________________
ગુણ ૨૭ : કૃતજ્ઞતા પ્રેમની એક તાકાત હોય છે કે એ જેની પાસે છે તે વ્યક્તિ આજુબાજુ સહુના દિલમાં સ્થાન જમાવી લે છે. પરોપકાર પ્રધાન દ્રષ્ટિના વિકાસવાળા આ જીવો જગતને પોતાના તરફથી ઘણું આપે છે ને નોંધ પણ રાખતા નથી અને કોઇકનો પોતાના પર થયેલ અલ્પ પણ ઉપકાર ક્યારેય ભૂલતા નથી. આપણા પર અનેક જીવોના ઉપકારો છવાયેલા છે. પણ જ્ઞાનીઓ મુખ્ય ત્રણ ઉપકારીઓ દર્શાવે છે. ૧) માતા-પિતા ૨) માલિક ૩) ધર્મગુરુ. આ ત્રણેયના ઉપકારો વાળવા દુષ્કર છે. આ ત્રણેય તત્વો આપણને સુખ-શાન્તિ અને સમાધિનો રાહ ચીંધે છે. તો ભવિષ્યમાં પારલૌકિક માટે આત્મકલ્યાણનો સાચો રસ્તો દેખાડે છે.
ઝેરી શિક્ષણનો પ્રભાવ કહો કે વાતાવરણની વિષમતા ગણો, ઉપકારી તત્વોના ઉપકારોનું બદલો વાળવાનું બાજુ પર રહ્યું પણ એ તારકની ઘોર ઉપેક્ષા અને અવહેલના સુધ્ધા કરાવી દે. કૃતજ્ઞ શબ્દમાં રહેલો “જ્ઞ' શબ્દ જાણવાના અર્થમાં છે. સામાએ કરેલા ઉપકારોને જે જાણે અર્થાત્ ભૂલે નહિ. અવસર આવ્યું એનો બદલો વાળી આપે. બદલો વાળી આપવાથી પરોપકાર ગુણ પ્રતિષ્ઠિત બને છે. અનેકોને સુકૃત કરવાની પ્રેરણા મળે છે.
મા-બાપને આપણાથી સંતોષ થાય...સમાજને આપણાથી કાંઇક માર્ગદર્શન મળે...કુટુંબના દરેક સભ્યોનું દિલ ઠારનારું આપણું વર્તન બને...સંસ્કૃતિની રક્ષા કરવાની જવાબદારી પ્રામાણિક પણે બજાવીએ...આ બધાને લાવનારું કૃતજ્ઞતા ગુણ આત્મસાત્ કર્યે જ છૂટકો. આપણું વર્તન ઉપકારી પરિબળો માટે ત્રાસરુપ ન બનવું જોઇએ...
સ્વાર્થનું બલિદાન ભલે આપીએ...આપણી અપેક્ષાઓ ગૌણ બનાવવી પડે તો બનાવીએ...અનુકૂળતાઓને તિલાંજલી આપવી પડતી હોય તો આપીએ...ધનનો ઘસારો ખાવો પડતો હોય તોય ખાઇ આ ગુણનો સ્વીકાર કરી અનંતકાળને સુરક્ષિત બનાવી લેવા જેવો છે. સુકૃતની પરંપરા સર્જનારા આ ભાવને સફળ બનાવી લઇએ.
૩૭૬
જિ
.