયો આ તૃષ્ણા-મમતા-રાગાદિને ઉખેળે છે, સૂતેલા જગાડે છે, અને જાગેલા પગભર તથા પુષ્ટ કરે છે. અરે ! કહો કે વિષયો જાણે તૃષ્ણાદિમય બને છે, માટે એ પણ દુઃખરૂપ છે. તાવનો રોગ છે જ, પણ શ્રાવણ ભાદરવાની કાકડી પણ રોગરૂપ ગણાય છે. જુગારની હાર તો નિકંદન કાઢનારી છે જ, પરંતુ જુગાર પણ નિકંદન કાઢનારું જ ગણાય છે. ઝેર તો ઝેરી ખરું જ, પણ ઝરમિશ્રિત લાડુ પણ ઝેરી જ કહેવાય છે. બસ, એ જ પ્રમાણે આંતર તૃષ્ણાદિ તો દુ:ખરૂપ ખરા જ, પણ એના સ્થાનભૂત બાહ્ય વિષયોરૂપી સંસાર પણ દુઃખરૂપ છે. એ બંનેનાં જ રૂપકો છે. અનેક પ્રકારની માનસિક આધિઓ, શારીરિક વ્યાધિઓ અને બાહ્ય ઉપાધિઓ, એ બધા જ જ્યારે દુ:ખરૂપ હોવાનું સમજશો ત્યારે એની મોહમાયા પર તિરસ્કાર છૂટશે ! અને એને નિવારનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પર અત્યંત રુચિ અને પ્રીતિ, શ્રદ્ધા અને અભિલાષા જાગશે, ક્યારે અને કેમ કેમ એ સાધું, એ તલવલાટ જાગતો રહેશે. 94 ઉપાધિ થી સમાધિ તરફ