________________
ગુણ ૩૧ ? દયા ધર્મકા મૂલ હૈ... દયા એ ધર્મની જનેતા છે. કૂણા અને રસાળ બનેલા આત્મક્ષેત્રમાં ધર્મનો પાક થાય છે. કઠોર દિલમાં ગુણોનો પાક ન થાય. આ જગતમાં કેટલાક જીવો
૧. બીજાને મારીને જીવે છે. ૨. પોતે જીવતા રહી બીજાને જીવાડે છે. ૩. પોતે પ્રાણની આહૂતિ આપીને બીજાને જીવાડે છે...
ગમે તેમ કરો પણ આપણું જીવન ટકાવોની પરિણતિમાં ધર્મનો પ્રવેશ થતો જ નથી. ધર્મ જીવન સ્વીકારનારે સહુ જીવોને સમાવવાના છે. કોમળ બનેલું દિલ અને હૃદયમાં પ્રગટેલી દયા. કષ્ટોને પ્રસન્નતાપૂર્વક વેઠી લે છે. બીજાનું નાનું પણ દુઃખ જોઇ વ્યથિત બને છે. અનંતકાળના પરિભ્રમણમાં આપણે કમજોરોને દબાવી રાખ્યા છે. બહાદુરો સામે આપણી શક્તિ ન હોતી માટે જૂકી ગયા. પરંતુ હવે જો શક્તિ હોય તો કમજોરો સામેય જૂકી જવામાં આપણી તાકાત લગાવવાની છે. દિલને દયાથી ભરપુર બનાવી રાખવાનો મોટામાં મોટો લાભ આ છે કે એનાથી બાજી જીતવા સાથે મૈત્રી અખંડ ટકી રહે છે. દુશ્મનાવટનો ભાવ પ્રાયઃ કરીને પેદા થતો નથી. સ્વજીવનમાં અસમાધિ થતી નથી. પુણ્યકર્મના યોગે પ્રાપ્ત થયેલી શક્તિઓનો ઉપયોગ બીજાને બચાવવામાં થતો હોય તો જ એ શક્તિઓ આશીર્વાદરૂપ છે...નહિતર શ્રાપરૂપ છે. જ્યાં દિલમાં દયાનો ભાવ આવશે એટલે બીજા જીવોના દુ:ખો દૂર કરવાનું શક્તિ અનુસાર આચરણ આવ્યા વિના રહેશે નહિ. ભૂખ્યાને અન્ન..તરસ્યાને જળ...રોગીની માવજત...આપત્તિમાં આવેલાને સંરક્ષણ...ઠંડીમાં ધ્રુજતાને ઓઢવાનું...મરતાને બચાવવું...જીવન નિર્વાહ તૂટેલાની વ્યવસ્થા, અપમાન...ટોણાં તિરસ્કાર અપયશ વગેરેથી પીડાતાને એમાંથી ઉગારવા...લેણદારના ત્રાસમાંથી બચાવવા ઇત્યાદિક દયાના કાર્યો શક્તિ અનુસાર કરતા રહીએ તો જ દયાના પરિણામો ટકશે.
અબોલ અને નિર્દોષ પશુઓ માટે પણ કાંઇક કરી..સ્વાર્થને ગૌણ કરી કોમળતાની પરિણતિને આત્મસાત્ કરી લઇએ..
L[૩૮]
૩૮૧